આવો ચુકાદો આપ્યા છતાં એક કેસમાં વિશેષ અધિકારનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટે વળતર વધારી આપ્યું, પણ સ્પષ્ટતા કરી કે આવા અકસ્માતની જવાબદારી વીમા-કંપની કે સુધરાઈ પર ઢોળી ન શકાય
ઘટનાસ્થળનું દૃશ્ય
અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ચોમાસા દરમ્યાન વાહન પર વૃક્ષ પડવાની ઘટનાને ‘યુઝ ઑફ મોટર વ્હીકલ’ અંતર્ગત થતા અકસ્માતમાં ન ગણી શકાય અને એના હેઠળ મોટર વ્હીકલ્સ ઍક્ટ, ૧૯૮૮ની કલમ ૧૬૬ હેઠળ વળતર પણ ન માગી શકાય. જોકે સુપ્રીમ કોર્ટે એના વિશેષાધિકારનો ઉપયોગ કરીને આવી ઘટનાનો ભોગ બનનારા પીડિતને ૧૭.૧૦ લાખ રૂપિયાના વળતરને વધારીને ૨૫ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
૨૦૦૭માં બનેલી ઘટનામાં કે. કે. ઉમેશ કુમાર ઑટોરિક્ષામાં બૅન્ગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમથી ક્વીન્સ રોડ જઈ રહ્યો હતો ત્યારે ઑટોરિક્ષા પર ઝાડ તૂટી પડ્યું હતું અને એમાં તે ઈજા પામ્યો હતો. કર્ણાટક હાઈ કોર્ટે આ ઘટનાની જવાબદારી મ્યુનિસિપલ કૉર્પોરેશનને, ઇન્શ્યૉરન્સ કંપની અને કર્ણાટક સરકારના સંબંધિત વિભાગને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે એ માટે ત્રણેય સંસ્થા જવાબદાર ન હોવાનું કહીને આ ઘટનાને ‘ઍક્ટ ઑફ ગૉડ’ એટલે કે કુદરતી આફત ગણાવી હતી. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પીડિતને વધુ વળતર આપવાનો આદેશ પણ આપ્યો હતો.
