લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી કુલ ચાર મહિલા ચૂંટાઈ આવીઃ જામનગર બેઠક પરથી BJPનાં પૂનમ માડમ સતત ત્રીજી વાર જીત્યાં
પૂનમ માડમ, શોભના બારૈયા, નિમુ બાંભણિયા, ગેની ઠાકોર
ગુજરાતમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી ચાર મહિલાઓ ચૂંટાઈ છે જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ત્રણ અને કૉન્ગ્રેસની એક મહિલા ઉમેદવાર જીતી છે.
જામનગર લોકસભા બેઠક પરથી BJPનાં ઉમેદવાર પૂનમ માડમે સતત ત્રીજી વાર જીત મેળવી છે. તેમણે આ ચૂંટણીમાં ૨,૩૮,૦૦૮ મતોના માર્જિનથી જીત મેળવી છે. તેઓ આ પહેલાં એક વખત વિધાનસભ્ય પણ રહી ચૂક્યાં છે. ભાવનગર બેઠક પરથી BJPનાં ઉમેદવાર નિમુ બાંભણિયા પહેલી વાર લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બન્યાં અને વિજયી થયાં છે. તેમણે ૪,૫૫,૨૮૯ મતોના માર્જિનથી જીત મેળવી છે. સાબરકાંઠા બેઠક પરથી BJPનાં ઉમેદવાર શોભના બારૈયા પહેલી વાર લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બન્યાં અને વિજય મેળવ્યો છે. સાબરકાંઠા બેઠક પર શોભનાની જીત એટલા માટે મહત્ત્વની છે કે આ બેઠક પર રાજપૂત સમાજના આંદોલનની અસરની સાથોસાથ ખુદ BJPના કાર્યકરોનો પણ વિરોધ હતો એની વચ્ચે પણ શોભનાબહેન ૧,૫૫,૬૮૨ મતોના માર્જિનથી જીત્યાં છે.
બીજી તરફ બનાસકાંઠા લોકસભાની બેઠક પરથી કૉન્ગ્રેસનાં ઉમેદવાર ગેની ઠાકોરનો વિજય થયો છે. ગેની ઠાકોર પહેલી વાર લોકસભાની ચૂંટણી લડ્યાં અને ૩૦,૪૦૬ મતોના માર્જિનથી જીત મેળવી છે. ગેનીબહેન હાલમાં કૉન્ગ્રેસનાં વિધાનસભ્ય છે.

