Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > લિવર અંદર ને અંદર બગડતું રહેશે અને ખબર પણ નહીં પડે

લિવર અંદર ને અંદર બગડતું રહેશે અને ખબર પણ નહીં પડે

Published : 28 July, 2026 05:32 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

લિવર શરીરને ડીટૉક્સ કરતું સૌથી મહત્ત્વનું અંગ છે, પરંતુ હેપેટાઇટિસ અને અન્ય લિવરની બીમારીઓ શરૂઆતમાં કોઈ ખાસ લક્ષણો આપતી નથી. વર્લ્ડ હેપેટાઇટિસ ડે નિમિત્તે જાણો સમયસર સ્ક્રીનિંગ, તપાસ અને જાગૃતિ દ્વારા ગંભીર લિવર ડેમેજથી કેવી રીતે બચી શકાય.

લિવર અંદર ને અંદર બગડતું રહેશે અને  ખબર પણ નહીં પડે

લિવર અંદર ને અંદર બગડતું રહેશે અને ખબર પણ નહીં પડે


આખા શરીરને ડીટૉક્સ કરવાનું કામ કરતું આપણું લિવર અનેક તકલીફોમાં પણ પોતાની મેળે સાજું થવાનો સતત પ્રયત્ન કર્યા કરે છે. લિવરમાં વાઇરલ ઇન્ફેક્શન થયા પછી પણ એ નથી બૂમો પાડતું કે નથી તરત લક્ષણો દેખાતાં. જ્યારે લક્ષણો દેખાય ત્યારે મોડું થઈ ગયું હોય છે. આજે વર્લ્ડ હેપેટાઇટિસ ડે છે ત્યારે જાણીએ અંદરથી સાઇલન્ટ કિલર તરીકે લિવરને કોરી ખાતી સમસ્યાઓનું સ્ક્રીનિંગ જરૂરી કેમ છે?

જો તમને શરીરમાં કોઈ જ દુખાવો ન થતો હોય અને તમે બહારથી એકદમ ફિટ દેખાતા હો એમ છતાં તમારા જ શરીરનો એક ભાગ અંદરથી ધીમે-ધીમે થાકી રહ્યો હોય અને ડૅમેજ થઈ રહ્યો હોય એવું શક્ય છે? સાંભળવામાં આ વાત કદાચ ડરામણી લાગે, પણ મેડિકલ સાયન્સની દુનિયામાં આ કડવું સત્ય છે. આપણા શરીરમાં એવો સાઇલન્ટ કિલર વાઇરસ હોઈ શકે છે જે બે દાયકા સુધી કોઈ જ લક્ષણ કે દુખાવા વગર લિવરને નુકસાન પહોંચાડતો રહે છે. આ સાઇલન્ટ કિલર એટલે હેપેટાઇટિસ B અને Cના વાઇરસ. દર વર્ષે ૨૮ જુલાઈએ દુનિયાભરમાં આ વાઇરસ પ્રત્યે લોકોમાં જાગરૂકતા ફેલાય એ માટે વર્લ્ડ હેપેટાઇટિસ ડે ઊજવવામાં આવે છે. સામાન્ય રીતે લોકો એમ માનતા હોય છે કે લિવરની કોઈ બીમારી થાય એટલે આંખો પીળી પડી જવી, કમળો થવો કે પેટમાં સખત દુખાવો થવો જરૂરી છે. જોકે વાસ્તવિકતા એ છે કે હેપેટાઇટિસ B અને Cના વાઇરસનું ઇન્ફેક્શન સાઇલન્ટ હોય છે. એ લાંબા ગાળે જ્યારે લિવર ફેલ્યર કે કૅન્સર જેવી ગંભીર સ્થિતિ તરફ ધકેલે ત્યારે છેક ખબર પડે છે. આ સ્થિતિમાં રૂટીન હેલ્થ ચેક-અપ દરમ્યાન લિવર ફંક્શન ટેસ્ટ અને વાઇરલ માર્કર ટેસ્ટનું મહત્ત્વ શું છે એ નાણાવટી મૅક્સ સુપર-સ્પેશ્યલિટી હૉસ્પિટલના અનુભવી ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. ગૌરવ પાટીલ પાસેથી જાણીએ.



દુખાવાનો કોઈ સંકેત નથી મળતો


આપણા શરીરનું લિવર બહુ સહનશીલ અંગ છે. લિવરના અંદરના કોષોમાં દર્દનો અનુભવ કરાવતી ચેતા એટલે કે નર્વ એન્ડિંગ્સ હોતાં નથી એટલે જ્યારે હેપેટાઇટિસ B કે Cના વાઇરસ શરીરમાં પ્રવેશે છે ત્યારે એ લિવર પર આક્રમણ કરે તો પણ એની ખબર પડતી નથી. હેપેટાઇટિસ B અને Cને સાઇલન્ટ કિલર કહેવાનું મુખ્ય કારણ એ છે કે આ વાઇરસ લિવરને નુકસાન પહોંચાડતો રહે છે છતાં લિવર પોતાનું દૈનિક કામકાજ અટકાવતું નથી. દરદીને કોઈ જ શારીરિક અસ્વસ્થતા કે પેટમાં દુખાવો થતો નથી. અમારે ત્યાં આવતા મોટા ભાગના દરદીઓને ત્યારે જ ખબર પડે છે જ્યારે રોગ ખૂબ વકરી ગયો હોય છે.

ફિટનેસ હેલ્ધી લિવરની ગૅરન્ટી નથી


અત્યારે તો ૩૦ વર્ષથી વધુ ઉંમરના લોકો પોતાને ફિટ અને તંદુરસ્ત અનુભવતા હોય છે અને એને કારણે રૂટીન ટેસ્ટ કરાવવાનું ટાળે છે, પણ લિવરની બીમારીનાં બહારથી દેખાતાં લક્ષણો જ્યારે ખબર પડે ત્યારે એ ૬૦થી ૭૦ ટકા જેટલું ડૅમેજ થઈ ચૂક્યું હોય છે. સામાન્ય બ્લડ-ટેસ્ટમાં લિવર ફંક્શન ટેસ્ટ એટલે કે LFT કરવાથી લિવરના એન્ઝાઇમ્સનું પ્રમાણ જાણી શકાય છે. એનું વધેલું પ્રમાણ લિવરમાં ક્ષતિનો સંકેત આપે છે. LFTની સાથે હેપેટાઇટિસ B અને Cના વાઇરલ માર્કર સ્ક્રીનિંગ જેવી સાદી બ્લડ-ટેસ્ટ દ્વારા લક્ષણો દેખાતાં પહેલાં જ લિવરની સ્થિતિ જાણી શકાય છે. આ તપાસ દ્વારા શરૂઆતના તબક્કામાં જ રોગ પકડાઈ જાય છે, જેથી લિવરને થતું કાયમી નુકસાન અટકાવી શકાય છે. આમ લિવરને કાયમી નુકસાન થાય એ પહેલાં જ સારવાર શરૂ કરવી શક્ય છે પણ એના માટે હેપેટાઇટિસ વાઇરસનું નિદાન વહેલું થવું જરૂરી છે. જો ડિટેક્શન વહેલું થાય તો તાત્કાલિક પરિવારના સભ્યો કે જીવનસાથીમાં આ વાઇરસ ફેલાતો અટકાવી શકાય છે અને લિવર સંબંધિત ગંભીર બીમારી જેમ કે લિવર સિરૉસિસ કે કૅન્સર જેવી ગંભીર સ્થિતિ સુધી વાત પહોંચતી નથી. જો તમારી ઉંમર ૩૦ વર્ષ કે એથી વધુ હોય તો દર વર્ષના રૂટીન હેલ્થ ચેક-અપમાં લિવર સંબંધિત ટેસ્ટનો સમાવેશ કરવો હિતાવહ રહેશે.
સામાન્ય રીતે આ ઇન્ફેક્શન ૧૫થી ૩૦ વર્ષના સમયગાળામાં ધીમે-ધીમે આગળ વધે છે; પરંતુ જો વ્યક્તિ દારૂનું સેવન કરતી હોય કે ફૅટી લિવર, ડાયાબિટીઝ, સ્થૂળતા કે લિવરની અન્ય તકલીફ ધરાવતી હોય તો નુકસાન ખૂબ ઝડપથી થાય છે. જો ક્રૉનિક હેપેટાઇટિસ B કે Cની સારવાર ન કરવામાં આવે તો એ આગળ જતાં લિવર સિરૉસિસ, લિવર ફેલ્યર અને લિવર કૅન્સર તરફ દોરી જાય છે. જો રોગનું નિદાન શરૂઆતમાં જ થઈ જાય તો સારવાર દ્વારા લિવરનું નુકસાન અટકાવી શકાય છે, સિરૉસિસ થવાની શક્યતા નહીંવત્ થઈ જાય છે. 
આજના સમયમાં હેપેટાઇટિસની સારવાર ખૂબ જ આશાસ્પદ બની ગઈ છે. હેપેટાઇટિસ C મૉડર્ન ઍન્ટિ-વાઇરલ ગોળીઓની મદદથી નાબૂદ કરવું શક્ય છે. આઠથી ૧૨ અઠવાડિયાંની સારવારથી ૯૫ ટકાથી વધુ દરદીઓમાં વાઇરસ સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય છે. આ ઉપરાંત હેપેટાઇટિસ B ભલે જડમૂળથી નાબૂદ ન થાય, પણ આધુનિક ઍન્ટિ-વાઇરલ દવાઓથી એને નિયંત્રણમાં રાખી શકાય છે. આ દવાઓ વાઇરસના ફેલાવાને રોકી શકે છે અને દરદીઓ સામાન્ય જીવન જીવી શકે છે.

