ન્યુ ઝીલૅન્ડ તમામ દુનિયામાંથી સાહસિકોને આકર્ષે છે. પર્વતારોહણ, ટ્રેકિંગ, સર્ફિંગ, સ્કાય-ડાઇવિંગ બધી જ સાહસિક પ્રવૃત્તિઓ માટે સ્વર્ગ સમાન છે આ દેશ. સાહસોની વાત આવે ત્યારે સાહજિક રીતે જ ન્યુ ઝીલૅન્ડ ચર્ચાનો મુખ્ય વિષય હોય જ. સાહસો માટે આખા વિશ્વનું...
શિયાળાના આગમનના છડીદાર પીળાં પડી રહેલાં પર્ણો.
ગયા અઠવાડિયે લખ્યા મુજબ ન્યુ ઝીલૅન્ડ પ્રકૃતિ સાથે બને એટલું તાદાત્મ્ય સાધીને વિકસિત થયેલો દેશ છે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવનધોરણ અને મા પ્રકૃતિના મહત્ત્વને સમજનાર દુનિયાનો અનોખો એકમાત્ર દેશ છે આ.
અહીં માણસ કરતાં ઘેટાં વધારે છે, ખરેખર. ન્યુ ઝીલૅન્ડની વસ્તી જાણવી છે? જૂન ૨૦૨૩ની વસ્તીનું સરકારી અનુમાન છે ૫૨,૨૩,૦૦૦ લોકો. બસ? હા જી, ફક્ત ૫૨,૨૩,૦૦૦ જ, જેમાં સ્ત્રીઓ પુરુષો કરતાં આંશિક સરસાઈ ધરાવે છે. ઈસવી સન ૨૦૧૮માં અમે મુલાકાત લીધી ત્યારે વસ્તી હતી ૪૭ લાખ જેટલી. મેં જ્યારે વાંચ્યું ત્યારે તો હસવું આવી ગયું હતું. આપણા મુંબઈનાં ત્રણ ઉપનગરો, ફક્ત ત્રણ ઉપનગરો પણ લઈ લો તો આખા ન્યુ ઝીલૅન્ડની વસ્તી આવી જાય. મલાડ, કાંદિવલી, બોરીવલી લઈ લો. ૫૦ લાખ માણસો નહીં હોય? આ ઓછી વસ્તીનો પણ ન્યુ ઝીલૅન્ડને વિકસિત દેશ બનાવવામાં મોટો ફાળો છે. આગળ લખ્યા મુજબ પશુપાલન, માછીમારી, ડેરી ઉદ્યોગ મુખ્ય વેપારી પ્રવૃત્તિઓ. આ ઉપરાંત પ્રવાસન ઉદ્યોગ પણ ખરા.
ન્યુ ઝીલૅન્ડ તમામ દુનિયામાંથી સાહસિકોને આકર્ષે છે. પર્વતારોહણ, ટ્રેકિંગ, સર્ફિંગ, સ્કાય-ડાઇવિંગ બધી જ સાહસિક પ્રવૃત્તિઓ માટે સ્વર્ગ સમાન છે આ દેશ. સાહસોની વાત આવે ત્યારે સાહજિક રીતે જ ન્યુ ઝીલૅન્ડ ચર્ચાનો મુખ્ય વિષય હોય જ. સાહસો માટે આખાયે વિશ્વનું મધ્યબિંદુ એટલે ન્યુ ઝીલૅન્ડ. મુખ્ય આકર્ષણ. ઈસવી સન ૨૦૧૮માં જેવો મોકો મળ્યો કે તરત ઝડપી લીધો. યુકે, ફ્રાન્સ, ઑસ્ટ્રિયાના અનુભવ પછી નક્કી જ કર્યું હતું કે દુનિયામાં જ્યાં પણ ફરવા જવું ત્યાં પહોંચીને ડ્રાઇવ કરીને જ ફરવું. ફ્રાન્સ, ઑસ્ટ્રિયા કહો કે લગભગ સમગ્ર યુરોપ લેફ્ટ હૅન્ડ ડ્રાઇવ છે; જ્યારે યુકે, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ આપણી જેમ જ રાઇટ હૅન્ડ ડ્રાઇવ છે એટલે જરા નિરાંત રહે. બ્રિટિશ હકૂમત હેઠળના દેશો ખરાને? અને ન્યુ ઝીલૅન્ડ તો જેટલું વાંચ્યું હતું, સાંભળ્યું હતું, જેમાં ડ્રાઇવ કરીને જ ફરાય એવો નિર્ણય લેવાઈ ગયો હતો અને આ નિયમ દર વખતની જેમ ફળ્યો.
