ઉત્તર ભારતમાં ગંગા દશેરાના પછીના દિવસે જેઠ સુદ અગિયારસે ગાયત્રી જયંતી મનાવવામાં આવે છે ત્યારે દક્ષિણ ભારતમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે માતા ગાયત્રીનો ઉત્સવ મનાવાય છે.
હિમાચલ પ્રદેશના જગતસુખમાં આવેલું ગાયત્રી મંદિર.
વૈદિક ધર્મમાં ગાયત્રી મંત્ર ‘મંત્રો કા મહામંત્ર’ ગણાય છે. બુદ્ધિ, જ્ઞાન તથા આધ્યાત્મિક જાગૃતિને સમર્પિત આ મંત્ર સૌપ્રથમ ઋગ્વેદમાં ઉદ્ભવ્યો હતો. છતાંય ગાયત્રી મંત્રને ચારેય વેદોનો સાર સમજવામાં આવે છે. આપણાં વેદો, શાસ્ત્રો, શ્રુતિઓની ઉત્પત્તિ ગાયત્રીમાતામાંથી થઈ હોવાનું મનાય છે. એક માન્યતા અનુસાર માતા પાર્વતી, સરસ્વતી અને લક્ષ્મીજીનો અવતાર ગણાતાં માતા ગાયત્રી જ્યેષ્ઠ શુક્લ એકાદશીએ પ્રગટ થયાં હતાં. આથી આ દિવસ ગાયત્રી જયંતી રૂપે ઊજવાય છે. ગયા અઠવાડિયે ગાયત્રી જયંતીનો પવિત્ર દિવસ હતો એ અન્વયે આપણે જઈએ વેદમાતા ગાયત્રીજીના મંદિરે
પ્રખ્યાત અમેરિકન સિંગર ક્રિસ્ટોફર ટેમ્પોરેલી રેગ્યુલર ધોરણે ગાયત્રી મંત્રનો જાપ કરે છે. તેઓ માને છે કે આ મંત્રનો જાપ અદ્ભુત ઊર્જાનો સ્રોત છે. ગાયત્રી મંત્રના જાપથી ક્રોધ શાંત થાય છે, જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે. ઋષિ વિશ્વામિત્ર દ્વારા રચિત આ મંત્રનો અર્થ થાય છે : ‘સૃષ્ટિકર્તા પ્રકાશમાન પરમાત્માના તેજનું અમે ધ્યાન કરીએ છીએ. આ પરમાત્માનું તેજ અમારી બુદ્ધિને સન્માર્ગે ચાલવા પ્રેરણારૂપ બને.’
ADVERTISEMENT
આપણા ધર્મમાં ગાયત્રી મંત્રને માતૃશક્તિ સાથે જોડાવામાં આવ્યો છે. મા ગાયત્રીને ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદની માર્ગદર્શક શક્તિ, જનની માનવામાં આવી છે. દિવ્ય જ્ઞાન, સત્ય અને પ્રકાશની પ્રતિમાસ્વરૂપ ગાયત્રી માતા બધા મંત્રોનાં આધ્યાત્મિક માતા છે. સૂર્યસમાન તેજસ્વી તથા જીવનદાયી આ શક્તિની ઉપસ્થિતિ આંતરિક જાગૃતિ અને ધર્મમાર્ગની પ્રેરણા આપે છે. એની સાથે આપણા તન, મન અને આત્માને અજ્ઞાન, હીન ભાવના તથા અધર્મથી બચાવે છે.
