પ્લેન-ક્રૅશની ભયાનકતાને ધ્યાનમાં રાખીને તેમના પાર્થિવ દેહને પુષ્પથી ઢાંકી રાખવામાં આવશે
વિજય રૂપાણી
ગુરુવારે બપોરે અમદાવાદમાં થયેલા ભયાનક પ્લેન-ક્રૅશમાં જીવ ગુમાવનારા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો પાર્થિવ દેહ ગઈ કાલે ૭૦ કલાક પછી ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) ટેસ્ટ દ્વારા ઓળખવામાં આવ્યો હતો. આ પાર્થિવ દેહ આજે સવારે ૧૧ વાગ્યે પરિવારને સોંપવામાં આવશે અને લીગલ ફૉર્માલિટી પૂરી કરવામાં આવશે. ત્યાર પછી વિજય રૂપાણીના પાર્થિવ દેહને ચાર્ટર્ડ ફ્લાઇટમાં રાજકોટ લાવવામાં આવશે અને બપોરે અઢી વાગ્યે રાજકોટના ગ્રીનલૅન્ડ ચોકડીએ પહોંચશે, જ્યાંથી બપોરે ચાર વાગ્યા સુધી શહેરના રાજમાર્ગ પર તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. એ પછી વિજયભાઈના પાર્થિવ દેહને રાજકોટના નિર્મલા કૉન્વેન્ટ રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીના ઘરે લાવવામાં આવશે, જ્યાં એક કલાક દર્શન માટે રાખવામાં આવશે.
પ્લેન-ક્રૅશની ભયાનકતાને જોતાં સ્વાભાવિકપણે વિજયભાઈના પાર્થિવ દેહને પુષ્પથી ઢાંકી રાખવામાં આવશે. પાંચ વાગ્યે દર્શન પૂર્ણ થયા પછી પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે રાજકોટના રામનાથ પરા સ્મશાનગૃહમાં લઈ જવામાં આવશે.
ADVERTISEMENT
વિજયભાઈના અંતિમ સંસ્કારના આ દિવસને ગુજરાતમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

અમદાવાદથી આવતી ચાર્ટર્ડ ફ્લાઇટમાં વિજયભાઈ સાથે તેમનો પરિવાર રહેશે. આ ઉપરાંત અન્ય ત્રણ ચાર્ટર્ડ ફ્લાઇટ પણ આવશે જેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન સહિત આખું પ્રધાનમંડળ આવશે અને એ વિજયભાઈની અંતિમ ક્રિયામાં સામેલ થશે.
અંતિમ ક્રિયા અને અંતિમ યાત્રા દરમ્યાન રાજકોટના એકવીસથી વધુ રોડ બંધ અને નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યા છે.
રહેશે ત્રણ પ્રાર્થનાસભા
ભૂતપૂર્વ વડા પ્રધાન વિજય રૂપાણીના દેહાંતની પહેલી પ્રાર્થનાસભા મંગળવારે રાજકોટના રેસકોર્સ મેદાનમાં રાખવામાં આવી છે તો બીજી પ્રાર્થનાસભા ગુરુવારે ગાંધીનગરના હેલિપૅડ ગ્રાઉન્ડમાં રાખવામાં આવી છે, જ્યારે ત્રીજી પ્રાર્થનાસભા શુક્રવારે ગાંધીનગરના કોબામાં ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે રાખવામાં આવી છે. આ પ્રાર્થનાસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને ગુજરાત બીજેપીના પ્રેસિડન્ટ સી. આર. પાટીલ હાજર રહે એવી સંભાવના છે.


