પ્રદીપ સાંગવાનનો જન્મ હરિયાણાના એક સામાન્ય પરિવારમાં થયો. બાળપણથી જ તેઓ પ્રકૃતિ અને સાહસિક પ્રવૃત્તિઓ પ્રત્યે આકર્ષિત હતા. જોકે તેમના શરૂઆતના જીવનમાં એવું કંઈ ખાસ નહોતું કે જે સૂચવે કે એક દિવસ તેઓ હિમાલયના સંરક્ષણ માટે દેશભરમાં જાણીતા બનશે.
મૂળ હરિયાણાના પ્રદીપ સાંગવાન બાળપણથી જ પ્રકૃતિ અને સાહસિક પ્રવૃત્તિઓ પ્રત્યે આકર્ષિત હતા. કૉલેજકાળ દરમ્યાન ટ્રેકિંગનો ચસકો લાગી ગયો. પહાડોને ક્લીન કરવાની તેમની ચળવળ આજે હીલિંગ હિમાલયના રૂપમાં મોટું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.
હિમાલયના સુંદર પહાડોમાં ફેલાતો કચરો જોઈને હરિયાણાના પ્રદીપ સાંગવાને ફક્ત ફરિયાદ નથી કરી, પરંતુ પોતે કચરો ઉઠાવવા નીકળી પડ્યા. ધીમે-ધીમે થોડા લોકો જોડાયા, પછી હજારો સ્વયંસેવકો જોડાયા અને આ પ્રયાસ હીલિંગ હિમાલયાઝ નામના મોટા આંદોલનમાં બદલાઈ ગયો. અત્યાર સુધીમાં હિમાલયમાંથી હજારો ટન પ્લાસ્ટિક અને અન્ય કચરો દૂર કરી ચૂકેલા આ પર્વતપ્રેમીના કામનાં વખાણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કર્યાં છે
હિમાલય. નામ સાંભળતાં જ આંખો સામે બરફાચ્છાદિત શિખરો, હરિયાળા પહાડો અને મનને મોહી લે તેવાં દૃશ્યો તરવરી ઊઠે છે. દર વર્ષે લાખો લોકો આ સૌંદર્યને માણવા માટે હિમાલયની મુલાકાત લે છે. તેઓ એની તસવીરો પાડે છે, એની પ્રશંસા કરે છે, એની યાદો સાથે ઘરે પરત ફરે છે. પરંતુ કેટલા લોકો એવા છે, જે હિમાલયને મળેલી ભેટ બદલ એને કંઈક પરત આપવાનો વિચાર કરે? જ્યારે મોટા ભાગના લોકો પહાડોની સુંદરતા નિહાળવામાં વ્યસ્ત હતા, ત્યારે એક વ્યક્તિ એની પીડા જોઈ રહી હતી. પ્રવાસીઓ દ્વારા ફેંકાયેલાં પ્લાસ્ટિક અને કચરાથી ઘવાયેલા હિમાલયને સાજો કરવાનો સંકલ્પ તેણે કર્યો. આ વ્યક્તિ છે પ્રદીપ સાંગવાન. એક એવો પર્યાવરણપ્રેમી, જેણે હિમાલય પ્રત્યેના પ્રેમને માત્ર શબ્દોમાં નહીં, પરંતુ કાર્યોમાં સાબિત કર્યો.
ADVERTISEMENT
કેદારનાથની યાત્રા સમયે પ્રદીપ પોતે પ્લાસ્ટિકના કચરાથી ભરેલી થેલીઓ તૈયાર રાખીને જે યાત્રીઓ ઉતરાણ કરી રહ્યા હોય તેમને કચરો નીચે લઈ જવા વિનંતી કરતો વીડિયો વાઇરલ થયો છે. લગભગ સાડાત્રણ લાખ જેટલા લોકો જોઈ ચૂક્યા છે. આજે રાષ્ટ્રીય સ્તરે તેના કામની પ્રશંસા પહોંચી છે જેની શરૂઆત ૨૦૦૯માં થઈ ગઈ હતી. એટલું જ નહીં, એક વાર ‘મનકી બાત’માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કામની પ્રશંસા કરી હતી. આજે તેમની આ પહેલને વિસ્તારથી જાણીએ.