ભારતનાં અન્ય શહેરોનાં ગાયત્રી મંદિરો પણ પ્રસિદ્ધ છે
જ્ઞાનગંગા સમાન માતા ગાયત્રીને સમર્પિત અનેક મંદિરો આપણા દેશના વિવિધ વિસ્તારોમાં આવેલાં છે. ઉત્તર પ્રદેશના કુશીનગરમાં ૨૦૧૩માં સ્થપાયેલું ગાયત્રી મંદિર નવકુંડીય ગાયત્રી મહાયજ્ઞને લીધે પ્રસિદ્ધિ પામ્યું છે તો બ્રહ્માની નગરી પુષ્કરમાં આવેલું ગાયત્રી મંદિર સદીઓથી વેદોની વિરાસતની સાક્ષી પૂરતું અડીખમ ઊભું છે. ૧૯૮૩માં જીર્ણોદ્ધાર થયેલી દ્વારકાની ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી પરિવાર માટેનું વિશેષ મિલનસ્થળ છે તો કાનુડાની જન્મભૂમિ મથુરામાં આવેલી ગાયત્રીપીઠ માતા ગાયત્રીદેવીને સર્મપિત દર્શનીય મંદિરોની સૂચિમાં પ્રથમ ક્રમાંકે છે. આ ઉપરાંત કાશી, ભરૂચ, હરિદ્વાર, ચિત્રકૂટ, મૈસુર, વલ્જાપેટ (તામિલનાડુ), સુંદીપેટ (આંધ્ર પ્રદેશ), વિશાખાપટ્ટનમમાં ગાયત્રી માતાનાં મંદિરો પણ કાફી ફેમસ છે.

મથુરાનું ગાયત્રી મંદિર.
રાતા કમળ ઉપર બિરાજમાન આ પંચમુખી દેવી સૃષ્ટિનાં પાંચ તત્ત્વો અને પાંચ પ્રાણશક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે. એક વૈદિક સંદર્ભ ગાયત્રી માતાને સૂર્યદેવતાની સાવિત્રી માને છે, જ્યારે અન્ય વ્યાખ્યા મુજબ તેઓ બ્રહ્માજીની પત્ની સરસ્વતીનું એક રૂપ છે. ટૂંકમાં, ૧૦ ભુજાઓમાં શંખ, કમંડલુ, ચક્ર, માળા, ગદા, ત્રિશૂળ તથા આશીર્વાદ અને સુરક્ષાની મુદ્રાઓ ધારણ કરેલી આ શાશ્વત્ શક્તિ પરમ સત્તાનું પ્રતીક છે, બ્રહ્મવિદ્યાનું સાક્ષાત્ રૂપ છે અને મોક્ષ માર્ગે લઈ જનારું સર્વોચ્ચ જ્ઞાન છે. આવી અલૌકિક જ્ઞાનગંગાનું સૌથી પ્રાચીન મંદિર હિમાચલ પ્રદેશના જગતસુખ ગામે આવેલું છે. પર્યટકોના પ્રિય ગિરિમથક મનાલીથી માત્ર ૬ કિલોમીટરના અંતરે આવેલા આ ઐતિહાસિક મંદિરમાં રહેલી માતા ગાયત્રીની મૂર્તિ વિશે કહેવાય છે કે એ ૫૦૦૦ વર્ષથી વધુ પ્રાચીન છે.
કિંવદંતી છે કે મહાભારતકાળમાં પાંડુ કુળના પુરોહિત ઋષિ ધૌમ્ય અત્યંત પ્રભાવશાળી અને તપસ્વી હતા. હિમાલયની આ ભૂમિ પર તેમણે ઘોર તપસ્યા કરી હતી, જેમાં તેમણે લોખંડના સળિયાને બાળીને હવન કર્યો હતો. ધૌમ્ય ઋષિના તપોબળે લોખંડ જેવી ધાતુ પીગળી ગઈ અને તેમની વિશિષ્ટ ભક્તિના પરિણામે માતા ગાયત્રી, લક્ષ્મી-સરસ્વતી-પાર્વતીજીના સંયુક્ત સ્વરૂપે પ્રગટ થયાં અને ઋષિજીને દર્શન આપ્યાં હતાં તથા વરદાન માગવાનું પણ કહ્યું હતું. ત્યારે પરોપકારી ધૌમ્ય ઋષિએ સમસ્ત જીવસૃષ્ટિના કલ્યાણ અર્થે માતાને આ સ્થળે સ્થાપિત થવાની વિનંતી કરી. ત્યારથી દેવી, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ગાયત્રી રૂપે જગતસુખના આ મંદિરમાં મૂર્તિરૂપે પ્રતિષ્ઠિત છે. માતાના અહીં પધાર્યા બાદ પાંડુઓના કુળપુરોહિત ધૌમ્ય ઋષિએ તેમના શિષ્યોને અહીં મંદિરનું નિર્માણ કરવાનું કહ્યું. એ દરમ્યાન વનવાસી પાંડવો પણ અહીં આવી ચડ્યા અને તેઓ પણ ગુરુઆજ્ઞાને માથે ચડાવીને મંદિરના નિર્માણમાં લાગી ગયા. જોકે ગુપ્તવેશે રહેતા હોવાથી પાંડવો દિવસના અજવાશમાં મંદિરનું કાર્ય કરી શકતા નહીં. તેઓ રાત્રિના અંધકારમાં જ આ કાર્ય કરી શકે. આથી મંદિરનું કામ અધૂરું રહ્યું જે જગતસુખના નિવાસીઓએ પૂર્ણ કર્યું હતું.

