સર્વર મધરાત પછી અઢી વાગ્યે ફરી શરૂ થતાં પાછો થયો ધસારો : દર ચાર-પાંચ મિનિટમાં ૧૦૦ શિવભક્તો નોંધાવી રહ્યા છે ઑનલાઇન પૂજા
સોમનાથ મંદિરમાં બિલ્વપૂજા માટે ઑનલાઇન નોંધણી કરી રહેલા કથાકાર મોરારિબાપુ. તેમની સાથે સોમનાથ ટ્રસ્ટના જનરલ મૅનેજર વિજયસિંહ ચાવડા છે. મોરારિબાપુએ સોમનાથ મંદિરમાં જળાભિષેક કરીને દર્શન કર્યાં હતાં. સોમનાથ મંદિરમાં મોરારિબાપુએ બિલ્વપૂજા કરાવી હતી.
સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં જાણીતા કથાકાર મોરારિબાપુએ ગઈ કાલે સોમનાથદાદાનાં દર્શન કર્યાં હતાં. ત્યાર બાદ મોરારિબાપુએ મંદિરમાં બેસીને બિલ્વપૂજા માટે પોતાના નામની ઑનલાઇન નોંધણી જાતે કરી હતી. બીજી તરફ આગામી મહાશિવરાત્રિએ ઘેરબેઠાં માત્ર પચીસ રૂપિયામાં ઑનલાઇન બિલ્વપૂજા કરાવવા માટે ધસારો થયા બાદ સર્વર જામ થઈ ગયાં હતાં એનો ઉકેલ આવી ગયો છે. ટેક્નૉલૉજીના નિષ્ણાતોએ રાત-દિવસ મહેનત કરીને મંગળવારની મધરાત પછી અઢી વાગ્યે ફરી પાછાં સર્વર ચાલુ કરી દીધાં છે. એટલું જ નહીં, સર્વર શરૂ થતાંની સાથે જ ઑનલાઇન બિલ્વપૂજાની નોંધણી માટે ફરી ધસારો થયો છે અને દર ચાર-પાંચ મિનિટમાં ૧૦૦ જેટલા શિવભક્તો ઑનલાઇન બિલ્વપૂજા નોંધાવી રહ્યા છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મૅનેજર વિજયસિંહ ચાવડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑનલાઇન બિલ્વપૂજા માટે નોંધણી કરાવવા માટે સર્વર ફરી ચાલુ થઈ ગયાં છે. રાતે અઢી વાગ્યે સર્વર ફરી કાર્યરત થયાં હતાં. જામ થઈ ગયેલાં સર્વરને ચાલુ કરવા માટે ટેક્નિકલ સ્ટાફે મહેનત કરી હતી અને સર્વર ચાલુ કર્યાં છે. સર્વર ચાલુ થયા બાદ દર ચોથી-પાંચમી મિનિટ સુધીમાં ૧૦૦ જેટલા ભક્તજનો બિલ્વપૂજા માટે ઑનલાઇન નામ નોંધાવી રહ્યા છે. જેટલાં નામ નોંધાશે એ તમામ ભક્તજનો વતી મહાશિવરાત્રિએ બ્રાહ્મણો મંદિરમાં બિલ્વપૂજા કરશે અને નોંધણી કરાવનાર તમામ ભક્તોના ઘરે પ્રસાદ મોકલવામાં આવશે.’
ADVERTISEMENT
વિજયસિંહ ચાવડાએ વધુમાં કહ્યું હતું કે ‘ગઈ કાલે મોરારિબાપુએ સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતાં. મહાશિવરાત્રિએ યોજાનારી બિલ્વપૂજા માટે મોરારિબાપુએ ઑનલાઇન તેમનું નામ નોંધ્યું હતું. મંદિરમાં બાપુએ સોમનાથ મહાદેવની બિલ્વપૂજા કરી હતી તેમ જ જળાભિષેક કરીને સોમનાથદાદાના આશીર્વાદ મેળવ્યા હતા.’ સોમનાથ ટ્રસ્ટના જનરલ મૅનેજર વિજયસિંહ ચાવડાએ મોરારિબાપુને મહાદેવજીનું સ્મૃતિચિત્ર તથા પ્રસાદ આપીને સન્માન અને અભિવાદન કર્યું હતું. મોરારિબાપુએ સોમનાથ ટ્રસ્ટના બિલ્વપૂજાના આયોજનની સરાહના કરી હતી.


