પ્લેનની દુર્ઘટના બાદ DNA સૅમ્પલ મૅચ કરવા યુનિવર્સિટીની સેન્ટર ઓફ એક્સલન્સ ઇન DNA ફૉરેન્સિક્સની ટીમ શરૂઆતના ૩૬થી ૪૦ કલાક ઊંઘી જ નહીં
નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનું બિલ્ડિંગ (ડાબે) અને યુનિવર્સિટીમાં આવેલી DNA પ્રોફાઇલિંગ લૅબોરેટરી.
મિડ-ડે પહોંચ્યું ગાંધીનગરમાં આવેલી નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીમાં જ્યાં થઈ DNA મૅચિંગની જટિલ પ્રક્રિયા : પ્લેનની દુર્ઘટના બાદ DNA સૅમ્પલ મૅચ કરવા યુનિવર્સિટીની સેન્ટર આૅફ એક્સલન્સ ઇન DNA ફૉરેન્સિક્સની ટીમ શરૂઆતના ૩૬થી ૪૦ કલાક ઊંઘી જ નહીં, રાઉન્ડ ધ ક્લૉક ૪૫ સભ્યોની ટીમે કરી છે કામગીરી : DNA પરીક્ષણ માટે દાંત અને છાતીના સ્ટર્નમ બોન બન્યાં મહત્ત્વનાં સૅમ્પલ
અમદાવાદમાં બનેલી પ્લેન-ક્રૅશની ગોઝારી દુર્ઘટનામાં કહેવાય છે કે પ્લેનમાં રહેલા અંદાજે એક લાખ લીટર કરતાં પણ વધુ પેટ્રોલના જથ્થા સાથે થયેલા પ્રચંડ ધડાકામાં આગ લાગતાં ઘટના સમયે અંદાજે ૧૦૦૦ ડિગ્રી ટેમ્પરેચર ક્રીએટ થયું હતું. આટલા ઊંચા તાપમાનમાં સળગી ગયેલા લોકોના બૉડીપાર્ટ્સના ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA)ના પરીક્ષણનું પડકારજનક કામ બખૂબી રીતે ગાંધીનગરની નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની ટીમે ઉપાડી લીધું અને રાઉન્ડ ધ ક્લૉક કામગીરી કરી. DNA પરીક્ષણ માટે ડેડ-બૉડીના દાંત અને છાતીની વચ્ચોવચ આવેલો સ્ટર્નમ બોન (Sternum Bone) જેને બ્રેસ્ટબોન પણ કહેવાય છે એ મહત્ત્વનાં સૅમ્પલ બની રહ્યાં છે ત્યારે DNA સૅમ્પલ મૅચ કરવા માટે યુનિવર્સિટીના સેન્ટર ઑફ એક્સલન્સ ઇન DNA ફૉરેન્સિક્સની ટીમ શરૂઆતના ૩૬થી ૪૦ કલાક ઊંઘી જ નહોતી. છેલ્લે સુધી રાઉન્ડ ધ ક્લૉક ૪૫ જેટલા સભ્યોની ટીમે DNA પરીક્ષણની કામગીરી કરી છે અને સ્વજનોને બને એટલી ઝડપથી DNAનો રિપોર્ટ મળે એ માટે સતત કાર્યરત રહી છે.
ADVERTISEMENT
લૅબોરેટરીમાં ડૉ. વિશાલ મેવાડા, ડૉ. મલય શુક્લ અને ડૉ. ભાર્ગવ પટેલ.
ગાંધીનગરમાં આવેલી નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીમાં DNA મૅચિંગની જટિલ પ્રક્રિયા જ્યાં થઈ છે ત્યાં ‘મિડ-ડે’ પહોંચ્યું હતું અને તજજ્ઞોને મળીને DNA પ્રોફાઇલ સહિતની કામગીરીની માહિતી મેળવી હતી.
માત્ર બેથી ૩ કલાક રેસ્ટ
નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના સેન્ટર ઑફ એક્સલન્સ ઇન DNA ફૉરેન્સિક્સના હેડ ડૉ. ભાર્ગવ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટના બની એની પંદરમી મિનિટમાં જ અમારી તૈયારી શરૂ થઈ ગઈ હતી. અમે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસના માર્ગદર્શનમાં તૈયારી કરી હતી અને ફૅકલ્ટી મેમ્બર્સ, રિસર્ચ સ્કૉલર્સ સહિતની ટીમે રાત-દિવસ જોયા વગર ખડેપગે કામ કર્યું છે. બીજા દિવસથી DNA પરીક્ષણ માટે ડેડ-બૉડીનાં સૅમ્પલ સતત મળવા લાગ્યાં હતાં. ત્યારથી લઈને અત્યાર સુધી ફૅકલ્ટી મેમ્બર્સ, રિસર્ચ સ્કૉલર્સ, સાઇબર ટીમ, કમ્પ્યુટર ટીમ સહિતના સભ્યોની ટીમે સૅમ્પલને ઝડપથી અને સચોટ રીતે પ્રોસેસ કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. અમે એક સૉફ્ટવેર વિકસાવ્યું જેના દ્વારા કામગીરી ઝડપથી થઈ શકી. DNA પરીક્ષણના શરૂઆતના તબક્કમાં અમારી ટીમના સભ્યો ૩૬થી ૪૦ કલાક સુધી સૂતા નહોતા. દરેક ટીમ-મેમ્બર માત્ર બેથી ૩ કલાકની ઊંઘ લઈને બાકીના સમયમાં ઝડપી પરીક્ષણ કરીને સૅમ્પલના રિપોર્ટ આપીએ એ માટે કાર્યરત રહ્યો.’
પરીક્ષણની કામગીરીમાં વ્યસ્ત રિસર્ચ સ્કૉલર વૈશાલી શર્મા, વૃંદા દવે અને કોપલ કપૂર.
અગત્યનાં સૅમ્પલ
અંદાજે ૧૦૦૦ ડિગ્રી ટેમ્પરેચરે બળી ગયેલા બૉડીપાર્ટ્સનું પરીક્ષણ કેવી રીતે થાય એ વિશે વાત કરતાં ડૉ. ભાર્ગવ પટેલે કહ્યું હતું કે ‘આવી ઘટના બને ત્યારે બૉડી બળી ગયેલી હાલતમાં આવે અને પોસ્ટમૉર્ટમમાંથી DNA પરીક્ષણ કરાવવા સૅમ્પલ આવે એના લીગલી ડૉક્યુમેન્ટ્સ થાય છે. સૅમ્પલને લૅબોરેટરીમાં ઓપન કરીને એની હાલત કેવી છે એના આધારે પરીક્ષણ થાય છે. મોટા ભાગની ડેડ-બૉડીમાં દાંતના અને છાતીમાંથી મળતા સ્ટર્નમ બોનનાં સૅમ્પલ અગત્યનાં ગણાય છે. દાંત કઠણ ટિશ્યુ છે અને એ ઊંચા તાપમાનમાં કે દબાણમાં પણ એમાં DNA સુરિક્ષત રહે છે. સ્ટર્નમ બોન છાતીમાંથી મળે છે. એમાંથી DNA મળવાની સંભાવના વધુ હોય છે એટલે દાંતના અને છાતીમાંથી મળતા સ્ટર્નમ બોનનાં સૅમ્પલ આ માટે પ્રિફર કરાય છે. આ સૅમ્પલ પૉલિમરેસ ચેઇન રીઍક્શન (PCR)માં જાય છે જ્યાં રિયલ ટાઇમ PCR મશીનથી DNA જાણી શકાય છે. એ પછી ૨૪ માર્કર મૅચ કરવાની પ્રક્રિયા થાય છે. મૃત્યુ પામેલી વ્યક્તિના અનનોન બૉડીપાર્ટ્સ મળ્યા હોય એમાંથી DNA પ્રોફાઇલ જનરેટ થાય છે અને સગાની પ્રોફાઇલમાંથી માર્કરના આધારે સૅમ્પલ મૅચ થશે કે કેમ એ જાણી શકાય છે. ૨૪ માર્કરનું સેપરેશન થાય અને ડિટેક્શન થાય છે. સૉફ્ટવેરમાં સચોટ પ્રક્રિયા થાય છે અને કોઈ પ્રકારની એરર નથી આવતી. સૉફ્ટવેરમાંથી રિઝલ્ટ આવ્યા બાદ અમારી ત્રણ ટીમ રિઝલ્ટનું વેરિફિકેશન કરે છે અને પછી પરીક્ષણનો રિપોર્ટ આપવામાં આવે છે એટલી ચોકસાઈ રાખવામાં આવે છે.’
