જોકે જબરદસ્ત વાઇરલ થયેલા વિડિયોમાં જે રીતે એક છોકરી બૂમાબૂમ કરતી સંભળાય છે એ જોઈને આપણને એવું લાગે કે પોતાની કાર બચાવવાના ચક્કરમાં આ છોકરીના પપ્પા તણાઈ ગયા, પણ એવું નથી. વિનોદ ટેકચંદાણી પોતાની દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે વધારે...
રેસ્ક્યુ કરનાર જૂનાગઢ પોલીસની ટીમ સાથે વિનોદ ટેકચંદાણી. (નીચલી હરોળમાં જમણેથી ત્રીજા)
મુંબઈ ઃ જૂનાગઢમાં બે દિવસ પહેલાં પડેલા અનરાધાર વરસાદને લીધે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને કાર સહિતનાં વાહનો પાણીની સાથે વહેવા લાગ્યાં હોવાના વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા. સોશ્યલ મીડિયામાં એક વિડિયો ખૂબ જ વાઇરલ થયો હતો, જેમાં એક વ્યક્તિને તણાતી જોઈને ‘બાપા ગ્યા... બાપા ગ્યા...’ની બૂમો પાડતી એક છોકરીનો અવાજ સાંભળાય છે. આ વિડિયો એટલો બધો વાઇરલ થયો છે કે અત્યાર સુધીમાં લાખો લોકો એ જોઈ ચૂક્યા છે અને એ જોયા બાદ બધાને એક જ સવાલ થાય છે કે પાણીમાં તણાઈ ગયેલા બાપાનું શું થયું? તેઓ બચી ગયા કે હજી સુધી તેમનો કોઈ પત્તો નથી લાગ્યો? આટલા ભારે વરસાદમાં તેઓ શા માટે ઘરની બહાર નીકળ્યા હતા?
શનિવારે જૂનાગઢમાં ચાર કલાકમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો જેને પગલે આખા શહેર અને આસપાસના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં. ભારે વરસાદ બાદ સાંજના સમયે એક વિડિયો વાઇરલ થયો હતો, જેમાં સફેદ રંગની એક કારની સાથે એક આધેડ વયની વ્યક્તિ પાણીમાં તણાઈ રહી છે. તેમને પાણીમાં જતા જોઈને એક છોકરી વિડિયોમાં બૂમો પાડતી સંભળાય છે કે ‘બાપા ગ્યા...’ પોતાની આંખની સામે એક વ્યક્તિને પાણીમાં વહેતી જોઈને અનાયાસ છોકરીના મોઢામાંથી આવા શબ્દો નીકળ્યા હતા, જે સાંભળીને ભલભલાને અરેરાટી વ્યાપી જાય છે.
સોશ્યલ મીડિયામાં વિડિયો વારઇલ થયા બાદ કોઈકે જૂનાગઢ પોલીસને જાણ કરતાં પોલીસ કામે લાગી હતી અને જૂનાગઢમાં દુર્વેશનગર ખાતેના સરયુ અપાર્ટમેન્ટની સામેના બ્લૉક-નંબર ૫૪ના મકાનમાં રહેતા વિનોદ ગોપીચંદ ટેકચંદાણીને રેસ્ક્યુ કરવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. પાણીના વહેણમાં તેઓ ૮૦થી ૯૦ ફીટ સુધી તણાયા બાદ એક ઝાડના સહારે હતા ત્યારે પોલીસે તેમને બચાવી લીધા હતા.
ADVERTISEMENT
શનિવારે સાંજે દુકાનથી ઘરે પાછા ફરી રહેલા વિનોદ ટેકચંદાણી દીવાલ તૂટી પડતાં જે કારના સપોર્ટે ઊભા હતા એની સાથે કાળવા નદીમાં તણાયા હતા, પરંતુ થોડે દૂર ઝાડનો સહારો મળી જતાં બે કલાક પાણીમાં કાઢ્યા બાદ જૂનાગઢ પોલીસ તેમને હેમખેમ બહાર લાવી હતી.
પૂલની દીવાલ તૂટી
વિનોદભાઈને રેસ્ક્યુ કરનારી જૂનાગઢ પોલીસની ટીમમાં સામેલ કૉન્સ્ટેબલ રૉબિન યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બપોર બાદ અંદાજે સાડાચાર વાગ્યે વિનોદભાઈ તેમની દુકાન બંધ કરીને સાઇકલ પર ઘરે જવા નીકળ્યા હતા ત્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો. તેઓ આલ્ફા કમ્પ્યુટર સ્કૂલ પાસે પહોંચ્યા ત્યારે રસ્તામાં વધુ પાણી ભરાયું હતું એટલે સાઇકલ બાજુમાં મૂકીને એક કારના ટેકે ઊભા હતા. આ સમયે કાળવા નદી પરના પુલની દીવાલ તૂટતાં ભારે દબાણથી પાણી વહેતા વિનોદભાઈ કારની સાથે વહેવા લાગ્યા હતા.’
વિડિયો વાઇરલ થયો
વિનોદભાઈ કારની સાથે પાણીમાં તણાઈ રહ્યા હતા ત્યારે આ ઘટનાનો નજીકના બિલ્ડિંગમાંથી એક બહેને વિડિયો શૂટ કર્યો હતો, જેમાં તેમની સાથેની એક છોકરી ‘બાપા ગ્યા... બાપા ગ્યા...’ની બૂમો પાડતી સંભળાઈ હતી. પોતાની આંખની સામે એક જીવતી-જાગતી વ્યક્તિ પાણીમાં વહી રહી છે અને પોતે કંઈ જ નથી કરી શકતી એનું દર્દ છોકરીના વિડિયોમાં સંભળાતા અવાજમાં જણાઈ આવે છે. આ વિડિયો એટલો બધો વાઇરલ થયો છે કે જૂનાગઢ જ નહીં, ગુજરાતની પોલીસ સહિત દેશના લાખો લોકો અત્યાર સુધીમાં એ જોઈ ચૂક્યા છે.
બે કલાક ઝાડ પકડીને રહ્યા
વિનોદભાઈ કેવી રીતે બચ્યા એ વિશે કૉન્સ્ટેબલ રૉબિન યાદવે કહ્યું હતું કે ‘વિડિયોમાં વિનોદભાઈ કાર સાથે પાણીમાં વહેતા દેખાય છે. બાદમાં તેઓ ૮૦ ફીટ સુધી પાણીમાં વહેતા રહ્યા હતા અને આગળના ભાગમાં એક ઝાડ તેમના હાથમાં આવી ગયું હતું એને પકડીને તેઓ પાણીમાં હતા. આસપાસના લોકોએ પોલીસને જાણ કરતાં જેસીબીની મદદથી તેમને બચાવવાના પ્રયાસ કરાયા હતા, પરંતુ એ સમયે પાણી ખૂબ વધારે હતું એટલે કોઈ સાધન કામ આવે એમ નહોતાં. લગભગ બે કલાક સુધી વિનોદભાઈએ ઝાડને પકડી રાખ્યું હતું. બાદમાં જૂનાગઢ પોલીસના મુખ્યાલયમાંથી અમારી ૧૦ કૉન્સ્ટેબલની ટીમે વહેતા પાણીમાં જઈને વિનોદભાઈને ઉગાર્યા હતા.’
લોકો મદદે આવ્યા
જૂનાગઢ પોલીસના ઝોન બેના ઇન્ચાર્જ નીરવ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારે વરસાદને લીધે અનેક લોકો પાણીમાં વહેવા લાગ્યા હતા. લોકોને બચાવવા માટે સ્થાનિક પ્રશાસન, પોલીસ, સેવાભાવી સંસ્થાની સાથે લોકો પણ મદદે આવ્યા હતા. વિનોદભાઈ પાણીમાં વહીને એક ઝાડને પકડીને પાણીની ઉપર દેખાયા ત્યારે આસપાસના અસંખ્ય લોકોએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને તેમને બચાવવા માટેની વિનંતી કરી હતી. હેડ ઑફિસમાંથી ૧૦ કૉન્સ્ટેબલની ટીમે ભારે જહેમત કરીને જીવના જોખમે વિનોદભાઈને બચાવ્યા હતા. સદ્નસીબે તેમને કોઈ ગંભીર તકલીફ નથી થઈ.’
બીજી દીવાલ પણ તૂટી
રેસ્ક્યુ કરવામાં આવેલા ૫૭ વર્ષના વિનોદ ટેકચંદાણીના પુત્ર ધવલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાળવા નદીના પુલની સામે જ અમારી પાનની દુકાન છે. પપ્પા નજીકમાં જ આવેલા અમારા ઘરે જમવા માટે નીકળ્યા હતા. તેઓ રસ્તામાં હતા ત્યારે પુલની દીવાલ તૂટી પડતાં પાણીનું વહેણ વધી ગયું હતું. આથી તેઓ એક કારને પકડીને પાણીમાં તણાતા બચવા માટે સાઇકલ સાથે ઊભા રહી ગયા હતા. જોકે થોડી વાર પછી બિલ્ડિંગની દીવાલ પણ પાણીના ફોર્સથી તૂટી પડતાં પાણીની સપાટી વધી ગઈ હતી. આથી પપ્પા કારના બૉનેટ પર ચડી ગયા હતા. પાણી સતત વધતા લાગતાં કાર પણ તણાવા લાગી હતી. ત્યારે પપ્પા બૉનેટ પરથી પાણીમાં ફંગોળાઈ ગયા હતા. તેઓ કારની સાથે વહેવા લાગ્યા હતા. પોલીસે તેમને બચાવી લીધા હતા. તેમના પગ અને હાથમાં થોડી ઈજા થઈ છે. ભગવાનનો પાડ માનીએ છીએ કે બે કલાક સુધી પાણીમાં રહ્યા બાદ પણ પપ્પાને કંઈ ન થયું.’

