પતંગબાજોની પરેડમાં વડોદરાના પ્રીતેશ સોલંકીએ વડા પ્રધાનની પતંગ સાથે રાખીને સૌનું ધ્યાન ખેંચ્યું
પરેડમાં પ્રીતેશ સોલંકીએ નરેન્દ્ર મોદીની પતંગ સાથે રાખીને પરેડ કરી હતી. (તસવીર : જનક પટેલ)
અમદાવાદમાં ગઈ કાલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં શહેરના આકાશમાં ‘વન નેશન, વન ઇલેક્શન’ લખેલા સૂત્ર સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિશાળ પતંગ ચજી હતી. પતંગબાજોની પરેડમાં વડોદરાના પ્રીતેશ સોલંકીએ નરેન્દ્ર મોદીની પતંગ સાથે રાખીને પરેડ કરતાં એ પતંગે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
પ્રીતેશ સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી કહે છે ‘વન નેશન, વન ઇલેક્શન’ હોવું જોઈએ એટલે ૬ ફુટની હાઇટ અને ૪ ફુટની પહોળાઈવાળી આ પતંગ બનાવી અને એક મેસેજ આપવા માગીએ છીએ કે જો દેશમાં લોકસભા, વિધાનસભા સહિતની ચૂંટણીઓ એક જ વખતે, એકસાથે થાય તો ખર્ચ બચી જાય અને મતદારોનો ટાઇમ પણ બચી જાય. આ ઉપરાંત જ્યારે-જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે આચારસંહિતાના કારણે વિકાસનાં કામો પર બ્રેક લાગે છે એ લાગે નહીં અને સમયસર વિકાસનાં કામો થઈ શકે. વિશેષ વાત એ છે કે જો પાંચ વર્ષે એક વાર એકસાથે ચૂંટણી આવે તો મતદારોનો ઉત્સાહ વધે અને મતદાન પણ કદાચ વધુ થાય. વડોદરાથી અમે ૭ જણ આ પતંગ-મહોત્સવમાં ભાગ લેવા આવ્યા છીએ અને આ મેસેજ આપવા માગીએ છીએ.’


