ગોરખનાથજીની પ્રતિમાને રવિવારે વહેલી પરોઢે તોડફોડ કરીને ફેંકી દેવાઈ હતી : સાધુસંતો અને ધાર્મિકજનોમાં રોષ
ગોરખનાથજીની મૂર્તિની સ્થાપના-પ્રતિષ્ઠા પ્રસંગે સંતો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, મંદિરમાં ગોરખનાથજીની મૂર્તિની સ્થાપના-પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
ગોરખનાથજીની પ્રતિમાને રવિવારે વહેલી પરોઢે તોડફોડ કરીને ફેંકી દેવાઈ હતી : સાધુસંતો અને ધાર્મિકજનોમાં રોષ
સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ જૂનાગઢના ગિરનાર પર્વત પર ગોરખનાથજીના શિખર પર આવેલા મંદિરમાં ગોરખનાથજીની પ્રતિમાને રવિવારે મોડી રાતે કોઈકે તોડફોડ કરીને નીચે ફેંકી દેવાની અત્યંત નિર્લજ્જ ઘટના બની હતી. ત્યાર બાદ ગઈ કાલે મંદિરમાં વિધિવિધાન અને મંત્રોચ્ચાર સાથે ગોરખનાથજીની પ્રતિમાની સ્થાપના-પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. બીજી તરફ પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા લોકોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
ADVERTISEMENT
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા તેમ જ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સુબોધ ઓડેદરા સહિતના અધિકારીઓ ગિરનાર પર આવેલા મંદિરે ગઈ કાલે સવારે પહોંચ્યા હતા. મંદિરના મહંત યોગી સોમનાથ મહારાજ, પુજારી કૈલાસબાપુ ઉપરાંત સાધુસંતો, ઉતારા મંડળના ભાવેશ વેકરિયા, ડોળી અસોસિએશનના પ્રમુખ રમેશ બાવળિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં મંદિરમાં ફરી ગોરખનાથજીની નવી મૂર્તિની મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરાઈ હતી અને આરતી ઉતારવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગિરનાર પર્વત પર ગોરખનાથજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે અને ધાર્મિકજનો ગિરનાર પર્વત ચડીને એનાં દર્શન કરવા જતા હોય છે. આ મંદિરમાં રહેલી ગોરખનાથજીની પ્રતિમાને કોઈકે તોડફોડ કરીને નીચે ફેંકી દેતાં સાધુસંતો અને ધાર્મિકજનોની લાગણી દુભાઈ હતી અને આ ઘટનાથી ભારે રોષ ફેલાયો હતો. આવું જઘન્ય કૃત્ય કરનારને પકડીને આકરી સજા કરવા માટે માગણી ઊઠી છે.


