૧૮૮૦ની ૩ જાન્યુઆરીએ વહેલી સવારે ઠાણેની જેલની કોટડીમાંથી બહાર કાઢીને મારા હાથે-પગે બેડીઓ પહેરાવવામાં આવી
છત્રપતિ શિવાજી મહારાજ
સ્થળ : પાલવા બંદર પર છત્રપતિ શિવાજી મહારાજના પૂતળા નજીકનો બગીચો.
દિવસ : ૨૦૧૫ પછીનો કોઈ
પણ દિવસ.
સમય : મધરાત.
સંત્રી : છત્રપતિ શિવાજી મહારાજ યાંચા વિજય અસો!
પંચપુરુષની પધરામણી :
છત્રપતિ : પધારો, પધારો, મારી માતૃભૂમિના સપૂતો, પધારો.
(પાંચે જણ ‘માનાચા મુજરા’ કરીને આસન ગ્રહણ કરે છે)છત્રપતિ : આપણી આ માયભૂમિને સ્વતંત્ર કરવા માટે આપ સૌએ અનન્ય ભોગ આપ્યો છે એ હું જાણું છું, પણ આજે આપને મોઢે આપની વાત સાંભળવાની અમારી ઇચ્છા છે.
વાસુદેવ બળવંત ફડકે : છત્રપતિનો જય હો! ૧૮૮૦ની ૩ જાન્યુઆરીએ વહેલી સવારે ઠાણેની જેલની કોટડીમાંથી બહાર કાઢીને મારા હાથે-પગે બેડીઓ પહેરાવવામાં આવી. મેં બહાર જોયું તો અધિકારીઓ દોડાદોડી કરતા હતા. થોડી વારે જેલનો અડીખમ દરવાજો ખૂલ્યો અને મને બહાર જેલરની ઑફિસમાં લઈ ગયા. અધિકારીઓએ કાગળ-પત્રોની આપ-લે કરી, સહી-સિક્કા કર્યા. જેલના રજિસ્ટરમાં મારી પણ સહી લીધી. પછી એક અધિકારીએ બંધ કવરમાંથી એક કાગળ કાઢીને વાંચ્યો : ‘મિસ્ટર વાસુદેવ બળવંત ફડકે... કન્વિક્ટેડ ફૉર લાઇફ... હૅન્ડેડ ઓવર ટુ આર્મી પોલીસ ફૉર ટ્રાન્સપોર્ટેશન ટુ એડન સેન્ટ્રલ પ્રિઝન.’ અમારો વરઘોડો પહોંચ્યો ઠાણે સ્ટેશન. ત્યાંથી માઝગાવ બંદર. તેહરાન નામની આગબોટ પર મને ચડાવી દીધો. લંગર ઊપડ્યું. બેડી પહેરેલા હાથ મહામહેનતે મેં જોડ્યા અને બોલ્યો : ‘હે ભારતમાતા, હવે ક્યારેય ફરી આપનાં દર્શન થવાનાં નથી. એક દિવસ મારી માતૃભૂમિ મુક્ત થશે, મને ખાતરી છે, પણ હવે કિનારો દેખાતો બંધ થવાની તૈયારીમાં છે. મા, તુઝે સલામ!
મંત્રી : મહારાજ, એડન ગયા પછી અભેદ્ય કિલ્લા જેવી જેલમાંથી વાસુદેવરાવ ભાગી શક્યા હતા, પણ થોડા વખતમાં પકડાઈ ગયા અને ફરી એ જ જેલમાં સિતમની ચક્કીમાં પિસાયા. જેલની હૉસ્પિટલમાં જ ૧૮૮૩ની ૧૭ ફેબ્રુઆરીએ તેમનો દેહાંત થયો.
છત્રપતિ : પણ તેમનો ગુનો શું હતો?
મંત્રી : આપખુદ પરદેશી શાસનનો સશસ્ત્ર વિરોધ.
છત્રપતિ : એમાં ગુનો ક્યાં આવ્યો? આપખુદશાહીનો વિરોધ કરવો એ તો દરેક નાગરિકની ફરજ છે.
મંત્રી : હા મહારાજ, પણ પરદેશીઓ એમ નહોતા માનતા, એટલે વાસુદેવરાવનો ભોગ લીધો. પણ આજેય આ સ્વાતંત્ર્યસેનાની મુંબઈમાં હાજર છે, સદેહે નહીં તો પૂતળારૂપે. લોકો જેને ધોબી તળાવ તરીકે ઓળખે છે એનું નામ પાડ્યું છે પરમ ક્રાન્તિવીર વાસુદેવ બળવંત ફડકે ચોક. ત્યાં મૂક્યું છે તેમનું પૂતળું.
