Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૦,૦૦૦ CCTV કૅમેરાથી આખા શહેર પર નજર

૧૦,૦૦૦ CCTV કૅમેરાથી આખા શહેર પર નજર

Published : 05 July, 2026 07:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કમિશનર અશ્વિની ભિડે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના કન્ટ્રોલ-રૂમમાં

BMCના ઇમર્જન્સી રિસ્પૉન્સ રૂમમાં હાજર BMCનાં કમિશનર અશ્વિની ભિડે.

BMCના ઇમર્જન્સી રિસ્પૉન્સ રૂમમાં હાજર BMCનાં કમિશનર અશ્વિની ભિડે.


હવામાન ખાતાએ મુંબઈમાં અતિ ભારે વરસાદની આગાહી કરીને રેડ અલર્ટ જાહેર કરી છે અને શહેરમાં બધે જ મુશળધાર વરસાદ છે ત્યારે BMCનાં કમિશનર અશ્વિની ભિડે પરિસ્થિતિનો તકાજો લઈ રહ્યાં છે. અશ્વિની ભિડે BMCના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના ઇમર્જન્સી રિસ્પૉન્સ રૂમમાં હાજર રહીને ૧૦,૦૦૦ CCTV કૅમેરાથી શહેરમાં શું પરિસ્થિતિ છે એના પર નજર રાખી રહ્યાં છે. 
ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના ઇમર્જન્સી રિસ્પૉન્સ રૂમમાં રહીને અશ્વિની ભિડે અને ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગર અહીં હાજર રહીને શહેરમાં કોઈ ઇમર્જન્સીની પરિસ્થિતિ છે કે નહીં અને ઊભી થાય તો એ માટે તાત્કાલિક મદદ માટે ટીમો રવાના થાય છે કે નહીં એ બધા પર નજર રાખી રહ્યા છે. પાણી ભરાવાની, ટ્રાફિકની તથા ભારે વરસાદને કારણે ઊભી થતી કોઈ પણ પરિસ્થિતિ માટે ઇમર્જન્સી રિસ્પૉન્સ મળી રહે એની ખાતરી કરવા તેઓ હાજર રહ્યાં હોવાની માહિતી BMCએ આપી હતી.

પાણી કાઢવા માટે ૪૪૮ પમ્પિંગ યુનિટ, ૧૦,૦૦૦થી વધુ BMC અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે, ૧૯ પમ્પિંગ-સ્ટેશન સક્રિય



ગિરીશ મહાજન અને રિતુ તાવડેએ BMCના હેડક્વૉર્ટરમાં જઈને પરિસ્થિતિની સમીક્ષા કરી


મહારાષ્ટ્રના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ મિનિસ્ટર ગિરીશ મહાજને અને મુંબઈનાં મેયર રિતુ તાવડેએ શનિવારે BMCના હેડક્વૉર્ટરની મુલાકાત લઈને વરસાદને કારણે ઊભી થનારી સ્થિતિને પહોંચી વળવા શું તૈયારીઓ છે એની સમીક્ષા કરી હતી. આ દરમ્યાન BMCએ માહિતી આપી હતી કે શહેરમાં મુશળધાર વરસાદને પગલે ૧૦,૦૦૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે અને તેઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. પાણી ભરાયાં હોય ત્યાં પાણીના નિકાલ માટે BMCએ ૪૪૮ પમ્પિંગ યુનિટ તેમ જ ૧૯ નાનાં પમ્પિંગ-સ્ટેશન સક્રિય કર્યાં છે. BMCએ લેપ્ટોસ્પાઇરોસિસથી બચવા માટે લોકોને ૨૦૦ મિલીગ્રામ ડૉક્સિસાઇક્લિન દવા લેવાની સલાહ પણ આપી છે.


મેયર રિતુ તાવડેએ લોકોને મરીન ડ્રાઇવના દરિયાથી દૂર ભગાડ્યા

મેયર રિતુ તાવડેએ શનિવારે મરીન ડ્રાઇવ પર જઈને લોકોને દરિયાકિનારાથી દૂર ભગાડ્યા હતા. રિતુ તાવડે મરીન ડ્રાઇવ પર કોસ્ટલ રોડ પાસે દરિયાકિનારાની નજીક ઊભેલા લોકોને દૂર ભગાડતા હોવાનો વિડિયો પણ ઇન્ટરનેટ પર વાઇરલ થયો હતો. રિતુ તાવડેએ ‘તમે લોકો માણસો છો કે પછી શું? ચલો અહીંથી દૂર જાઓ. ચલો... ચલો... બધા જ અહીંથી નીકળો. હાઈ ટાઇડ છે ભાન નથી પડતી?’ એમ કહીને લોકોને મરીન ડ્રાઇવના દરિયાકિનારાથી દૂર ભગાડ્યા હતા. ભારે વરસાદને કારણે રેડ અલર્ટ હોવાથી લોકોને દરિયાકિનારાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી હોવા છતાં લોકો દરિયાની નજીક જાય છે અને જીવ જોખમમાં મૂકતા હોય છે.

ભાંડુપના વિલેજ રોડ પર દોરડાના સહારે જીવના જોખમે લોકોની અવરજવર, BMC સામે જનાક્રોશ

ગઈ કાલે સવારથી શરૂ થયેલા ભારે વરસાદે મુંબઈગરાઓની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો ત્યારે ભાંડુપ-વેસ્ટના વિલેજ રોડ પર પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. ત્યાં રસ્તાઓ પર ત્રણથી ૪ ફુટ જેટલાં પાણી ભરાઈ ગયાં હતાં. જળબંબાકારની આ સ્થિતિ વચ્ચે સ્થાનિક રહેવાસીઓએ રોડ ક્રૉસ કરવા તેમ જ મુખ્ય જંક્શન પરથી પસાર થવા માટે ભારે હાલાકી ભોગવવી પડી હતી. BMC તરફથી કોઈ મદદ ન મળતાં આખરે સ્થાનિક લોકોએ જાતે જ રસ્તાની બન્ને બાજુએ મજબૂત દોરડું (દોરી) બાંધી દીધું હતું. નાગરિકો અને ખાસ કરીને મહિલાઓ અને પુરુષો આ દોરડાને પકડી-પકડીને જીવના જોખમે એક છેડેથી બીજા છેડે અને અન્ય વિસ્તારોમાં જવા મજબૂર બન્યાં હતાં. આ પરિસ્થિતિને પગલે સ્થાનિક રહેવાસીઓએ BMC વિરુદ્ધ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. લોકોએ કહ્યું હતું કે ‘આ આખો વિસ્તાર ઊંચાણવાળો ભાગ છે એટલે સામાન્ય રીતે અહીં પાણી ભરાવાની શક્યતા નહીંવત્ હોય છે. આમ છતાં આ વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના અભાવે ત્રણથી ૪ ફુટ જેટલાં પાણી ભરાઈ ગયાં હતાં. રસ્તા પરથી પસાર થતાં સ્કૂલનાં નાનાં બાળકો, સિનિયર સિટિઝનો, મહિલાઓ અને અન્ય રાહદારીઓ પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ન જાય કે અકસ્માતની કોઈ મોટી દુર્ઘટના ન થાય એ માટે સાવચેતીના ભાગરૂપે અમને જાતે જ દોરડું બાંધવાની ફરજ પડી હતી.’

ઑલવેઝ ઑન ડ્યુટી : મુંબઈ પોલીસ મુંબઈગરાઓની વહારે આવી

ધોધમાર વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયાં છે ત્યારે મુશ્કેલીમાં મુકાયેલા મુંબઈગરાઓની વહારે મુંબઈ પોલીસ ખડેપગે હતી. પાણી ભરાયાં હોય એવા વિસ્તારોમાં પોલીસે લોકોને રસ્તો ક્રૉસ કરવામાં તેમ જ સલામત સ્થળે લઈ જવામાં મદદ કરી હતી. રસ્તા પર પાણી ભરાવાને કારણે બાળકો, વૃદ્ધો તથા શારીરિક રીતે અક્ષમ લોકોને હાલાકી ભોગવવી પડી ત્યારે મુંબઈ પોલીસ તેમની વહારે આવી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

05 July, 2026 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK