સુરતની મુક્તિ વાંસદિયા માટે આ હોનારતે તેનાં મમ્મી-પપ્પા દિવ્યાબહેન (૬૦ વર્ષ) અને અર્જુનસિંહ (૬૫ વર્ષ)ની સાથે તેના જીવનની ખુશીઓ પણ છીનવી લીધી છે.
મમ્મી-પપ્પા સાથે મુક્તિ વાંસદિયા
અમદાવાદના ગોઝારા વિમાન-અકસ્માતને આજે એક વર્ષ પૂરું થયું, પરંતુ એનો ભોગ બનેલા લોકોના પરિવારોના મનમાંથી એનો આઘાત અને ખોફ હજી ઓછા થયા નથી. સુરતની મુક્તિ વાંસદિયા માટે આ હોનારતે તેનાં મમ્મી-પપ્પા દિવ્યાબહેન (૬૦ વર્ષ) અને અર્જુનસિંહ (૬૫ વર્ષ)ની સાથે તેના જીવનની ખુશીઓ પણ છીનવી લીધી છે.
મુક્તિનાં મમ્મી-પપ્પા લંડનમાં રહેતી મોટી દીકરીને મળવા માટે તેમની જિંદગીના પ્રથમ ઇન્ટરનૅશનલ અને હવાઈ-પ્રવાસે જઈ રહ્યાં હતાં. ગુજરાતી સહપ્રવાસીઓ સાથે રહે એ હેતુથી તેમણે છેલ્લી ઘડીએ કનેક્ટિંગ ફ્લાઇટ બદલીને અમદાવાદથી જવાનું નક્કી કર્યું હતું. ઍરપોર્ટ પર વિદાય વેળાની અંતિમ ક્ષણો મુક્તિના હૃદયમાં આજીવનનું સંભારણું બની ગઈ છે. મુક્તિ કહે છે, ‘હું મમ્મીને પગે લાગી પણ પપ્પાને પગે લાગવાનું ભૂલી ગઈ. હું દોડીને પાછી ગઈ, પપ્પાના ચરણસ્પર્શ કર્યા અને તેમણે મારી પીઠ થાબડી. એવું લાગ્યું જાણે તેઓ મને કોઈ મોટા યુદ્ધ માટે તૈયાર કરી રહ્યાં હોય.’
ADVERTISEMENT
એના થોડા જ કલાકો બાદ આવેલા એક ફોનકૉલે તેનું આખું જીવન બદલી નાખ્યું હતું.
મમ્મી-પપ્પાને ગુમાવ્યા બાદ અપરિણીત મુક્તિ ભયાનક ડિપ્રેશનનો ભોગ બની હતી. તેણે ટ્રાવેલ-એજન્સીની પોતાની નોકરી છોડી દીધી અને મહિનાઓ સુધી કાઉન્સેલિંગ લેવું પડ્યું હતું. હાલમાં તે તાતા ગ્રુપની કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR) પહેલ હેઠળ સોશ્યલ વર્કર તરીકે કામ કરે છે, પરંતુ પ્લેન-અકસ્માતનો ડર તેના મનમાં ઊંડો બેસી ગયો છે. તે કહે છે, ‘હવે પ્લેનનું નામ સાંભળતાં જ મારી છાતીમાં દુખાવો ઊપડે છે અને ગભરામણ થાય છે. મેં સોશ્યલ મીડિયા પર પણ આ અકસ્માતનો વિડિયો જોયો નથી અને ભવિષ્યમાં ક્યારેય ફ્લાઇટમાં ન બેસવાનો અડગ નિર્ણય કર્યો છે.’
