સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં રહે એવા મંત્ર સાથે જળસંચય કાર્યો કરવાની કરી અપીલ
ભૂપેન્દ્ર પટેલ, સી. આર. પાટીલ, શંકર ચૌધરી, બલવંતસિંહ રાજપૂત અને હર્ષ સંઘવી રીચાર્જ કૂવા નિર્માણના આરંભમાં સહભાગી થયા હતા
ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલા જળશક્તિ અભિયાન ‘કૅચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાંથી કૂવા રીચાર્જ અભિયાનના ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવીને સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં રહે એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મંત્ર સાથે જળસંચય કાર્યો કરવાની અપીલ કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામથી અભિયાનનો આરંભ કરાવીને ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘સમગ્ર દેશમાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય એવા ઉમદા હેતુથી નરેન્દ્ર મોદીએ ૨૦૧૯માં રાષ્ટ્રવ્યાપી જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. બનાસકાંઠાના જળના તળ ઊંચા લાવવા રાજ્ય સરકારે લગભગ ૫૦,૦૦૦ રીચાર્જ કૂવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે એમાં બનાસ ડેરીના સહયોગથી ૨૫,૦૦૦ રીચાર્જ કૂવા બનાવવાના છે.’


