પ્રજા ફાઉન્ડેશને સુધરાઈઓની ચૂંટણી આવી રહી છે ત્યારે જનતાની માગણીઓ સત્તાધીશો સામે મૂકી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ સહિત રાજ્યની અન્ય મહત્ત્વની સુધરાઈઓની ચૂંટણીઓ હવે ટૂંક સમયમાં થવાની છે ત્યારે નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO) પ્રજા ફાઉન્ડેશને લોકોની શું અપેક્ષાઓ છે, શું માગણી છે એ દર્શાવતો મૅનિફેસ્ટો બહાર પાડ્યો છે.
ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર મિલિંદ મ્હસ્કેએ કહ્યું હતું કે ‘ભલે મુંબઈનો વિકાસ કરવા માટે ઘણા મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ચાલી રહ્યા હોય, એની સાથે-સાથે લોકોને મળતી પ્રાથમિક સુવિધાઓને નજરઅંદાજ ન કરી શકાય. એ સુવિધાઓ વધારવા માટે પણ ધ્યાન આપવું જોઈએ. વળી એમાં લોકોના સાથ-સહકાર અને સલાહ-સૂચનનો સમાવેશ કરવો જોઈએ તથા સુધરાઈના કામમાં વધુ પારદર્શિતા લાવવી જોઈએ.’
ADVERTISEMENT
મૅનિફેસ્ટોમાં નાગરિકોની શું અપેક્ષાઓ છે એ જણાવતાં મિલિંદ મ્હસ્કેએ કહ્યું હતું કે ‘હવે આવનારાં પાંચ વર્ષમાં લોકોને પીવાનું પાણી એકસરખી રીતે ડિસ્ટ્રિબ્યુટ થવું જોઈએ. સાથે જ મહિલાઓ અને પુરુષોને સ્વચ્છ પબ્લિક ટૉઇલેટની સુવિધા મળવી જોઈએ. દરેક વૉર્ડમાં જુદો કરેલો ભીનો અને સૂકો કચરો ઊપડી જવો જોઈએ. ખાડામુક્ત રોડ અને એ પણ ક્વૉલિટી ટ્રાન્સપરન્સી સાથે મળવા જોઈએ. સારી રીતે કોઈ પણ અંતરાય વગર ચાલી શકાય એવી વ્યવસ્થિત ફુટપાથ હોવી જોઈએ. વળી મૉન્સૂન પહેલાં આગોતરી જાણકારી અને આગાહી આપતી માહિતી પ્રસિદ્ધ કરવી અને એમાં મૅપ પણ દર્શાવવો જેથી લોકોને એ બાબતની યોગ્ય રીતે જાણ થઈ શકે.’
મહત્ત્વના મુદ્દાઓ પર પ્રજા ફાઉન્ડેશનનું લક્ષ્ય
૨૦૨૧થી ૨૦૨૪ સુધીમાં ખરાબ અને ખાડા પડેલા રોડની કુલ ૩૮,૯૮૫ ફરિયાદો મળી હતી. એથી આવતાં પાંચ વર્ષમાં ઓછામાં ઓછા ૫૦ ટકાનો ઘટાડો કરીને રોડ-ઍક્સિડન્ટ અને એમાં થતી જાનહાનિ ઓછી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પાણીની ઓછી સપ્લાય થઈ હોવાની ૧૪,૫૨૨ ફરિયાદો મળી હતી, જેમાંથી ૪૫ ટકા તો ફક્ત ૨૦૨૪માં મળી હતી. હાલ સ્લમ વિસ્તારમાં ૪૫ લીટર પર કૅપિટા પર ડે પાણી સપ્લાય કરવામાં આવે છે, જ્યારે રેસિડેન્શિયલ બિલ્ડિંગોમાં ૧૩૫ લીટર પર કૅપિટા પર ડે પાણી સપ્લાય કરવામાં આવે છે. આવનારાં પાંચ વર્ષમાં દરેકને ૧૩૫ લીટર પાણી અને એ પણ ૨૪ કલાક મળે એવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.