ADVERTISEMENT
ન્યુ ઝીલૅન્ડ જનાર દરેકને આ મારો આગ્રહ છે અને રહેશે. ડ્રાઇવ કરીને જ ફરજો. આવાં બધાં સાહસો ન હોય તો જીવનમાં રસ કેમ કરીને ટકી શકે? નવો દેશ, નવા લોકો, નવી સંસ્કૃતિ, નવા રીતિરિવાજો, નવી ભૂગોળ એ બધાં પરિબળોથી વાકેફ તો રહેવું જ પડેને. આ બધાનો રોમાંચ અલગ છે અને સાહસિકોને તો વળી વિશેષ રોમાંચ હોય જ. ફટાફટ નક્કી કરી નાખ્યું. મે મહિનાની આખરની તારીખો બધાને ફાવી રહી હતી. હવે તો મોકો છોડવાનો પ્રશ્ન જ નહોતો. બધાનાં લૅપટૉપ ખૂલી ગયાં, ઇન્ટરનેટ પર કલાકો વીતવા લાગ્યા. રૂપરેખા બની રહી હતી. દિવસો વધતા જતા હતા. ૧૨ દિવસની રૂપરેખા ધીમે-ધીમે ૧૮ દિવસ સુધી પહોંચી ગઈ હતી. આકર્ષણ વધી જ રહ્યાં હતાં. ૧૮ દિવસ પણ ઓછા લાગી રહ્યા હતા.
આધુનિક રસ્તાઓ પર ઠાઠમાઠથી મહાલતી 20મી સદીની ગાડી.
છેક ઈસવીસન ૧૮૩૬માં સ્થપાયેલા ન્યુ ઝીલૅન્ડનું પહેલું ‘ક્રાઇસ્ટ ચર્ચ’
થોડી ભૂગોળની વાત કરું. ચોતરફ પૅસિફિક મહાસાગરથી ઘેરાયેલો આ દેશ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલો છે. ઉત્તરી ટાપુ અને દક્ષિણી ટાપુ એટલે કે નૉર્થ આઇલૅન્ડ અને સાઉથ આઇલૅન્ડ. આ બન્ને હિસ્સાની વચ્ચેથી પસાર થાય છે કુક સામુદ્રધુની. એક હિસ્સાથી બીજા હિસ્સામાં પ્રવેશવા માટે આ સામુદ્રધુની ઓળંગવી જ પડે. પૅસિફિક મહાસાગરનું નાનું સ્વરૂપ જોઈ લો.
ન્યુ ઝીલૅન્ડનું ભૌગોલિક સ્થાન, પૃથ્વીના ગોળામાં જોશો તો સૌથી નીચે દક્ષિણમાં જોવા મળશે. પૅસિફિક મહાસાગરની વચ્ચે એક નાની ઊભી પટ્ટી દેખાઈ આવશે. આ છે આપણું ન્યુ ઝીલૅન્ડ, જેને ન્યુ ઝીલૅન્ડ - ડાઉન અન્ડર પણ કહેવામાં આવે છે. ડાઉન અન્ડર એટલે દક્ષિણે આવેલો સૌથી નીચાણમાં વસેલો દેશ. પૅસિફિક મહાસાગરની વિશાળતા, સતત બદલાતી આબોહવા, અનિશ્ચિત હવામાનનો સાક્ષી કહો કે શિકાર કહો એવો આ દેશ ન્યુ ઝીલૅન્ડ ખરા અર્થમાં ડાઉન અન્ડર છે. અહીંનું ઋતુચક્ર આપણાથી વિપરીત છે. અનિશ્ચિતતા તો ખરી જ, પરંતુ શિયાળો અહીં જૂન મહિનામાં બેસે છે અને ઉનાળો નવેમ્બરમાં. આપણાથી તદ્દન જુદો સમય, જુદા મહિના. શિયાળો આકરો ખરો, ખાસ કરીને સાઉથ આઇલૅન્ડમાં. આમ તો ન્યુ ઝીલૅન્ડ અંદાજે નાના-મોટા ૫૦૦ ટાપુઓનો બનેલો દેશ છે, પરંતુ મુખ્ય વિભાગો એટલે આ નૉર્થ અને સાઉથ આઇલૅન્ડ ગણાય.
