Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > છેલ્લા શ્વાસ સુધીની દરેક ચૂંટણીમાં મતદાન કરવાનું પ્રણ લેનારા વડીલો

છેલ્લા શ્વાસ સુધીની દરેક ચૂંટણીમાં મતદાન કરવાનું પ્રણ લેનારા વડીલો

23 April, 2019 11:54 AM IST |
રુચિતા શાહ

છેલ્લા શ્વાસ સુધીની દરેક ચૂંટણીમાં મતદાન કરવાનું પ્રણ લેનારા વડીલો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પહેલાં કૅન્ડિડેટને જઈને પર્સનલી મળવાનું, પછી લાયકાત જોઈને વોટ આપવાનો

૮૭ વર્ષનાં મનોરમા દલાલનો વોટ આપવાનો ઉત્સાહ અચંબામાં પાડી દે એવો છે. જ્યારથી ચૂંટણી શરૂ થઈ છે ત્યાર પછી એકેય ઇલેક્શન એવું નથી ગયું જેમાં મનોરમાબહેને વોટ ન આપ્યો હોય. શું કામ આટલો વોટનો ક્રેઝ છે તેમને? તેઓ કહે છે, ‘ચૂંટણી એ લોકશાહીની કરોડરજ્જુ છે, એને તમે કેવી રીતે ઇગ્નોર કરી શકો. બાળપણમાં અમે કલકત્તા રહેતાં હતાં ત્યારે ગાંધીજી અમારા ઘરે રહ્યા હતા. મારી બહેન તેમની સાથે યાત્રામાં પણ ગઈ હતી. મેં બાળપણથી દેશદાઝ જોઈ છે, જે આજના સમયમાં જવલ્લે જ જોવા મળે છે. મત આપવો એ આપણો સંવૈધાનિક અધિકાર છે જ, પણ આપણી નૈતિક જવાબદારી છે. દેશની બાગડોર ગમે તેવી વ્યક્તિના હાથમાં ન આવે એ તમારે જાતે નક્કી કરવાની આ તક છે. ગમે તેવા લોકોને વોટ આપીને એનો વેડફાટ ન કરી શકાય. કામ ન કરનારી સરકારના કાન આમળવાનો આ સમય છે. હું આડેધડ વોટ આપવામાં માનતી નથી. બીજું હું મુખ્ય સરકારને ધ્યાનમાં રાખીને સ્થાનિકમાં ઊભા રહેલા ગમે એવા કૅન્ડિડેટને વોટ આપવાના પણ વિરોધમાં છું. હું પહેલાં અમારા વિસ્તારમાંથી ઊભા રહેલા તમામ પક્ષના કૅન્ડિડેટ્સને મળું, તેમનો ભૂતકાળનો રેકોર્ડ ચેક કરું, તેમણે કેટલું કામ કર્યું છે, આગળ કામ કરવાની તેમની ઇચ્છાશક્તિ કેટલી તીવ્ર છે જેવી બધી જ બાબતો સમજીને પછી હું વોટ આપું છું. વર્ષોથી આ જ શિરસ્તો રાખ્યો છે. દરેકને આ જ નિયમ પર ચાલવાની સલાહ આપીશ.’



અહીં ઉલ્લેખનીય છે કે મનોરમાબહેન તેમના પરિવારના તમામ સભ્યો અને ઘરના નોકર-ચાકર પણ વોટ આપવા જાય એની ચોકસાઈ રાખે છે. તેમની પૂત્રવધૂ વંદનાબહેન સાથે મળીને ચાલવાની તકલીફ હોય એવા વડીલોને પોતાની ગાડીમાં બેસાડીને વોટ અપાવવાનું કાર્ય કરતાં હોય છે.


વર્ષોના અનુભવ પરથી કહું છું કે હું જેને વોટ આપું એ જીતે જ

૮૧ વર્ષની ઉંમરના ફૉર્ટમાં રહેતા દેવચંદ મોતા ચૂંટણીને ખરેખર રાષ્ટ્રીય તહેવારની જેમ ટ્રીટ કરે છે. મતદાનનો દિવસ જીવનની સૌથી આકરી પરીક્ષાના દિવસ કરતાં પણ વધુ કીમતી છે એટલે એ દિવસને મૂકીને બહારગામ જવાનો પ્રોગ્રામ બનાવી જ કેમ શકાય. દેવચંદભાઈ કહે છે, ‘પહેલી ચૂંટણીને બાદ કરતાં અત્યાર સુધીનાં તમામ ઇલેક્શનમાં મેં મતદાન કર્યું છે. હું કોઈ પણ પક્ષને જોઈને જ વોટ આપવાનો આગ્રહી છું અને કદાચ તમને હસવું આવશે, પણ અત્યાર સુધી મેં જેને વોટ આપ્યો હોય એ ઉમેદવાર જીત્યો જ છે. આ યોગાનુયોગ જ છે, પણ હું તેને ખૂબ હકારાત્મક રીતે લઉં છું અને મારા મતને કીમતી મત ગણીને પૂરા અભ્યાસ સાથે મત આપું છું.’