વેદમાતા ગાયત્રી.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
પૌરાણિક મંદિરની ઉપર સ્થાનિક રાજા જયચંદે આઠમી શતાબ્દીમાં પથ્થર તથા લાકડાના સંયોજનથી નકશીદાર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. હા, માતાનું પ્રાચીન સ્વરૂપ એ જ છે. સાથે થોડાં વર્ષ પૂર્વે અહીં ગાયત્રી માતાની નવી મૂર્તિ પણ પ્રસ્થાપિત કરાઈ છે.
નવરાત્રિમાં અહીં વિશેષ પૂજા તથા દેવી સૂક્તમના પાઠ આદિ ધાર્મિક અનુષ્ઠાનો થાય છે તો ગાયત્રી જયંતીના અવસરે ૧૦૮ ગાયત્રી મંત્રોનો જાપ, હવન, આદિ વિશેષ અર્ચના કરાય છે. રોજિંદી પૂજામાં સવાર-સાંજ આરતી, ધૂપ, સફેદ વસ્ત્ર, બે વખત ભોગ આદિ અર્પણ કરાય છે.
જગતસુખ દરિયાઈ સપાટીથી ૧૮૫૦ મીટરની ઊંચાઈએ વસેલું છે. આથી ભરઉનાળે પણ આ વિસ્તાર કૂલ રહે છે તો શિયાળામાં તો આખો એરિયા બરફની જાડી રજાઈ ઓઢી લે છે. જોકે ભરપૂર માત્રામાં હિમવર્ષા થતી હોવા છતાં મંદિર બારે મહિના સવારના ૭ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા દરમ્યાન ખુલ્લું રહે છે. હા, ચોમાસામાં ભારે વરસાદ થતાં પહાડોની ભૂમિમાં લૅન્ડસ્લાઇડનો ખતરો બની રહે છે એટલે એનાથી સંભાળવું.
અહીંના પૂજારી જણાવે છે કે પાંડવો દ્વારા નિર્મિત આ મંદિરની મુખ્ય રચનાને આજે પણ ગ્રામીણોએ અકબંધ રાખી છે. એમાં કોઈ પ્રકારે છેડછાડ નથી થઈ. ફક્ત મૂળ ગર્ભગૃહની સુરક્ષા અર્થે ઉપરથી હિમાચલી શૈલીમાં લાકડાનું મંદિર બનાવાયું છે. જોકે એય સેંકડો વર્ષ પૂર્વેનું છે. મંદિરની ડિઝાઇન ગાયત્રી યંત્ર રક્ષાકવચના રૂપે થઈ છે. ગાયત્રી માતાના મૂળ મંત્રના ૨૪ અક્ષરને ધ્યાનમાં રાખતાં દેવાલયની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ, હવનકુંડ તથા મૂર્તિના કદમાં પણ ૨૪નો આંકડો કેન્દ્રમાં રખાયો છે. મંદિરની આગળ આવેલું નાનકડું ગણેશમંદિર પણ અતિ પ્રાચીન છે.