અમે મે મહિનાની આખરનો સમયગાળો પસંદ કર્યો હતો. ઉનાળાની વિદાય અને શિયાળાનું આગમન વધાવવું તો પડે જને? આદત મુજબ આયોજન ચાલુ થઈ ગયું. ચેકલિસ્ટ બની ગયું. યાદી બનતી ગઈ, બદલાતી ગઈ. શિયાળો નડે નહીં એ માટે પહેલાં સાઉથ આઇલૅન્ડ અને પછી નૉર્થ આઇલૅન્ડને લાભ આપવાનું નક્કી કર્યું. સાથે લેવાની ચીજોની યાદી લાંબી થતી ચાલી. વાદવિવાદ વધતા રહ્યા, પરંતુ આ બધાની સાથે-સાથે પ્રવાસનો રોમાંચ વધતો ગયો. વળી આ એક ખાસમખાસ દેશ પણ ખરો. ટાપુ હોવાને કારણે અહીંની સરકાર, દેશમાં શું-શું વસ્તુઓ આવે છે, લાવવામાં આવે છે એ બાબતમાં ખૂબ સજાગ છે.
આધુનિકતા અને પરંપરાનો સમન્વય બૅન્ક ઑફ ન્યુ ઝીલૅન્ડનું વીસમી સદીનું મકાન.
દેશની કુદરતી સંપદા માટેનાં અનેક જોખમોને કારણે ન્યુ ઝીલૅન્ડમાં તમે ઘણી વસ્તુઓ લઈ જઈ શકતા નથી. કોઈ પણ પ્રકારનાં છોડ, બિયારણ, ઠળિયા, વનસ્પતિજન્ય પેદાશ વગેરે વસ્તુઓ અહીં લાવવી ગેરકાનૂની છે. લાવવાની પરવાનગી નથી. રખેને કાંઈક ઊંધું થાય તો અહીંની સ્થાનિક વનસ્પતિઓ, જૈવિક વિવિધતાઓ પર ઘણી આકરી અસર થવાના ચાન્સ વધી જાય. અસ્તિત્વ નેસ્તનાબૂદ પણ થઈ શકે. આવા ટાપુઓના તો અનેક કિસ્સા છે.
બહુ જ સંવેદનશીલ ભૌગોલિક વાતાવરણ હોવાને કારણે દુનિયાના તમામ ટાપુઓ પર આ જોખમ કાયમ તોળાયેલાં રહે ખરાં. ન્યુ ઝીલૅન્ડ કાંઈ અપવાદ નથી, પરંતુ શિસ્તબદ્ધ હોવાને કારણે ટકી ગયું છે. અપવાદરૂપ છે. ડ્રાઇવિંગ હૉલિડેઝની વાત જ અલગ છે. સંપૂર્ણ સ્વતંત્ર રૂપરેખા પ્રમાણે ફરી શકાય અને સ્થળને, પ્રદેશને, દેશને સારી રીતે માણી શકાય. એના થોડા નિયમો છે એ સખતપણે પાળવા રહ્યા અને તો જ પ્રવાસનો ખરો આનંદ માણી શકાય.
મારા પોતાના માટે બનાવેલા નિયમોની યાદી આ મુજબ છે. એ યાદીનો શોખીન વાચકોને ફાયદો મળશે એવી આશા.
૧. IDP (ઇન્ટરનૅશનલ ડ્રાઇવિંગ પરમિટ). આ તમને લોકલ આરટીઓમાંથી મળી જાય. આ એક અનિવાર્ય જરૂરિયાત છે.
૨. સલામત અને દુરસ્ત વાહન. આ પણ એક મહત્ત્વનો મુદ્દો છે. બને તો SUV અને એ પણ એકદમ સારી કન્ડિશનમાં હોય એવું જ વાહન લેવું, જેથી થોડી મોકળાશ અને સલામતી પણ અનુભવાય.
૩. સ્થાનિક નિયમોનું ચુસ્ત પાલન કરવાની તૈયારી અને નિયમોનું પ્રાથમિક જ્ઞાન. ન્યુ ઝીલૅન્ડ એકદમ જ શિસ્તપ્રિય દેશ છે એટલે ક્યારેક નાનામાં નાની ભૂલને કારણે પણ મોટી તકલીફ આવી પડે ખરી. આમાં ક્યારેક લાઇસન્સ જપ્ત કરવાથી લઈને ડિપોર્ટ કરવા સુધીની સજા પણ મળી શકે. માટે જ નિયમોનું ચુસ્ત પાલન અને થોડીઘણી મૂળભૂત જાણકારી ખૂબ જરૂરી છે.
૪. જો તમે એકલા જ ડ્રાઇવર હો તો કોઈ પણ પ્રકારનો નશો ટાળવો. કુટુંબની સુરક્ષાને પ્રાથમિકતા આપવી અને એ પ્રમાણે જ પ્રવાસનો આનંદ માણવો.
૫. પ્રદેશને, દેશને બરાબર જાણવો હોય, માણવો હોય અને સ્થાનિક સંસ્કૃતિને અનુભવવી હોય તો મુખ્ય માર્ગો ટાળવા. એક્સપ્રેસવે પર મુસાફરી કરવાનું ટાળવું. મુખ્ય માર્ગોથી, એક્સપ્રેસ રસ્તાઓથી સમય જરૂરથી બચે છે, પરંતુ ખરેખર તો કોઈ પણ દેશ તેના નાના-નાના જિલ્લાઓ કહો કે ગામડાંઓમાં જ ધબકે છે. અહીં જ એનું ખરું સ્વરૂપ છતું થાય છે. હું તો બને ત્યાં સુધી આંતરિક અંતરિયાળ રસ્તાઓ જ લઉં છું, જ્યાં ખરી સંસ્કૃતિ તમને પોંખવા તૈયાર જ હોય.
૬. બને તો જે દેશનો પ્રવાસ કરવાના હો એના વિશે, એની સંસ્કૃતિ વિશે, રીતિરિવાજો વિશે થોડો ઘણો અભ્યાસ કરીને જવું. જ્યારે તમે તેમની સાથે, તેમની બાબતે વાત કરશો અથવા તમને જાણકારી છે એ દર્શાવશો ત્યારે તેમને જે સુખદ આંચકો લાગશે અને તેઓ જે પ્રતિભાવ આપશે એ અપ્રતિમ હશે એ લખી રાખજો. તેમનું, તેમના દેશનું, સંસ્કૃતિનું તમારે મન આટલું મહત્ત્વ છે એ જાણીને તેઓ ખુલ્લા દિલથી તમને આવકારશે, ખૂલશે એ હું છાતી ઠોકીને સ્વાનુભાવે કહું છું.
નૉર્થ અને સાઉથ આઇલૅન્ડ્સને જોડતી કુક સામુદ્રધુની.
આમ સરળ તથા મહત્ત્વના ઉપરના નિયમો અને અનુકૂળ જવાબદાર વર્તન પ્રવાસને વધુ યાદગાર બનાવે છે એ સુવિદિત છે. આ ઉપરાંત પ્રાથમિક સારવારનાં સાધનો, સામાન્ય દવા, ગૉગલ્સ, કાર-ચાર્જર, એક્સ્ટ્રા ચશ્માં વગેરે વસ્તુઓનું ચેકલિસ્ટ આગોતરું બનાવવું અને જેમ-જેમ વસ્તુઓ મુકાતી જાય એમ ટિક મારતા જવું. કૅમેરા હોય તો લેન્સિસ, ટ્રાયપૉડ, ફ્લૅશલાઇટ, કૅમેરા જૅકેટ, સારાં શૂઝ, નાનો મૂવી કૅમેરા અથવા ડેશબોર્ડ કૅમેરા પણ પ્રવાસના આનંદના અનુભવને બેવડાવી શકે છે એ જાણશો. હવે સૌથી ખાસ વાત; ખુશમિજાજ સ્વભાવ, મલકતો ચહેરો, બોલકણી આંખો, મિલનસાર વર્તન એ બધું ખાસ એટલે કે એકદમ ખાસ જરૂરી ખરાં. હું તો ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન, નાની-નાની પરંપરાગત ડબ્બીઓ, પાઉચ, પર્સ પણ સાથે જ રાખું, સ્થાનિક બાળકોને વહેંચું કે સપોર્ટ સ્ટાફને ગિફ્ટ તરીકે પણ આપું. આ બધી વસ્તુઓ ઘણાં બધાં કામ સરળ બનાવી દે છે તો ક્યારેક અણધાર્યા પ્રતિભાવ પણ આનંદ પમાડી દે છે એ વળી નફામાં અભિવૃદ્ધિ. ધમધમાટ તૈયારી શરૂ થઈ ગઈ. જૅકેટ્સ, ગ્લવ્ઝ, કૅપ્સ બધું બહાર નીકળવા માંડ્યું, ગોઠવાવા લાગ્યું. પાસપોર્ટની એક્સ્ટ્રા ફોટોકૉપી, ટિકિટની ફોટોકૉપી, બધાના ફોટો - આવી રીતનો એક આખો એક્સ્ટ્રા સેટ બનાવી નાખ્યો, જે અલગથી ઇમર્જન્સી માટે, કામમાં આસાનીથી આવે એમ મુકાઈ ગયો. ન્યુ ઝીલૅન્ડની ભૂગોળની તો થોડી જાણકારી આપી.