છત્રપતિ : આપના જેવા સ્વાતંત્ર્યવીરોથી જ આપણો દેશ ઊજળો છે, વાસુદેવરાવ!
મંત્રી : છત્રપતિ, મોટા-મોટા અંગ્રેજ અમલદારો પણ જેમનાથી ડરતા એવા આ છે લોકમાન્ય ટિળક.

ADVERTISEMENT
બાળાસાહેબ ઠાકરે

બાબાસાહેબ આંબેડકર
ટિળક : સ્વરાજ્ય એ મારો જન્મસિદ્ધ હક છે અને હું એ મેળવીને જ જંપીશ. હા, મેં આમ કહ્યું હતું, પણ હું જીવ્યો ત્યાં સુધી એ હક મેળવી ન શક્યો, પણ મેં જ્યારે મોહનદાસ કરમચંદ ગાંધીને જોયા ત્યારે મને ખાતરી થઈ કે આ માણસ મારા દેશને આઝાદી અપાવીને જ જંપશે. હા, અમારી વચ્ચે મતભેદ હતા, પણ મનભેદ નહોતા. અંગ્રેજ સરકારે ત્રણ-ત્રણ વખત મારા પર ‘સેડેશન’નો આરોપ મૂકીને કેસ કર્યા. બે વખત સજા થઈ. એક વખત મંડાલેની જેલમાં મોકલ્યો. એ વખતે આંદામાનની જેલ જેટલી જ ખરાબ એ જેલ ગણાતી. આ જેલવાસે મારી તબિયતની વાટ લગાડી. ૧૯૧૭માં નાશિકમાં એક ભાષણમાં મેં કહેલું એમ હું સ્વભાવે યુવાન છું. હા, મારું શરીર વૃદ્ધ થયું હશે, પણ એની અંદર એક તરુણ જીવે છે. એટલે હું ભલે ગમે એટલું જીવું, હું ઘરડો થવાનો નથી, કારણ હું જીવ્યો સ્વતંત્રતા માટે. સ્વતંત્રતાને નથી કોઈ હથિયાર કાપી શકતું, નથી એને અગ્નિ બાળી શકતો કે નથી એને પાણી ડુબાડી શકતું. અંગ્રેજો આપણા દેશમાં આવ્યા હતા મહેમાન બનીને, પણ પછી આપણા દેશના માલિક બની બેઠા. છત્રપતિ, આપણો દેશ આઝાદ થાય એ દિવસ હું જોઈ ન શક્યો.
મંત્રી : છત્રપતિ, ૧૯૨૦ની ૧ ઑગસ્ટે લોકમાન્ય કાળધર્મ પામ્યા. ક્રૉફર્ડ માર્કેટ નજીક આવેલા સરદારગૃહથી છેક ગિરગાંવ ચોપાટી સુધીની સ્મશાનયાત્રામાં બે લાખ લોકો જોડાયા હતા અને મહાત્મા ગાંધી આખા રસ્તે ઉઘાડા પગે ચાલ્યા હતા. હા, બ્રિટિશ સરકારે સુધ્ધાં બધા નિયમ નેવે મૂકીને લોકમાન્યના અંતિમ સંસ્કાર ચોપાટી પર કરવાની પરવાનગી આપી હતી. પછીથી એ જગ્યાએ લોકમાન્યનું પૂતળું મુકાયું.
છત્રપતિ : આજેય જીવે છે લોકમાન્ય, કેટલાયે દેશપ્રેમીઓના હૈયામાં.
મંત્રી : છત્રપતિ, આ છે નામદાર ગોપાળ કૃષ્ણ ગોખલે.
ટિળકને બેઠેલા જોઈને ઘડીભર અચકાય છે.
ટિળક : (ઊભા થઈને) પધારો ગોપાળરાવ.
ગોખલે : છત્રપતિ, આ બાળગંગાધર અને હું સાથે હતા અને છતાં સાથે નહોતા. અમારું ધ્યેય તો એક જ હતું, માભોમની આઝાદી. પણ ત્યાં સુધી પહોંચવાના અમારા રસ્તા જુદા હતા. અમે બન્ને મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજના વિદ્યાર્થી. અમે બન્ને ગણિતના અધ્યાપક બન્યા. અમે બન્નેએ ડેક્કન એજ્યુકેશન સોસાયટીમાં સાથે કામ કર્યું. ૧૮૯૫માં અમે બન્ને ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસના જોડિયા મંત્રી બન્યા. એ વખતે કૉન્ગ્રેસમાં બે જૂથ હતાં, જહાલ અને મવાળ. ટિળક જહાલ પક્ષના અગ્રણી, હું મવાળ પક્ષનો. પણ ધીમે-ધીમે અમારી વચ્ચેના મતભેદ ઊંડા થતા ગયા. ૧૯૦૭માં સુરતમાં કૉન્ગ્રેસનું અધિવેશન ભરાયું.