આ પણ છે જાણવા જેવું
જગતસુખનું ગાયત્રી મંદિર માત્ર પૂજાસ્થળ નથી. આ પવિત્ર સ્થાને તમે શ્વાસ, વિચાર, હૃદયની દરેક ધડકનમાં દેવીની ઉપસ્થિતિ મહેસૂસ કરો છો.
જગતસુખનું ગૌરીશંકર શિવાલય ઈસવીસન ૮૦૦થી ૮૫૦ની સાલ દરમ્યાન બનેલું છે. સ્થાનિકો સહિત સહેલાણીઓમાં પણ પ્રિય આ નાનકડા મંદિરમાં દર્શન કરવા આવનાર ભક્તોનો વ્યાપ ઘણો વિશાળ છે.
એક સમયે સ્ત્રીઓ તથા સામાન્ય પ્રજાજનોને ગાયત્રી મંત્ર બોલવાનો અધિકાર નહોતો, કારણ કે એ શીઘ્રતાથી સિદ્ધ થઈ જતો પાવરફુલ મંત્ર હતો. આ મંત્રજાપથી જો દરેક વ્યક્તિ શક્તિશાળી બની જાય તો રાજવીઓ, મંત્રીઓ, ઈવન સાધુ-પૂજારીઓનું બળ અને મહત્તા ઘટી જાય. આથી આ મંત્ર સમાજના શ્રેષ્ઠ વર્ગ સિવાય કોઈને અપાતો નહીં.

કુલુનું સૌથી પ્રાચીન ગૌરીશંકર મંદિર.
ભારતનો ખૂબ મોટો જનસમુદાય ગાયત્રી સંપ્રદાય ફૉલો કરે છે. તેઓ દિવસમાં ૩ વખત આ મંત્રના પાઠ કરે છે.
ખળખળ વહેતી બિયાસ નદીના કાંઠે અને ધૌલાધાર પર્વતની પશ્ચાદ્ભૂ ધરાવતું જગતસુખ ગામ એક સમયે કુલુ સામ્રાજ્યની રાજધાની હતું. અતીતમાં આ પૌરાણિક-પ્રાચીન મંદિરોની ભૂમિ ખૂબ ગૌરવશાળી ગણાતી. હવે આજે સફરજનનાં ખેતરોથી લદાયેલું આ નાનકડું ગામ અનેક ટ્રેક્સનું ઉદ્ગમસ્થળ છે. એની સાથે શાંત અને પ્રાકૃતિક હૉલિડેપ્રેમીઓનું ફેવરિટ સ્પૉટ પણ છે.
મનાલી કેવી રીતે જવું? તો આ મનુઋષિની નગરી એટલી ફેમસ છે કે દેશના ખૂણે-ખૂણેથી અહીં જવા અનેક પ્રકારનાં વાહનો, સાધનો, સેવાઓ ઉપલબ્ધ છે. એ જ રીતે રહેવા માટે પણ મનાલીમાં મોર ધેન થાઉઝન્ડ ઑપ્શન છે. જગતસુખ ગામ નજીક પણ અનેક રિસૉર્ટ્સ, હૉસ્ટેલ છે. વળી કુલુ-મનાલીનો આખો વિસ્તાર અનેક પ્રકારનાં ક્વિઝિન પીરસે છે એટલે ફૂડવિષયક કોઈ પ્રૉબ્લેમ જ નથી - ‘જો માંગોગે, વો મિલેગા.’ અહીંની સુંદરતાની વાત કરીએ તો દરેક ઋતુમાં અહીંનાં રૂપરંગ અનૂઠાં છે એટલે કોઈ પણ સીઝનમાં હિમાચલના આ વિસ્તારમાં જાઓ, મોજ તો આવવાની જ છે અને અહીંના લાઇવ તેજપુંજસમાં મંદિરોનાં દર્શનથી આત્મિક આંનદનો અનુભવ પણ થવાનો જ છે.