જેમ-જેમ આગળ વધીશું એમ વધુ જાણકારી વહેંચતો રહીશ. હવે ઇતિહાસનો વારો. ન્યુ ઝીલૅન્ડના ઇતિહાસને થોડો જાણીએ. મિત્રો, આમ જોઈએ તો ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા બન્ને અંગ્રેજોએ જ વસાવેલા દેશ છે, પરંતુ બન્નેના લોકોમાં ફરક છે. ઑસ્ટ્રેલિયાના લોકો થોડા સ્વકેન્દ્રી, થોડા તોછડા લાગે. બ્રાઉન સ્કિનનો પણ ઑસ્ટ્રેલિયામાં પૂર્વગ્રહ ખરો, જ્યારે ન્યુ ઝીલૅન્ડમાં એવું નથી; ખૂબ જ હૂંફાળા, હસમુખા લોકો, મિલનસાર પણ ખરા. એમાં કદાચ ઉછેર પણ ભાગ ભજવે. ઑસ્ટ્રેલિયા આમ જોવા જઈએ તો ઇંગ્લૅન્ડ અને આયરલૅન્ડમાંથી ઈસવી સન ૧૭૮૭થી ૧૮૬૮ દરમ્યાન તડીપાર કરેલા ગુનેગારોનો દેશ છે. વહાણ ભરી ભરીને ગુનેગારોને ઑસ્ટ્રેલિયાની ધરતી પર ધકેલવામાં આવ્યા હતા. ગુનેગારોને તો મોકળું મેદાન મળી ગયું હતું, જેની છાંટ હજી પણ તેમના વંશજોમાં જોવા મળે છે. ન્યુ ઝીલૅન્ડમાં એવું નથી.
બ્રિટનને છોડીને વધુ સરસ સ્થળે સારી રીતે જીવન વિતાવવા માટે અહીં આવીને વસેલા સુસંસ્કૃત અંગ્રેજોની પસંદગીનો દેશ એટલે ન્યુ ઝીલૅન્ડ. પૅસિફિક મહાસાગરને ખૂંદતાં-ખૂંદતાં તત્કાલીન ડચ સંશોધક એબલ ટાસમાન આકસ્મિક રીતે જ ઈસવી સન ૧૬૪૨માં અહીં પહોંચી ગયા અને ઉતરાણ કર્યું હતું. સદીઓથી અહીં વસેલા સ્થાનિક માઓરી પ્રજાતિના યોદ્ધાઓએ તેમનો સશસ્ત્ર પ્રતિકાર કર્યો. બન્ને પક્ષે થોડી ખુવારી પણ થઈ, પરંતુ આવાં બધાં કારણોને હિસાબે સંશોધકોનો રસ ઓછો થઈ ગયો. શ્રીમાન એબલ ડચ એટલે કે નેધરલૅન્ડ્સના વતની હતા. તેમણે નેધરલૅન્ડ્સના સૌથી સુંદર વિસ્તાર ઝીલૅન્ડ પરથી આનું નામ આપ્યું ન્યુ ઝીલૅન્ડ એટલે કે નવું ઝીલૅન્ડ. પહેલાં સ્થાનિક માઓરીઓ આ દેશને આઓટેઆરોઆ કહેતા. આગળ લખ્યા મુજબ ખૂનામરકી પછી સંશોધકો લગભગ રસ લેતા બંધ થઈ ગયા.