ડૉક્યુમેન્ટ્સ ચેકિંગની કામગીરીમાં રોકાયેલા ડૉ. ભાર્ગવ પટેલ અને સ્ટાફ.
ચૅલેન્જ સમાન કેસ
આખી ફૅમિલીના સભ્યો મૃત્યુ પામ્યા હોય એવા કેસમાં DNA પરીક્ષણ ચૅલેન્જ સમાન થઈ જાય છે એની વાત કરતાં સેન્ટર ઑફ એક્સલ ઇન DNA ફૉરેન્સિક્સના કો-ઑર્ડિનેટર ડૉ. મલય શુક્લએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફ્લાઇટમાં કુલ મળીને ૨૪૨ લોકો હતા જેમાંથી ઘણા પરિવાર સાથે ટ્રાવેલ કરતા હતા. પ્લેન ક્રૅશ થયું ત્યારે ખબર ન પડે કે કોની ડેડ-બૉડી કઈ છે. બૉડી ક્લેમ કરવા પુરાવો જોઈએ અને એના માટે ચોક્કસ અને સચોટ પુરાવો DNA પ્રોફાઇલ છે. મૃત્યુ પામેલી વ્યક્તિના DNA સૅમ્પલ મૅચ કરવા માટે મમ્મી, પપ્પા, દીકરો, દીકરી, દાદા, દાદીનાં સૅમ્પલ લેવાય છે. જોકે એક જ પરિવારના સભ્યો ગુજરી ગયા હોય તો DNA મૅચિંગની પ્રક્રિયામાં લાંબો ટાઇમ જાય છે, કેમ કે ઍનૅલિસિસ કરીને રિપોર્ટ આપીએ એ ચોકસાઈવાળો અને સચોટ હોવો જોઈએ. એટલે ઘરના તમામ સભ્યોનાં મૃત્યુ થયાં હોય તો તેમના રિલેટિવનાં DNA સૅમ્પલ મલ્ટિપલ માર્કરથી મૅચ કરવાં પડે છે. એક જ પરિવારના પુરુષોના DNA એકસરખા હોય છે. તેમના વાય DNA પ્રોફાઇલના આધારે સૅમ્પલ મૅચ કરાય છે.’
યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર સી. ડી. જાડેજા. તસવીરો : શૈલેષ નાયક
૪૫થી વધુનો સ્ટાફ
ડૉ. મલય શુક્લએ કહ્યું હતું કે ‘આ કામગીરીમાં ૮ મહિલાઓએ રાત-દિવસ કામ કર્યું છે. ૧૮ સ્કૉલર રિસર્ચ, ૧૬ સાયન્ટિફિક સ્ટાફ અને ૧૧ ફૅકલ્ટી સાથે કુલ મળીને ૪૫થી વધુ સભ્યોની ટીમે પરીક્ષણનું કામ કર્યું છે. હાલમાં અમારી યુનિવર્સિટી પાસે આધુનિક ફૅસિલિટી છે. પહેલાં DNA પરીક્ષણ માટે ૧૫ દિવસથી મહિના જેટલો સમય લાગી જતો હતો. જોકે હવે ભારત સરકારના ગૃહમંત્રાલય અંતર્ગત આધુનિક સાધનો આવ્યાં છે અને એને કારણે ૭૨ કલાકમાં DNA ડેટા જનરેટ થઈ શક્યા છે.’
