ફક્ત બાંદરામાં જ ૫૦૦૦ વૃક્ષો જોખમી; આખા શહેરમાં ઝાડને કારણે લોકો જખમી થવાની, વાહનોને નુકસાન થવાની અને રોડ બ્લૉક થવાની ઘટનાઓ ચાલુ : શું આખું ચોમાસું આવું જ ચાલશે?
ઝાડ પડવાનો સિલસિલો ચાલુ: દાદરની મીનાતાઈ ફૂલમાર્કેટમાં શુક્રવારે મધરાતે અઢી વાગ્યાની આસપાસ ૧૦૦ વર્ષ જૂનું વડનું ઝાડ તૂટી પડ્યું હતું.
શહેરમાં ધોધમાર વરસાદની વચ્ચે ઝાડ તૂટી પડવાનો સિલસિલો ચાલુ જ છે. વરસાદને પગલે શુક્રવારે તથા શનિવારે શહેરમાં ઝાડ તૂટી પડવાની અનેક ઘટનાઓ બની હતી. એમાં અમુક ઘટનામાં લોકો જખમી થયા હતા, જ્યારે અમુક ઘટનામાં વાહનોને નુકસાન થયું હતું. એમાં પણ બાંદરામાં ૫૦૦૦ ઝાડ જોખમી હોવાના અહેવાલને પગલે BMCની બેદરકારીને કારણે આખા શહેરમાં કેટલાં જોખમી ઝાડ હશે એ પ્રશ્ન ઊભો થયો છે.
ચેમ્બુરમાં સ્કૂલ-બસ પર ઝાડ તૂટી પડવાને કારણે ૧૧ વર્ષના વિહાન શ્રીવાસ્તવનો જીવ ગયો ત્યારથી ઝાડ તૂટી પડવાની ઘટના ચર્ચામાં છે ત્યારે BMCએ આ સમસ્યાનો ઉકેલ લાવવા હજી કયાં પગલાં લીધાં છે એ સ્પષ્ટ નથી.
ADVERTISEMENT
એક સર્વે મુજબ H પશ્ચિમ વૉર્ડ જેમાં બાંદરા-વેસ્ટનો સમાવેશ થાય છે એમાં ૫૦૦૦ ઝાડની BMC દ્વારા યોગ્ય જાળવણી ન થઈ હોવાને કારણે, અયોગ્ય રીતે ટ્રી-ટ્રિમિંગ કરાયું હોવાથી અને રસ્તાના કૉન્ક્રીટીકરણને કારણે ક્યારેય ધરાશાયી થઈ શકે એવું જણાયું છે. એટલે કે બાંદરાવાસીઓના માથે ૫૦૦૦ જોખમી ઝાડનું જોખમ તોળાઈ રહ્યું છે.
દાદરની મીનાતાઈ ફૂલમાર્કેટમાં શુક્રવારે મધરાતે અઢી વાગ્યાની આસપાસ ૧૦૦ વર્ષ જૂનું વડનું ઝાડ તૂટી પડ્યું હતું. જોકે મોડી રાત હોવાથી અને અતિશય વરસાદ હોવાથી અહીં લોકોની વધુ અવરજવર નહોતી એટલે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. આ ઘટનાનો CCTV કૅમેરાના ફુટેજનો વિડિયો પણ બહાર આવ્યો હતો, જેમાં ત્યાંથી પસાર થઈ રહેલા લોકો સહેજ માટે બચી ગયા હોવાનું દેખાય છે. જોકે ઝાડ ફૂલમાર્કેટની છત પર પડતાં કોઈને ઈજા થઈ નહોતી.

બોરીવલીમાં એસ. વી. રોડ પર હરિઓમનગર પાસે ઝાડ તૂટી પડતાં ૩ લોકો જખમી થયા હતા તથા એક કારને નુકસાન પહોંચ્યું હતું.

માટુંગાના મહેશ્વરી ઉદ્યાન નજીક એક વિશાળ વૃક્ષ તૂટી પડતાં ત્યાં પાર્ક કરવામાં આવેલાં વાહનોને નુકસાન થયું હતું.

બાંદરાના ધર્માધિકારી માર્ગના શિર્કે ચોક ખાતે એક મોટું વૃક્ષ તૂટી પડ્યું હતું.
દસથી ૫૦ વર્ષ જૂનાં ઝાડનો સર્વે
આ પ્રકારનો સર્વે પહેલી જ વખત હાથ ધરવામાં આવ્યો છે અને એમાં ગાર્ડનમાં આવેલાં નહીં, ફક્ત રસ્તાઓની બાજુમાં આવેલાં ઝાડનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે જે દસથી ૫૦ વર્ષ જૂનાં હોય.
કલવામાં ચાલુ બાઇક પર ઝાડ પડ્યું, બે યુવકો ગંભીર રીતે ઘાયલ
રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક દુર્ઘટના ગઈ કાલે સવારે થાણેના કલવાના ખારેગાવ નાકા વિસ્તારમાં બની હતી, જ્યાં ચાલુ મોટરસાઇકલ પર અચાનક મોટું ઝાડ તૂટી પડતાં બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બે અલગ-અલગ બાઇક પર પસાર થઈ રહેલા બે યુવકો આ ઝાડની ઝપટમાં આવી ગયા હતા અને એની નીચે દબાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ TMCના ગાર્ડન ઑથોરિટી વિભાગના કર્મચારીઓ અને ફાયર-બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બચાવ-કામગીરી દરમ્યાન રસ્તા પર પડેલા ઝાડને કટર વડે કાપીને બાજુ પર ખસેડવામાં આવ્યું હતું અને ટ્રાફિક-વ્યવહાર પૂર્વવત્ કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ઘાયલ થયેલા દિવા ખાતે રહેતા ૩૨ વર્ષના વિજય પલીના જમણા પગમાં ગંભીર ઈજા થઈ છે, જ્યારે કલવા-ઈસ્ટના ગોલાઈનગરમાં રહેતા ૩૪ વર્ષના રાજકુમાર યાદવની છાતી અને કમરના ભાગમાં ગંભીર ઈજા થઈ છે. બન્ને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
થાણેમાં ટાયર પર બેસી પોલ ખોલ

થાણેમાં ઠેકઠેકાણે પાણી ભરાઈ જતાં એક માણસે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) દ્વારા કરાયેલી મૉન્સૂન પહેલાંની તૈયારીઓની પોલ ખોલી નાખી હતી. ટાયર પર બેસી તેણે ‘વલ્હવ રે નાખવા હો વલ્હવ રે રામા’ ગીત ગાઈને TMCને ટોણો માર્યો હતો.
ભેખડ ધસી પડી, ઘર થયું ભોંયભેગું

વિક્રોલી-વેસ્ટના પાર્કસાઇટ વિસ્તારના ટેકરીવાળા વિસ્તારમાં આવેલા વર્ષાનગરમાં જોરદાર પવન સાથે વરસાદ પડતાં ભેખડ પરની માટી ધસી પડતાં એક ઘર તૂટી પડ્યું હતું. જોકે એ ઘટનામાં કોઈને ઈજા થવાના અહેવાલ નથી. દર વર્ષે મૉન્સૂન પહેલાં BMC ટેકરી પરથી માટી ધસી પડવાની શક્યતા હોવાથી ત્યાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ચાલ્યા જવાની નોટિસ આપતું હોય છે જેથી કોઈ મોટી હોનારત ન થાય.
