ઘર મંદિર કહેવાય અને મંદિરમાં શુભત્વ હોવું જોઈએ. એવી કઈ ચીજવસ્તુ રાખવાથી ઘરમાં શુભત્વ વધે એ જાણવા જેવું છે
પ્રતિકાત્મક તસવીર
આમ તો બહુ સામાન્ય કહેવાય અને એ પછી પણ ખૂબ સરસ લાભદાયી પરિણામ આપવાનું અને સાથોસાથ વાતાવરણમાં શુભત્વ ઉમેરવાનું કામ કરે એવી કેટલીક ચીજવસ્તુઓનો ઉલ્લેખ શાસ્ત્રોમાં થયો છે. એ ચીજવસ્તુઓ આજે પણ ઉપલબ્ધ છે અને સરળતાથી મળે છે ત્યારે અહીં આપણે એ ચીજવસ્તુની વાત કરવી છે જે ઘરમાં રાખવાથી એ ઘરમાં રહેતી વ્યક્તિઓ અને ઘર સકારાત્મક બને.
શંખ અવશ્ય રાખો
ADVERTISEMENT
શંખને શાસ્ત્રોમાં લક્ષ્મી પ્રવેશનું પ્રતીક કહેવામાં આવ્યો છે. ખાસ કરીને દક્ષિણવર્તી શંખ લક્ષ્મીને આકર્ષવાનું કામ કરે છે. ઘરમાં શંખ રાખવો જોઈએ. શંખ નકારાત્મકતા પણ દૂર કરે છે અને ઘરમાં પૉઝિટિવ સાઉન્ડ વાઇબ્રેશન પણ જગાડે છે. જો શંખ વગાડતાં આવડતું હોય તો અતિ ઉત્તમ. જેમને શંખ વગાડતાં આવડતો હોય તેમણે નિયમિત રીતે દીવાબત્તી કરી લીધા પછી એક વખત શંખનાદ કરવો જ જોઈએ અને જેમને નથી આવડતું તેમણે શંખ વગાડવાનો પ્રયાસ કરવો જોઈએ. પ્રયાસ પણ પ્રભુ સુધી પહોંચતો હોય છે અને સકારાત્મક પરિણામ લાવવામાં નિમિત્ત બનતો હોય છે.
કમળનું ફૂલ કે મૂર્તિ
લક્ષ્મીજીનું આસન કમળ છે અને લક્ષ્મીજીને કમળ અત્યંત પ્રિય પણ છે. ઘરમાં કમળ અચૂક રાખવું જોઈએ. હવે તો વાસ્તુની ચીજવસ્તુઓ વેચનારાઓને ત્યાં અલગ-અલગ ક્રિસ્ટલનાં કમળ પણ મળતાં હોય છે તો તાંબામાંથી તૈયાર કરેલા કમળની મૂર્તિ પણ મળે છે. ઘરમાં એ પણ રાખી શકાય પણ જો રોજ તાજું કમળ ઘરમાં રાખવામાં આવે તો એની અલગ જ ઊર્જા ઘર અને ઘરમાં રહેનારા લોકોને મળે છે.
કમળ કે એની મૂર્તિને મંદિરમાં રાખી શકાય અને હૉલમાં પણ રાખી શકાય. પર્સ અથવા તો કૅશ-ડ્રૉઅરમાં નાનું કમળ રાખવું પણ અત્યંત શુભ છે.
પંચમુખી રુદ્રાક્ષ રાખો
પંચમુખી રુદ્રાક્ષ મન અને હૃદયને શાંત રાખે છે, જેને કારણે એ પહેરવામાં પણ આવે છે પણ આ જ પંચમુખી રુદ્રાક્ષ ઘરની એનર્જીને બૅલૅન્સ કરવાનું કામ પણ કરે છે એટલે ઘરમાં પંચમુખી રુદ્રાક્ષ રાખવો જોઈએ. રુદ્રાક્ષ મંદિરમાં પણ રાખી શકાય અને સ્ટડી રૂમમાં પણ રાખી શકાય. જો નિયમિત રીતે એ રુદ્રાક્ષની સ્વચ્છતા જાળવી શકાતી હોય તો એન્ટ્રન્સ પાસે પણ એ રાખવો શુભ છે.
રુદ્રાક્ષને નિયમિત રીતે સાફ પણ કરવો જોઈએ, અન્યથા રુદ્રાક્ષ તૂટી જતા હોય છે. રુદ્રાક્ષને સાફ કરવાની ટિપ ગૂગલ કે યુટ્યુબ પર બહુ સરળતાથી જાણવા મળી જશે. પહેરાયેલો રુદ્રાક્ષ પણ નિયમિત રીતે સાફ કરતાં રહેવો જોઈએ.
રાખો સૉલ્ટ બાઉલ
કાચના એક બાઉલમાં દરિયાઈ મીઠું રાખીને એ બાઉલ અચૂક રાખો. દરિયાઈ મીઠું નકારાત્મક એનર્જીને શોષવાનું કામ કરે છે. સામાન્ય રીતે દરેક ઘરમાં એ પ્રકારની એનર્જી ઉત્પન્ન થતી રહેતી હોય છે અને પછી ઘરમાં જ સંઘરાયા કરે અને ધીમે-ધીમે ઘરનું વાતાવરણ નેગેટિવ બને. મીઠું ભરેલા કાચના બાઉલને હૉલ અને બેડરૂમના એક કૉર્નર પર એવી રીતે રાખવું જેથી લોકોની નજર એના પર પડે. ધારો કે એવી કોઈ જગ્યા ન હોય તો અફસોસ કર્યા વિના યોગ્ય લાગતી જગ્યા પર પણ જાહેરમાં એ બાઉલ મૂકવો.
બાઉલમાં ભરેલું દરિયાઈ મીઠું દર સાતથી પંદર દિવસે ચેન્જ કરવું. બાઉલમાં રહેલું એ જૂનું મીઠું કમોડમાં ફ્લશ કરી દેવું.
ઘરમાં ખુશ્બૂ અચૂક રાખો
ખુશ્બૂ ઘરની એનર્જીને સાફ કરે છે. તમે ઘણાં ઘરોમાં પગ મૂકશો ત્યાં જ તમને એ ઘરમાં વિચિત્ર પ્રકારની વાસ આવવાની શરૂ થઈ જશે, એ જે વાસ છે એ વાસ નકારાત્મકતાની વાસ છે. લૅવન્ડર કે કપૂરની ખુશ્બૂ સૌથી સારું કામ આપે છે તો સાથોસાથ ગૂગલ અને ધૂપની ખુશ્બૂ પણ ઉમદા કામ આપે છે. પસંદગી તમારી પણ ઘરમાં નિયમિત ખુશ્બૂ આવે એ પ્રકારની ગોઠવણ અચૂક કરવી જોઈએ. જો સગવડ હોય તો સવાર-બપોર-સાંજ એમ ત્રણેય સમયે અલગ-અલગ ખુશ્બૂ વાપરી શકાય.
સવારે ધૂપની ખુશ્બૂ ઘરમાં હોય, બપોરના સમયે કપૂરની સુગંધ ઘરમાંથી પ્રસરે અને રાતના સમયે લૅવન્ડરની ખુશ્બૂ ઘરમાં આવતી હોય તો એ અત્યંત શુભદાયી બને. લૅવન્ડર ખુશ્બૂ માટે જો ફૂલનો જ ઉપયોગ કરવામાં આવે તો શ્રેષ્ઠ છે, નહીં તો સારી ગુણવતાવાળું લૅવન્ડર ઑઇલ પણ વાપરી શકાય.


