સુધા મૂર્તિએ બાળકોનો ઉપયોગ કરીને ફૉલોઅર્સ વધારવાના પેરન્ટ્સના વલણ પર ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે...
સુધા મૂર્તિ
રાજ્યસભાનાં નૉમિનેટેડ સંસદસભ્ય સુધા મૂર્તિએ શુક્રવારે સરકારને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર બાળકોના ચિત્રણ બદલ ચિંતા વ્યક્ત કરી હતી અને રાષ્ટ્રના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સોશ્યલ મીડિયા સામગ્રી તરીકે બાળકોનો ઉપયોગ કરીને નફો મેળવનારાઓ સામે નિયમો ઘડવાની તેમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી.
આ મુદ્દે સુધા મૂર્તિએ કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા હવે ખૂબ જ લોકપ્રિય બન્યું છે અને એના ઘણા ફાયદા છે, પરંતુ એનાં કેટલાંક નકારાત્મક પાસાં પણ છે. ઘણાં માતા-પિતા તેમનાં માસૂમ બાળકોને મીડિયા પ્લૅટફૉર્મ પર ચિત્રિત કરે છે. ૧૦,૦૦૦, પાંચ લાખ કે ૧૦ લાખ ફૉલોઅર્સ મેળવવા માટે બાળકોને વિવિધ વેશભૂષા અને પોશાકમાં રજૂ કરવામાં આવે છે. હું જાણું છું કે આનાથી પેરન્ટ્સને નાણાકીય લાભ થાય છે, પરંતુ એની બાળકના મનોવિજ્ઞાન પર લાંબા ગાળાની અસરો પડે છે. બાળક પરવાનગી આપતું નથી, કારણ કે બાળકને એની જાણ હોતી નથી. પેરન્ટ્સે પણ સમજવું જોઈએ કે બાળકનું બાળપણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવા માટેનું કન્ટેન્ટ નથી.’
ADVERTISEMENT
સુધા મૂર્તિએ ચેતવણી આપી હતી કે ‘જો આ મુદ્દા પર નિયમો અને નિયંત્રણો નહીં લાદવામાં આવે તો ભવિષ્યમાં આપણાં બાળકો માટે મોટી સમસ્યા ઊભી થશે. આવી પ્રવૃત્તિથી બાળકો તેમની નિર્દોષતા ગુમાવશે. એ તેમના મનોવિજ્ઞાનને અસર કરશે. તેઓ કોઈ પણ સામાજિક પ્રવૃત્તિ, રમતગમતમાં કેવી રીતે જોડાવું એ શીખી શકશે નહીં અથવા સારું શિક્ષણ મેળવી શકશે નહીં.’
જાહેરાતો અને ફિલ્મ-ઉદ્યોગમાં બાળકોના ચિત્રણને નિયંત્રિત કરવા બદલ કેન્દ્ર સરકારની પ્રશંસા કરીને સુધા મૂર્તિએ કહ્યું હતું કે તમે જાહેરાતો, બાળજાહેરાતો, ફિલ્મોમાં કામ કરતાં અથવા અભિનય કરતાં બાળકો માટે નિયમો બનાવ્યા છે, પણ સોશ્યલ મીડિયા બાબતે આવું કરવામાં આવ્યું નથી.