ટિળક : છત્રપતિ, ગોપાળરાવ રાસ બિહારી ઘોષને કૉન્ગ્રેસના પ્રમુખ બનાવવા માગતા હતા. જ્યારે હું અને મારા સાથીઓ લાલા લજપતરાયને એ સ્થાન મળે એ માટે બનતું બધું કરી છૂટવા માગતા હતા, પણ અધિવેશન માટે બાંધેલા મંડપમાં પથ્થરબાજી થઈ, ખુરસીઓ ફેંકાઈ, લાકડીઓ ઊછળી, ભાગદોડમાં કેટલાય પડ્યા-આખડ્યા. તેમનાં બૂટ-ચંપલ મેદાનમાં જ્યાં જુઓ ત્યાં દેખાતાં હતાં, પણ છત્રપતિ, એક ક્ષણ હું ક્યારેય ભૂલી શકું નહીં, મારા વિરોધીઓનું ટોળું મને મારવા માટે સ્ટેજ પર ધસી આવતું હતું. એ જોઈને આ ગોપાળરાવ સ્ટેજ પર આવીને મારી ઢાલ બનીને મારા પડખે ઊભા રહ્યા અને મારો જીવ બચાવ્યો.
ગોખલે : છત્રપતિ, અમે એકબીજાના હરીફ હતા, દુશ્મન નહોતા. અમારું સપનું તો એક જ હતું; હિન્દુસ્તાનને સુખી, સમૃદ્ધ અને સ્વતંત્ર જોવાનું.
મંત્રી : છત્રપતિ, મહાત્મા ગાંધી ગોખલેને પોતાના રાજકીય ગુરુ માનતા હતા. ૧૯૧૫માં સાઉથ આફ્રિકાથી પાછા આવ્યા પછી તેઓ ગોખલેએ સ્થાપેલા સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીમાં જોડાવાનું વિચારતા હતા, પણ ત્યાં તો ૧૯૧૫ની ૧૯ ફેબ્રુઆરીએ ગોખલેજીનું નિધન થયું અને ગાંધીજીએ ‘એકલા ચલો રે’નો માર્ગ અપનાવ્યો.
ગોખલે : મોહનદાસ ગાંધી સર્જાયા હતા મહાત્મા ગાંધી બનવા માટે. કોઈ સોસાયટીમાં બંધાય તો તે ગાંધી શાના?
મંત્રી : છત્રપતિ, હવે પધારે છે એક અર્થશાસ્ત્રી, કાયદાશાસ્ત્રી, બંધારણનિષ્ણાત, સમાજના છેવાડે રહેલા માણસોના નેતા અને ઉદ્ધારક, બાબાસાહેબ આંબેડકર. જેમની અંગત લાઇબ્રેરીમાં ૫૦,૦૦૦ કરતાં વધુ પુસ્તકો હોય એવા વિદ્વાન નેતા.
છત્રપતિ : પધારો, બાબાસાહેબ!

વાસુદેવ બળવંત ફડકે અને ગોપાળ કૃષ્ણ ગોખલે.