સંક્રમણ કેવી રીતે ફેલાય?

હેપેટાઇટિસ વાઇરસનું સંક્રમણ એના મુખ્ય પ્રકારો A, B, C, D અને Eના આધારે બે માર્ગ દ્વારા ફેલાય છે. પ્રથમ માર્ગ દૂષિત ખોરાક અને પાણીનો છે જેના દ્વારા મુખ્યત્વે હેપેટાઇટિસ A અને E ફેલાય છે. અસ્વચ્છ કે ખુલ્લો ખોરાક ખાવાથી, દૂષિત પાણી પીવાથી તેમ જ શૌચાલયના ઉપયોગ બાદ હાથ બરાબર સાફ ન કરવા જેવી સામાન્ય અસ્વચ્છતાથી આ વાઇરસ શરીરમાં પ્રવેશ કરે છે. બીજી તરફ હેપેટાઇટિસ B, C અને D વધુ ગંભીર ગણાય છે જે ખોરાક કે પાણીથી નહીં પરંતુ લોહી અને શારીરિક પ્રવાહીના સીધા સંપર્કથી ફેલાય છે. મેડિકલ સારવાર દરમ્યાન એક જ વખત વાપરવાની સિરિન્જનો ફરી ઉપયોગ કરવાથી, સલૂનમાં એક જ બ્લેડથી દાઢી કરવાથી, અસ્વચ્છ સાધનોથી ટૅટૂ કે કાન-નાક વીંધાવવાથી, સ્ક્રીનિંગ વગરનું સંક્રમિત લોહી દરદીને ચડાવવાથી, અસુરક્ષિત શારીરિક સંબંધથી અને સંક્રમિત ગર્ભવતી માતા દ્વારા બાળકને ડિલિવરી સમયે આ વાઇરસ ફેલાઈ શકે છે. આ સિવાય દરદીના ટૂથબ્રશ, રેઝર કે નેઇલકટર જેવી વ્યક્તિગત વસ્તુઓ શૅર કરવાથી પણ લોહીના સંપર્ક દ્વારા ચેપ લાગવાનું જોખમ રહે છે.

ખોટા ભ્રમમાં ન રહો

સામાન્ય લોકોમાં આ રોગના ફેલાવા વિશે અનેક ભ્રમ જોવા મળે છે જેને દૂર કરવા જરૂરી છે. હેપેટાઇટિસ B અને C ધરાવતી વ્યક્તિ સાથે હાથ મિલાવવાથી, ભેટી પડવાથી, એકસાથે બેસીને જમવાથી કે વાસણો શૅર કરવાથી આ વાઇરસ ક્યારેય ફેલાતો નથી. દરદીના છીંકવાથી, ઉધરસ ખાવાથી કે મચ્છર તથા અન્ય જીવજંતુના કરડવાથી પણ આ ચેપ લાગતો નથી. આમ ખોટી અફવાઓથી ડરવાને બદલે સલૂન કે મેડિકલ સારવાર વખતે નવી સોય-બ્લેડનો જ આગ્રહ રાખવો, રસીકરણ કરાવવું અને યોગ્ય સાવચેતી રાખવી એ જ આ વાઇરસથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે.

વર્લ્ડ હેપેટાઇટિસ ડે કેમ ઊજવાય છે?

૨૮ જુલાઈએ વર્લ્ડ હેપેટાઇટિસ ડે ઊજવવા પાછળ એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક કારણ જોડાયેલું છે. ૨૦૧૦માં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO) દ્વારા આ દિવસને સત્તાવાર રીતે ગ્લોબલ લેવલ પર ઊજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ૨૮ જુલાઈની પસંદગી નોબેલ પુરસ્કારવિજેતા મહાન વૈજ્ઞાનિક ડૉ. બારુક બ્લમબર્ગની જન્મજયંતી હોવાથી કરવામાં આવી છે. ડૉ. બ્લમબર્ગે જ ૧૯૬૭માં હેપેટાઇટિસ B વાઇરસની શોધ કરી હતી અને ત્યાર બાદ એના નિદાન માટે પહેલાં ટેસ્ટ તેમ જ એને અટકાવવાની અસરકારક વૅક્સિન પણ વિકસાવી હતી. આથી તેમના જન્મદિવસને જ હેપેટાઇટિસ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

લાઇફસ્ટાઇલમાં આટલા ફેરફાર બચાવશે લિવરને

સૌથી પહેલાં તો તમારા ખોરાક અને પોષણ પર ધ્યાન આપવું જરૂરી છે. દરરોજના આહારમાં લીલાં શાકભાજી, તાજાં ફળો, આખું અનાજ, કઠોળ અને પૂરતા પ્રોટીનનો સમાવેશ કરવો જોઈએ અને બહારનું તળેલું, બહુ ગળ્યું, મેંદો અને પ્રોસેસ્ડ જન્ક-ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. આ સાથે શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા દિવસ દરમ્યાન અઢીથી ૩ લીટર પાણી પીવું જરૂરી છે. ખોરાકની સાથે શારીરિક પ્રવૃત્તિ પણ એટલી જ મહત્ત્વની છે. દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ ઝડપથી ચાલવું, યોગ કરવા કે હળવી કસરત કરવી જોઈએ અને આખો દિવસ એક જ જગ્યાએ બેસી રહેવાને બદલે સક્રિય રહેવું જોઈએ.
શારીરિક સ્વાસ્થ્યની સાથે પૂરતી ઊંઘ અને માનસિક શાંતિ પણ ખૂબ જરૂરી છે. દરરોજ રાત્રે સાતથી ૮ કલાકની ક્વૉલિટી સ્લીપ લેવી જોઈએ તથા સૂવા અને જાગવાનો સમય નિયમિત રાખવો જોઈએ. માનસિક તનાવ કે સ્ટ્રેસ ઓછું કરવા માટે પ્રાણાયામ, ધ્યાન અથવા મનપસંદ પ્રવૃત્તિઓમાં સમય વિતાવવો હિતાવહ છે. સૂતાં પહેલાં મોબાઇલ કે ટીવીની સ્ક્રીનથી દૂર રહેવું જોઈએ. ધૂમ્રપાન, તમાકુ અને આલ્કોહૉલ જેવી હાનિકારક આદતોથી સંપૂર્ણપણે દૂર રહેવું અને ચા-કૉફીનું પ્રમાણ મર્યાદિત રાખવું જોઈએ. આ બધી નાની-મોટી બાબતોને રોજિંદા જીવનમાં અપનાવવાથી સ્વાસ્થ્યમાં ઘણો સુધારો જોવા મળે છે.

Whatsapp-channel Whatsapp-channel

28 July, 2026 05:32 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK