પત્ની સાથે વિશ્વભ્રમણ માટે ભેગા કરેલા પચીસ લાખ રૂપિયા નાગપુરના નિવૃત્ત બૅન્ક-કર્મચારીએ વાઇફના અવસાન પછી ભારતીય સેનાને અર્પણ કરી દીધા
શ્રીકાંત સહસ્રબુદ્ધ
માનવીય સંવેદના, પ્રેમ અને રાષ્ટ્રભક્તિનો એક અનોખો અને હૃદયસ્પર્શી કિસ્સો મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં બન્યો છે. અહીં રહેતા એક નિવૃત્ત બૅન્ક-કર્મચારીએ પોતાની દિવંગત પત્નીની યાદમાં ૨૫ લાખ રૂપિયા ભારતીય સેનાને દાનમાં આપી દીધા છે. આ ભાવુક અને પ્રેરણાદાયી નિર્ણય પાછળ છુપાયેલા વિરહ અને ઉદારતાની વાર્તાએ સોશ્યલ મીડિયા સહિત સમગ્ર દેશમાં લોકોનાં દિલ જીતી લીધાં છે.
મળતી માહિતી મુજબ પંજાબ નૅશનલ બૅન્ક (PNB)માંથી નિવૃત્ત થયેલા શ્રીકાંત સહસ્રબુદ્ધે અને તેમનાં પત્ની બન્ને એક જ બૅન્કમાં કાર્યરત હતાં. નિવૃત્તિ પછીના જીવનને માણવા અને સાથે મળીને સમગ્ર વિશ્વનો પ્રવાસ કરવા માટે આ દંપતીએ વર્ષો સુધી પ્રોવિડન્ટ ફન્ડ (PF) અને અન્ય ભથ્થાંમાંથી મોટી રકમ બચાવી રાખી હતી. જોકે વિધાતાના લેખ કંઈક જુદા જ હતા. આજથી બરાબર ૧૦ વર્ષ પહેલાં તેમનાં પત્નીનું આકસ્મિક અવસાન થતાં શ્રીકાંતભાઈ સાવ એકલા પડી ગયા હતા અને તેમનું વિશ્વભ્રમણનું સપનું તૂટી ગયું હતું. પત્નીના નિધન બાદ પ્રવાસ કરવાની તેમની તમામ ઇચ્છાઓ મરીપરવારી હતી અને આ બચતની રકમ છેલ્લા એક દાયકાથી બૅન્ક-અકાઉન્ટમાં એમનેમ પડી રહી હતી.
ADVERTISEMENT
તાજેતરમાં શ્રીકાંતભાઈના મોબાઇલ પર એક વૉટ્સઍપ-મેસેજ આવ્યો હતો જેમાં અકોલાની એક વ્યક્તિએ એક સામાજિક કાર્ય માટે ૧ કરોડ રૂપિયાનું માતબર દાન આપ્યું હોવાનો ઉલ્લેખ હતો. આ અહેવાલે શ્રીકાંત સહસ્રબુદ્ધેને નવી પ્રેરણા આપી. તેમણે વિચાર્યું કે ભલે મારી પાસે ૧ કરોડ રૂપિયા જેટલી મોટી રકમ નથી, પરંતુ હું મારી ક્ષમતા મુજબ યોગદાન તો આપી જ શકું છું. આખરે તેમણે વિશ્વભ્રમણ માટે રાખેલી રકમમાંનો અડધો ભાગ એટલે કે ૨૫ લાખ રૂપિયા દેશની રક્ષા કરતા સૈનિકોના કલ્યાણ અર્થે ભારતીય સેનાને સોંપવાનો મક્કમ નિર્ણય કરી લીધો.
આ ભાવુક ક્ષણને યાદ કરતાં શ્રીકાંત સહસ્રબુદ્ધેએ ભારે હૈયે જણાવ્યું હતું કે ‘જ્યારે હું દાનનો ચેક આપી રહ્યો હતો ત્યારે મારી આંખમાંથી આંસુ રોકાતાં નહોતાં. હું ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો. પત્ની ગયા પછી મારું જીવન ઝીરો થઈ ગયું હતું. અમે જે સપનું સાથે જોયું હતું એ પૂરું ન થઈ શક્યું, પણ મને આશા છે કે આ રકમ દેશના વીર જવાનોને કામ આવશે અને એનાથી મને એવો જ આનંદ અને સંતોષ મળશે જે મને મારી પત્ની સાથે દુનિયાભરમાં ફરવાથી મળવાનો હતો.’
