મહિલાઓ માટે ગુજરાત સરકારે આ યોજના જાહેર કરીને ૧૦૦ કરોડની જોગવાઈ કરીઃ અમદાવાદ, સુરત સહિત પાંચ શહેરોમાં વર્કિંગ વુમન હૉસ્ટેલ બનાવવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત સરકારે ગઈ કાલે ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા બજેટમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નવી સખી સાહસ યોજના જાહેર કરી છે.
ગુજરાત સરકારે જાહેર કરેલી આ નવી સખી સાહસ યોજનામાં મહિલાઓને સાધન સહાય, લોન-ગૅરન્ટી તથા તાલીમ આપવા માટે ૧૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી એટલું જ નહીં, ઘણી બહેન-દીકરીઓને નોકરી માટે ઘરથી દૂર રહેવું પડતું હોવાથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હૉસ્ટેલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને એને માટે ૬૯ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહિલાઓને પગભર કરવા માટે નમો ડ્રોન દીદી યોજનાને પ્રોત્સાહન આપવા માટે ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત લખપતિ દીદી યોજનાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કૌશલ્યોમાં તાલીમ આપવા તેમ જ સ્વરોજગાર શરૂ કરવા માટે વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે.