દર વર્ષે હજારો પ્રવાસીઓ અને યાત્રીઓ હિમાલયન વિસ્તારની મુલાકાત લે છે. હિમાલયના રસ્તામાં એક પ્રવાસી અંદાજે દિવસમાં ૨૦૦થી ૩૦૦ ગ્રામ કચરો કરે છે. રિસર્ચ કહે છે કે હિમાલયમાં થતા કચરામાંથી ૮૮ ટકા કચરો પ્લાસ્ટિક હોય છે, એમાંય ૮૪ ટકા પ્લાસ્ટિક કચરો ફૂડ પૅકેટ્સ અને બૉટલ્સનો હોય છે.
ટ્રેકિંગનો શોખ અને ચળવળની શરૂઆત
પ્રદીપ સાંગવાનનો જન્મ હરિયાણાના એક સામાન્ય પરિવારમાં થયો. બાળપણથી જ તેઓ પ્રકૃતિ અને સાહસિક પ્રવૃત્તિઓ પ્રત્યે આકર્ષિત હતા. જોકે તેમના શરૂઆતના જીવનમાં એવું કંઈ ખાસ નહોતું કે જે સૂચવે કે એક દિવસ તેઓ હિમાલયના સંરક્ષણ માટે દેશભરમાં જાણીતા બનશે. અજમેરની રાષ્ટ્રીય મિલિટરી સ્કૂલમાં અભ્યાસ કરવાને કારણે શિસ્ત તેમના સ્વભાવનો અભિન્ન ભાગ બની ગઈ હતી. તેમના પિતા સૈનિક બૅકગ્રાઉન્ડ ધરાવતા હોવાથી પરિવારની અપેક્ષા હતી કે તેઓ પણ સશસ્ત્ર દળોમાં જોડાઈ દેશસેવા કરશે. જોકે અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે અન્ય યુવાનોની જેમ પોતાની કારકિર્દી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેઓ કૉર્પોરેટ ક્ષેત્રમાં કાર્યરત રહ્યા અને વ્યાવસાયિક જીવનમાં આગળ વધી રહ્યા હતા. કૉલેજકાળ દરમ્યાન તેમને ટ્રેકિંગનો શોખ લાગ્યો અને પહાડો સાથેનો સંબંધ ધીમે-ધીમે ગાઢ બનતો ગયો. જીવન એક સામાન્ય દિશામાં આગળ વધી રહ્યું હતું.

પ્રદીપ સાંગવાન અને તેમની ટીમે ૧૦૦૦ કરતાં વધારે ક્લીન-અપ ડ્રાઇવનું આયોજન કર્યું છે તેમ જ પહાડો પરથી અંદાજે ૨૦૦૦ ટનથી વધુ કચરો દૂર કર્યો છે.
ટ્રેકિંગ અને પર્વતારોહણના શોખને કારણે તેઓ વારંવાર હિમાલયના વિવિધ વિસ્તારોમાં જતા. આ પ્રવાસો દરમિયાન તેમણે હિમાલયનું અદ્ભુત સૌંદર્ય નજીકથી માણ્યું, પરંતુ સાથે-સાથે એક ચિંતાજનક હકીકત પણ જોઈ. પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવતી પ્લાસ્ટિકની બૉટલો, ચિપ્સનાં પૅકેટ, ટિનના ડબ્બા અને અન્ય કચરો હિમાલયના નિર્મળ સૌંદર્યને ઘાયલ કરી રહ્યો હતો. જે પહાડો લોકો માટે શાંતિ, આનંદ અને પ્રેરણાનું પ્રતીક હતા, તે જ પહાડો માનવબેદરકારીનો ભાર સહન કરી રહ્યા હતા. એક ટ્રેક દરમ્યાન કચરાના ઢગલાઓએ તેમના મન પર ઊંડી અસર કરી. તેમણે અનુભવ્યું કે મોટા ભાગના લોકો હિમાલયને પ્રેમ તો કરે છે, પરંતુ એની સુરક્ષા માટે જવાબદારી લેવા તૈયાર નથી. આ વિચાર તેમના મનમાં સતત ઘૂમરાતો રહ્યો. વર્ષ ૨૦૦૯માં હિમાચલ પ્રદેશમાં શિફ્ટ થયા એ સમયે તેમની પાસે કોઈ સ્પષ્ટ યોજના નહોતી કે તેઓ શું કરશે કે કેવી રીતે જીવન જીવશે. શરૂઆતમાં પોતાનું ગુજરાન ચલાવવા માટે તેમણે મનાલીમાં એક હોમસ્ટે શરૂ કર્યું, પરંતુ હિમાલયે તેમના માટે કંઈક અલગ જ લખી રાખ્યું હતું. તેમણે કચરા અને પ્લાસ્ટિકથી ઘાયલ થઈ રહેલા હિમાલયને સાજો અને સ્વચ્છ કરવાનો વિચાર કર્યો. શરૂઆતમાં તેમણે પોતાના મિત્રોની મદદથી ટ્રેકિંગ રૂટ્સ પરથી કચરો એકત્રિત કરવાનો નાનો પ્રયાસ શરૂ કર્યો. આ કાર્ય સરળ નહોતું. દૂરના પર્વતીય વિસ્તારોમાં કચરો ભેગો કરવો, એને નીચે લાવવો અને યોગ્ય રીતે નિકાલ કરવો ખૂબ જ પડકારજનક હતું. તેમ છતાં, તેઓ હિંમત ન હાર્યા.
ટ્રેકિંગ પર જતા લોકોને સલાહ
હિમાલયને જ પોતાનું ઘર બનાવીને રહેતા પ્રદીપ સાંગવાનના મત મુજબ ચાર સભ્યોનો એક પરિવાર પાંચ દિવસની રજાઓ દરમ્યાન સરેરાશ ૨૫ જેટલી પ્લાસ્ટિકની પાણીની બૉટલો વાપરી નાખે છે. કલ્પના કરો કે જો દરેક પ્રવાસી રિયુઝેબલ બૉટલ્સ સાથે રાખે તો કેટલો પ્લાસ્ટિક કચરો ઘટાડી શકાય! મોટા ભાગનાં સ્થળોએ બૉટલ ફરીથી ભરી શકાય છે. નાની લાગતી આ આદત પર્યાવરણ માટે મોટો ફેરફાર લાવી શકે છે. એ સિવાય સ્ટ્રૉ વિશે લોકોને ખાસ સલાહ આપે છે. સ્ટ્રૉ પ્લાસ્ટિક પ્રદૂષણનું એક મહત્ત્વનું કારણ છે. એક સ્ટ્રૉથી કદાચ ખાસ નુકસાન ન લાગે, પરંતુ લાખો લોકો દ્વારા વપરાતી સ્ટ્રૉ પર્યાવરણ પર ભારે બોજ ઊભો કરે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી સ્ટ્રૉનો ઉપયોગ ટાળવો જોઈએ. પ્રવાસ કે ટ્રેકિંગ દરમિયાન પોતાનો કચરો સાથે પાછો લાવવાની આદત કેળવવી જોઈએ. જે સુંદર અને સ્વચ્છ વાતાવરણનો આનંદ આપણે માણ્યો છે, એને ગંદું કરવાની આપણી પાસે કોઈ નૈતિક છૂટ નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં વેટ વાઇપ્સનો ઉપયોગ ખૂબ વધી ગયો છે, પરંતુ તે પર્યાવરણ માટે ગંભીર સમસ્યા બની રહ્યાં છે. મોટા ભાગની વેટ વાઇપ્સ સરળતાથી વિઘટિત થતી નથી અને લાંબા સમય સુધી પ્રદૂષણ ફેલાવે છે.

કેદારનાથ યાત્રા દરમ્યાન મંદિર પાસે તેમણે Carry me Back નામનું અભિયાન શરૂ કર્યું છે, જેમાં તેઓ લોકોને પોતાની સાથે મરજીથી કચરો નીચે લઈ જવાની વિનંતી કરી રહ્યા છે. કચરાનું વજન અંદાજે બેથી પાંચ કિલોનું હતું.
પહાડી વાતાવરણ સાથે ઍડ્જસ્ટમેન્ટ
હિમાચલનાં ગામડાંઓમાં રહેતા લોકોએ પ્રદીપ પર ઊંડી છાપ છોડી. તેમણે જોયું કે ગામવાસીઓમાં ઔપચારિક શિક્ષણ ભલે ઓછું હોય, પરંતુ કુદરત પ્રત્યેનો આદર અને પર્યાવરણની સમજ અદ્ભુત હોય છે. સમુદાયની માલિકીનાં વાસણો, સ્થાનિક અને કુદરતી ખોરાક, મર્યાદિત જરૂરિયાતો અને સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ — આ બધું તેમને બતાવતું હતું કે ટકાઉ જીવનશૈલી શું હોય છે. એટલે સ્થાનિક લોકો પાસેથી તેમને ઘણું શીખવા મળ્યું. પરંતુ સાથે સાથે તેમણે એ પણ જોયું કે બહારથી આવતા પ્રભાવ અને વધતા પ્રવાસનને કારણે આ પરંપરાગત જીવનપદ્ધતિમાં પરિવર્તન આવી રહ્યું હતું. પ્લાસ્ટિક અને અન્ય નૉન-બાયોડીગ્રેડેબલ (બિનજૈવિક) કચરો હિમાલયના નિર્મળ પર્યાવરણને ધીમે-ધીમે પ્રદૂષિત કરી રહ્યો હતો. શહેરના જીવનમાંથી આવેલા પ્રદીપ કઠોર ઠંડી, બરફ અને એકાંત માટે તૈયાર નહોતા. શહેરના લોકો માટે ગરમી સહન કરવી આસાન હોય છે, પરંતુ અતિશય ઠંડી અસહ્ય બની જતી હોય છે. ગામના લોકો જ્યાં શિયાળાની તૈયારીઓમાં વ્યસ્ત હતા, ત્યાં તેઓ સામાન્ય જૂતાં પહેરીને બરફમાં ચાલવાનો પ્રયત્ન કરતા હતા. આ અનુભવથી તેમણે નમ્રતા, ધીરજ અને પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડવાની કળા શીખી. પોતે વાતાવરણમાં ટ્રેઇન થઈ રહ્યા હતા અને સાથે સાથે હિમાલયને સાફ કરવાનું કામ પણ ચાલી રહ્યું હતું. થોડાક સ્વયંસેવકો સાથે તેમણે જૂટની થેલીઓ લઈને ટ્રેકિંગ માર્ગો પરથી કચરો એકત્રિત કરવાનો પ્રારંભ કર્યો. આ નાનકડો પ્રયાસ પછીથી ‘હીલિંગ હિમાલયઝ’ નામની ચળવળમાં પરિવર્તિત થયો.
વર્ષો દરમ્યાન આ અભિયાન દ્વારા લાખો કિલોગ્રામ નૉન-બાયોડીગ્રેડેબલ કચરો એકત્રિત કરવામાં આવ્યો અને એને રિસાઇકલિંગ માટે મોકલવામાં આવ્યો, પરંતુ પ્રદીપનું કામ માત્ર સફાઈ પૂરતું મર્યાદિત નથી. તેઓ શાળાઓ, ગામડાંઓ અને સ્થાનિક સમુદાયો સાથે મળીને પર્યાવરણ જાગૃતિ ફેલાવે છે. તેનો સંદેશ સરળ છે — હિમાલયને માણવો હોય તો એને સાચવવો પણ પડશે. પોતાની પાણીની બૉટલ સાથે રાખવી, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, કચરો પાછો લઈને આવવો અને અનાવશ્યક વસ્તુઓનો ત્યાગ કરવો જેવી નાની બાબતો પણ મોટા પરિવર્તનનું કારણ બની શકે છે. પ્રદીપ સાંગવાન અને તેમની ટીમે ૧૦૦૦ કરતાં વધારે ક્લીન-અપ ડ્રાઇવનું આયોજન કર્યું છે તેમ જ પહાડો પરથી અંદાજે ૨૦૦૦ ટનથી વધુ કચરો દૂર કર્યો છે. લોકો તેમને માઉન્ટન ક્લીનર તરીકે પણ ઓળખે છે, કારણ કે તેઓ માને છે કે ‘પહાડો આપણને ઘણું આપે છે, હવે એમને પાછું આપવાનો સમય છે.’