દેશ માટે મરી મીટવા તૈયાર હોય એવા ઉમેદવારો છે આજે, પણ તમે પારખતાં શીખો

દરેક વડીલો એક વાત સ્વીકારશે કે આપણા દેશે ખૂબ આકરી મજલ કાપીને આઝાદી મેળવી છે. આઝાદ ભારતમાં જન્મેલા લોકોને એની કિંમત નથી. મલાડમાં રહેતા ૭૭ વર્ષના યશવંત શેઠને એનો વસવસો આજે પણ છે. તેઓ કહે છે, ‘જે લોકશાહી આજે આપણે ભોગવી રહ્યા છીએ એની પાછળ ઘણું લોહી રેડાયું છે. તમને એ લોહીની કદર કરતાં આવડવી જોઈએ. બીજુ કંઈ નહીં તો મતદાન કરીને પણ લોહી રેડનારાને શ્રદ્ધાંજલિ આપવાના પ્રયાસો કરવા જોઈએ. આજે દેશને લાલબહાદુર શાસ્ત્રી જેવા નેતાની જરૂર છે. દેશ માટે ભોગ આપી શકે એવા નેતાઓ આજે પણ છે, તમે એમને પારખીને એમને આગળ વધારવામાં મદદ ન કરો તો ભારતની ભૂમિ પર લીધેલો તમારો જન્મારો ખરેખર વ્યર્થ ગયો સમજજો.’

કોઈ જ ઉમેદવાર ન ગમે તો નોટાને મત આપો પણ તમારી હાજરી તો નોંધાવવી જ જોઈએ

આજના જમાનાનું રાજકારણ જોઈને ખરેખર દરેકને એમ લાગે કે કોઈ વોટ આપવાને લાયક જ નથી ત્યારે તમારું મન પાછું પડે, પણ એમાં નિરાશ નહીં થવાનું. સિનિયર કપલ અજિત અને અમિતા કાપડિયા પણ છેલ્લા ઘણા સમયથી આવું વિચારે છે. છતાં તેઓ મતદાન કરવાનું નથી ચૂક્યાં. જ્યારથી ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી તેમણે વોટ આપ્યો જ છે. શું કામ? પ્રfનના જવાબમાં અજિતભાઈ કહે છે, ‘તમારો વોટ મહત્વનો છે જ. એક જમાનો હતો જ્યારે નેતાઓ દેશ માટે મરી-મીટતા હતા. આજે ચૂંટણી પછી સીધાં પાંચ વર્ષે મોઢું દેખાડે છે. બધા જ ઠગભગતો દેખાતા હોય ત્યારે કોઈ પણ સરકાર આવે, દેશનો ઉદ્ધાર થવાનો નથી. એવામાં તમે વોટ આપો કે ન આપો, શું ફરક પડે છે? જોકે હું આ વાત સાથે સહમત નથી. તમે જો કોઈને લાયક નથી ગણતા તો નોટાનો પર્યાય છે. એમાં વોટ ન આપો, પણ તમારો મત નોંધાવો એ જરૂરી છે. તમારી હસ્તી આ દેશના નાગરિક તરીકેની તો જ સિદ્ધ થાય છે.’

તમને ખબર છે?

ગયા ઇલેક્શનમાં ૫૫ કરોડમાંથી ૬૦ લાખ મત નોટા થયા હતા

ગઈ કાલે આપણે દેશની પહેલી ચૂંટણીને લગતી ખાસંખાસ વાતો વિશે જાણ્યું, આજે નજર ફેરવો ૨૦૧૪માં યોજાયેલા લોકસભા ઇલેક્શનની રસપ્રદ હકીકતો પર

૨૦૧૪માં ભાજપે જ્યારે સત્તા મેળવી એ વખતે ૭ એપ્રિલથી શરૂ કરી ચૂંટણી ૯ તબક્કામાં યોજાઈ હતી, જે ૯ મેએ પૂરી થઈ હતી અને મતગણના ૧૬ મેએ યોજાઈ હતી.

બેઠકદીઠ ૧૫ની સરેરાશ સાથે કુલ ૮૨૫૧ ઉમેદવારો મેદાનમાં હતા, જે પૈકી ૭૦૦૦ની ડિપોઝિટ જપ્ત થઈ હતી.

આ પણ વાંચો : લોકોની છૂપી શક્તિનો આવિષ્કાર કરીને એને નિખારવાની શક્તિ સાહેબમાં હતી

૯.૨૭ લાખ મતદાનમથકો પર ૫૫ કરોડથી વધુ (૬૬.૩ ટકા) મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે ૬૦ લાખ મતો ‘નોટા’ થયા હતા.

૧૯૬૨માં કુલ મહિલા મતદારોમાંથી માત્ર ૪૭ ટકા મહિલાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, ૨૦૧૪ સુધીમાં એમાં ૧૯ ટકા વધીને ૬૬ ટકા પર પહોંચી ગયો હતો. આશ્ચર્યકારક રીતે આ જ સમયગાળામાં પુરુષ મતદારોમાં માત્ર પાંચ ટકાનો વધારો થયો છે.

Whatsapp-channel Whatsapp-channel

23 April, 2019 11:54 AM IST | | રુચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK