વ્યસ્ત એવા શાહીબાગ વિસ્તારમાં ટ્રાફિક બંધ કરવામાં આવતાં લોકોને અસુવિધા થઈ હતી. જોકે પોલીસ-અધિકારીઓએ ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં સફળતા મેળવી હતી.
અમદાવાદના શાહીબાગમાં થયો ટ્રાફિક જૅમ
અમદાવાદમાં ક્રૅશ થયેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટની ક્રૅશ સાઇટને સાફ કરવામાં આવી રહી છે અને દુર્ઘટનાગ્રસ્ત વિમાનની પૂંછડીનો ભાગ ગઈ કાલે એક ટ્રકમાં નાખીને લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે એ શાહીબાગ ડફનાલા નજીક ઍન્ટિ-કરપ્શન બ્યુરો (ACB) ઑફિસ પાસે ઝાડમાં ફસાઈ ગયો હતો.
પૂંછડીનો ભાગ ઝાડમાં ફસાઈ ગયો હોવાથી ટ્રક આગળ જઈ શકતી નહોતી અને એથી ભારે ટ્રાફિક જૅમ થયો હતો. પોલીસ-અધિકારીઓની ટીમે ઘટનાસ્થળે પહોંચીને શાહીબાગ ડફનાલાથી કૅમ્પ હનુમાન મંદિર સુધીનો રસ્તો બ્લૉક કરી દીધો હતો. પોલીસ વિભાગના કર્મચારીઓ અને કેટલાક સ્થાનિક નાગરિકોએ વધુ અવરોધ કે નુકસાન પહોંચાડ્યા વિના ઝાડની ડાળીઓ કાપીને પૂંછડીનો ભાગ અલગ કર્યો હતો. વ્યસ્ત એવા શાહીબાગ વિસ્તારમાં ટ્રાફિક બંધ કરવામાં આવતાં લોકોને અસુવિધા થઈ હતી. જોકે પોલીસ-અધિકારીઓએ ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં સફળતા મેળવી હતી.
ADVERTISEMENT
કાટમાળ ખાલી થયા પછી અને ટ્રક ફરી શરૂ થતાં રસ્તો જાહેર અવરજવર માટે ફરીથી ખોલવામાં આવ્યો. આ ઘટનામાં કોઈને ઈજા કે કોઈ મિલકતને નુકસાન થયું નથી.