ઈસવી સન ૧૭૬૯માં એટલે કે ૧૨૭ વર્ષ પછી મહાન બ્રિટિશ સંશોધક શ્રીમાન જેમ્સ કુકે તેમનાં દરિયાઈ સાહસ, મુલાકાત દરમ્યાન આખા ટાપુની માપણી કરી, સર્વે કર્યો અને નકશા પણ બનાવી નાખ્યા. આની સાથે જ બ્રિટનના લોકોને ન્યુ ઝીલૅન્ડનું જાણે ઘેલું લાગ્યું અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન જીવવા માટે હજારો કુટુંબ અહીં આવી વસ્યાં. હજી પણ માઓરીઓ સાથેનું ઘર્ષણ ચાલુ જ હતું. છમકલાં થતાં રહેતાં. ઈસવી સન ૧૮૪૦માં ન્યુ ઝીલૅન્ડની પરિસ્થિતિમાં ઐતિહાસિક વળાંક આવ્યો. અંગ્રેજો અને માઓરી નેતાઓ વચ્ચે સમાધાન થયું અને ૧૮૪૦ની ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ વાઇતંગીની સંધિ પર હસતાક્ષર થયા. અંગ્રેજો અને માઓરીઓએ હળીમળીને રહેવાનું નક્કી કર્યું. આ સંધિ થોડો સમય માટે જ સફળ નીવડી. અંગ્રેજોએ ઘણી જગ્યા લઈ લીધી એનો સ્થાનિક રહેવાસીઓએ સ્વાભાવિક રીતે વાંધો ઉપાડ્યો, પણ પછી ધીરે-ધીરે બધું થાળે પડી ગયું. ઈસવી સન ૧૮૪૧માં સંધિ પછી બ્રિટિશ હકૂમત હેઠળ આવેલું ન્યુ ઝીલૅન્ડ ધીમે-ધીમે ઠરીઠામ થવા લાગ્યું. સ્વતંત્ર નિર્ણય લેવાવા લાગ્યા. અહીં પણ વહીવટકારો અંગ્રેજો જ હતા.
ઈસવી સન ૧૮૯૩માં ન્યુ ઝીલૅન્ડ જગતનો પ્રથમ દેશ બન્યો, જેણે મહિલાઓને મતાધિકાર આપ્યો. ઇંગ્લૅન્ડમાં પણ હજી સુધી આવો અધિકાર મહિલાઓને નહોતો મળ્યો. ન્યુ ઝીલૅન્ડ પ્રસિદ્ધ થતું ચાલ્યું. વળી પાછી એક સિદ્ધિ. ઈસવી સન ૧૮૯૪માં ન્યુ ઝીલૅન્ડ લઘુતમ વેતન નક્કી કરનારો જગતનો પ્રથમ દેશ બન્યો. એક પછી એક સુધારા અમલમાં મુકાયા અને ૧૯૪૭ની ૨૫ નવેમ્બરે આખરે ન્યુ ઝીલૅન્ડ ઇંગ્લૅન્ડનાં ધારાધોરણ અપનાવનાર, પરંતુ સંપૂર્ણપણે સ્વતંત્ર દેશ બની ગયો. ઇંગ્લૅન્ડના રાજવંશનો સ્વીકાર અને એને સ્વાધીન પરંતુ સ્વતંત્ર દેશ. અત્યારે પણ ઇંગ્લૅન્ડના રાજવીઓ અહીંના પણ રાજવી કહેવાય છે. પરંતુ નક્કર વિચાર હંમેશાં સારાં પરિણામ
આપે જ છે. આપણી સાથે જ સ્વતંત્ર થનાર આ દેશ એના વિચારોને-સિદ્ધાંતોને વળગી રહ્યો છે અને વિકસિત રાષ્ટ્રોની હરોળમાં આવી ઊભો છે. તો વાચકમિત્રો, આ ઓળખ કરાવી ન્યુ ઝીલૅન્ડના ઇતિહાસની, ભૂગોળની અને મારી યાત્રાના આયોજન, ડ્રાઇવિંગ હૉલિડેઝની અગત્યની તકેદારીઓની. વધુ વિગતો સાથે પ્રવાસની શરૂઆત કરીશું આવતા અઠવાડિયાથી...