બાબાસાહેબ : છત્રપતિ, મારી કારકિર્દીની શરૂઆત થઈ મુંબઈમાં. ગવર્નમેન્ટ લૉ કૉલેજનો બે વર્ષ પ્રિન્સિપાલ રહ્યો. મારા ક્ષરદેહનો વિલય થયો એ પણ મુંબઈના વરલીના દરિયાકિનારા નજીક. દેશ-પરદેશમાં ઘણું ભણ્યો, ડિગ્રીઓ મેળવી. દેશના રાજકારણમાં પડ્યો. ચૂંટણીઓ લડ્યો, હાર્યો અને જીત્યો. આઝાદી પછી દેશનું બંધારણ ઘડવામાં નિમિત્ત બન્યો. પણ રાત-દિવસ મને સતત ચિંતા રહેતી હતી મારા દલિત બાંધવો અને બહેનોની. પરદેશમાં ભણીગણીને પાછો આવ્યો અને ગાયકવાડી વડોદરાની નોકરીમાં જોડાવાનું આમંત્રણ મળ્યું એ સ્વીકાર્યું. પણ હું દલિત સમાજનો એટલે ડગલે ને પગલે મારે અપમાન-અન્યાય સહન કરવાં પડ્યાં. પછી મુંબઈની સિડનહૅમ કૉલેજમાં જોડાયો. ત્યાં પાણી પીવા માટે મારો ગ્લાસ અલગ રખાતો હતો. એને બીજું કોઈ અડતું પણ નહીં. પછી તો પાર્લમેન્ટમાં બેઠો, સેન્ટ્રલ ગવર્નમેન્ટનો મિનિસ્ટર થયો. પણ હું સતત વિચારતો હતો કે મારા દલિત બાંધવોને બંધનમુક્ત કરવા કઈ રીતે? ઘણું વાંચ્યા-વિચાર્યા પછી મને જવાબ મળ્યો, હિન્દુ ધર્મનો ત્યાગ. આ ધર્મમાં રહીને દલિતો ક્યારેય હક કે માન-સન્માન નહીં મેળવી શકે એમ મને લાગ્યું અને મેં બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનું નક્કી કર્યું. ૧૯૫૬ની ૧૪ ઑક્ટોબરે નાગપુરમાં મેં અને મારી પત્નીએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. એ વખતે મારા પાંચ લાખ જેટલા અનુયાયીઓ પણ બૌદ્ધ બન્યા. પછી તો કારવાં આગે બઢતા ગયા, પણ હજી આજેય મંજિલ દૂર છે એ હું જાણું છું.
મંત્રી : છત્રપતિ, બાબાસાહેબના અવસાન પછી ૧૯૯૦માં ભારત સરકારે તેમને ‘ભારત રત્ન’ના સર્વોચ્ચ બહુમાનથી નવાજ્યા હતા. મુંબઈમાં મંત્રાલય નજીક તેમનું પૂતળું મુકાયું છે.
છત્રપતિ : આ ‘મંત્રાલય’ એ વળી શું છે? ત્યાં મંત્ર-તંત્ર થાય છે?
મંત્રી : ના, જી. જ્યાં મારા જેવા મંત્રીઓનું કાર્યાલય આવેલું છે એ મંત્રાલય. પહેલાં સચિવાલય કહેતા, એ પહેલાં સેક્રેટેરિયેટ.
છત્રપતિ : ઓહો, તો તો ત્યાં રોજેરોજ લોકોનું ભલું થાય એવાં કામ થતાં હશે, ખરુંને!
મંત્રી (સવાલનો જવાબ આપવાનું ટાળે છે) : હવે પધારે છે હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે.
ઠાકરે : સાષ્ટાંગ દંડવત્ પ્રણામ, છત્રપતિ! આપના ભગવા ઝંડાને આખા મહારાષ્ટ્રમાં ફરકાવવા માટે મેં મારું જીવન હોડમાં મૂક્યું હતું, પણ એ પહેલાં અમારે સંયુક્ત મહારાષ્ટ્ર માટે ખાસ્સી લાંબી ચળવળ ચલાવવી પડી હતી. મારા પક્ષનું નામ શિવસેના, એટલે કે આપની સેના. ધનુષબાણ એ અમારું નિશાન. મરાઠી માણૂસની આન, બાન, શાન એ અમારું ધ્યેય. મારી કારકિર્દીની શરૂઆત મેં એક છાપામાં કાર્ટૂનિસ્ટ તરીકે કરી હતી અને પછી આખી જિંદગી કાર્ટૂન જેવાઓ સામે લડ્યો.
ફડકે, ટિળક, ગોખલે, આંબેડકર, ઠાકરે : અરે, આપણે બધા પોતપોતાનું સ્થાન છોડીને અહીં છત્રપતિની છાયામાં ભેગા થયા છીએ, પણ મહાત્મા ગાંધી ક્યાં?
મંત્રી : તેઓ તો બેઠા છે જુહુના દરિયાકિનારે, પલાંઠી વાળીને, મૌન ધારણ કરીને. આંખો બંધ છે એટલે જોતા કશું નથી, પણ જાણે છે બધું જ. ધ્યાનથી સાંભળશો તો ક્યારેક નિ:સાસા જેવો શબ્દ સંભળાશે, ‘હે રામ!’
છત્રપતિ : આજની આ વિશેષ પરિષદ સંકેલતાં પહેલાં આપણે સૌ સાથે મળીને ગાઈએ :
જય જય મહારાષ્ટ્ર માઝા, ગર્જા મહારાષ્ટ્ર માઝા.


