ગુજરાત BJPના પ્રદેશપ્રમુખની ચૂંટણી માટે એક જ ફૉર્મ ભરાયું હોવાથી જગદીશ વિશ્વકર્મા ચૂંટાયા બિનહરીફ
ગુજરાત સરકારના પ્રધાન જગદીશ વિશ્વકર્મા
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નવા પ્રદેશ-સુકાની તરીકે ગુજરાત સરકારના પ્રધાન જગદીશ વિશ્વકર્મા આજે પદગ્રહણ કરશે. ગુજરાત BJPના પ્રદેશપ્રમુખની ચૂંટણી માટે એક જ ફૉર્મ ભરાયું હતું અને આ ફૉર્મ જગદીશ વિશ્વકર્માએ ભરતાં તેઓ બિનહરીફ જાહેર થયા છે. યોગાનુયોગ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના છે અને નવા પ્રદેશપ્રમુખ તરીકે પણ અમદાવાદના જગદીશ વિશ્વકર્મા આજે પદ સંભાળશે.
ગુજરાત BJPના પ્રદેશપ્રમુખની ચૂંટણી માટે ગઈ કાલે ચૂંટણી-પ્રક્રિયા યોજાઈ હતી. એમાં જગદીશ વિશ્વકર્માએ પોતાનું ઉમેદવારી ફૉર્મ ભર્યું હતું. જોકે નિયત સમયમર્યાદામાં BJPના અન્ય કોઈ કાર્યકરે ફૉર્મ ભર્યું નહોતું એટલે જગદીશ વિશ્વકર્મા બિનહરીફ જાહેર થયા હતા. આજે સવારે ૧૦ વાગ્યે કોબા ખાતે આવેલા ગુજરાત BJPના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે નવા પ્રદેશપ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાશે. આ સમારોહમાં સંસદસભ્ય અને કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ ડૉ. કે. લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી અને કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય પ્રધાન અને ગુજરાત BJPના પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમ જ BJPના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે. આજે સવારે અમદાવાદમાં જગદીશ વિશ્વકર્માના નિવાસસ્થાનથી રૅલી નીકળશે અને આ રૅલી કોબાસ્થિત BJPના કમલમ કાર્યાલય પહોંચશે.
ADVERTISEMENT
કોણ છે જગદીશ વિશ્વકર્મા?
જગદીશ વિશ્વકર્મા ૨૦૧૨માં પહેલી વાર BJPના ઉમેદવાર તરીકે નિકોલ બેઠક પરથી વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા. એ પછી ૨૦૧૭ અને ૨૦૨૨માં પણ વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્રીજી વખત વિધાનસભ્ય બનતાં ગુજરાત સરકારમાં કૅબિનેટ પ્રધાન બન્યા હતા. તેઓ સહકાર, લઘુ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, મીઠાઉદ્યોગ વિભાગના પ્રધાન છે.
જગદીશ વિશ્વકર્માએ કાર્યકર તરીકે BJPમાં પ્રવેશ કર્યા બાદ ૧૯૯૮માં અમદાવાદમાં ઠક્કરબાપાનગરમાં બૂથ-પ્રભારી તરીકે રાજકીય કારર્કિર્દી શરૂ કરી હતી અને સરકારમાં પ્રધાન સુધી પહોંચીને વિવિધ સ્તરે ભૂમિકા નિભાવી છે. ૧૯૮૨ પછી ગુજરાત BJPના ૧૧ પ્રદેશપ્રમુખો બાદ તેઓ આજે બારમા પ્રમુખ બનશે.