સ્વજનોને મદદરૂપ થઈ યુનિવર્સિટી
પ્લેન-ક્રૅશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને DNA પરીક્ષણના રિપોર્ટ આપવામાં નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી મદદરૂપ બની છે એમ ‘મિડ-ડે’ને જણાવીને યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર સી. ડી. જાડેજાએ કહ્યું હતું કે ‘વિમાની દુર્ઘટના બન્યા પછી અમને જાણ થતાં રાતથી જ અમારી તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. આવી પરિસ્થિતિમાં અમારી યુનિવર્સિટી મદદરૂપ થઈ શકી છે અને આ અમારી પાર્ટ ઑફ ડ્યુટી છે. અમે દેશ માટે કામ કરીએ છીએ. અમારી યુનિવર્સિટીના ફૅકલ્ટી મેમ્બર્સ, રિસર્ચ સ્કૉલર્સ સહિતની ટીમ રાત-દિવસ જોયા વગર ખડેપગે કાર્યરત છે.’
ત્રણ-ચાર કલાક માટે ઘરે જઈને પાછા આવી જતા હતા
ગાંધીનગરમાં આવેલી નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીમાં ચાલેલી DNA પરીક્ષણની કામગીરીમાં PhD રિસર્ચ સ્કૉલર્સ પણ જોડાયા હતા. પરીક્ષણની કામગીરીમાં જોડાયેલા સભ્યોએ સમય જોયા વગર મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને ઝડપથી રિપોર્ટ મળે અને એના આધારે ડેડ-બૉડી મળે એ માટે સતત કામગીરી બજાવી છે. આ રિસર્ચ સ્કૉલર્સમાં કેટલીક યુવતીઓ પણ છે જેમના માટે તેમની ફૅમિલી પ્રાઉડ ફીલ કરી રહી છે.
DNA પ્રોફાઇલિંગ લૅબોરેટરીમાં કામ કરતાં PhD રિસર્ચ સ્કૉલર વૃંદા દવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ત્રણ-ચાર કલાક ઘરે જઈને પાછા આવી જતા હતા. બે-ત્રણ કલાક રેસ્ટ લઈશું તો કોઈ ફૅમિલીને પરીક્ષણનો રિપોર્ટ મળવામાં વાર લાગશે એવા વિચારોથી અમે ઊંઘતા નહોતા. અમને લાગે છે કે આ ઘટનામાં જે કામગીરી કરી છે એમાં સોસાયટી માટે અમે કંઈક કન્ટ્રિબ્યુટ કરી શકીએ એ વાત મનમાં છે.’
ફૅમિલીને જાણકારી જલદી મળે એ માટે સતત કાર્યરત છીએ
PhD રિસર્ચ સ્કૉલર કોપલ કપૂરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાથી અમને પણ ખૂબ દુઃખ થયું છે. આવી ઘટના ન બનવી જોઈએ. આ ઘટનામાં જે લોકોનાં મૃત્યુ થયાં તેમના પરિવારજનોને જેમ બને એમ જલદીથી DNA પરીક્ષણની જાણકારી મળે એ માટે અમે સતત કાર્યરત હતા. અમે બધાએ સાથે મળીને સચોટ પરીક્ષણ થાય અને સાચી જાણકારી પરિવારજનોને આપી શકીએ એ માટે કાળજીપૂર્વક કામગીરી કરી છે.’
અમારી ફૅમિલી ખુશ છે કે અમે સમાજ માટે કામમાં આવ્યા
લૅબોરેટરીમાં કમ્પ્યુટર પર સતત એક પછી એક પ્રોફાઇલ સાથે કામ કરનારી PhD રિસર્ચ સ્કૉલર વૈશાલી શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જેમની ડેડ-બૉડીનાં સૅમ્પલ પરીક્ષણ માટે આવ્યાં એની કામગીરી માટે કદાચ ભગવાને અમને પસંદ કર્યા હશે. ડૉક્ટર તેમનું કામ કરે છે એમ આ અમારું કામ છે જે અમે ચોકસાઈથી કરી રહ્યા છીએ. અમે જે અભ્યાસ કર્યો એ આવી ગંભીર સ્થિતિમાં કામમાં આવ્યો છે. અમારી ફૅમિલી ખુશ છે કે અમે ફ્રન્ટમાં આવીને આ કામ કરી રહ્યા છીએ અને એ માટે ફૅમિલી પ્રાઉડ ફીલ કરી રહી છે કે સમાજ માટે અમે કામમાં આવ્યા છીએ.’

