અત્યારના સમયમાં છોકરાઓ જ નહીં, છોકરીઓને પણ વડીલોની વાત માનવી કે તેમની આજ્ઞા મુજબ ચાલવું ગમતું નથી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
એક વાત યાદ રાખજો, માણસો સારા હોય પણ વાસના ક્યારેય સારી હોતી નથી. વાસના તો આંધળી હોય અને એ આંધી જેવી પણ હોય. ક્યારે, કોને, ક્યાં ઉડાડી મૂકે એ કહેવાય નહીં એટલે પરિવારના પ્રૌઢજનોએ પોતાનાં પરિવાર અને સગાંવહાલાંઓનાં જુવાન સ્ત્રીપાત્રોની હંમેશાં રક્ષા કરવી ઘટે. ખાડામાં પડવાની છૂટને સ્વતંત્રતા ન કહેવાય અને ખાડામાં પડતાં અટકાવનારાં બંધનોને ગુલામી ન કહેવાય. પશુ માટે ખીલો મંગળકારી છે. ખીલે બંધાયેલું પશુ ખાણ અને રક્ષા પ્રાપ્ત કરે છે એમ જ જુવાની પણ જો સમય રહેતાં ખીલે બંધાઈ જાય તો રક્ષા અને સુખ મેળવે છે. ખીલે ન બંધાવું એ સ્વતંત્રતા નથી પણ હરાયાપણું છે. ઘરના-પરિવારના વડીલો પોતાના આશ્રિતોનો ખીલો છે. તેમની આજ્ઞામાં રહેવું એ ગુલામી નથી પણ સુરક્ષાકવચ છે.
અત્યારના સમયમાં છોકરાઓ જ નહીં, છોકરીઓને પણ વડીલોની વાત માનવી કે તેમની આજ્ઞા મુજબ ચાલવું ગમતું નથી. અવસ્થાના કારણે બહાર તો ખાસ જવાતું નથી પણ હું પેપરો વાંચું તો એમાંથી ઘણી ઘટનાઓ વાંચતી વખતે સમજાય કે જો વડીલોની આજ્ઞા માનવામાં આવી હોત, જો તેમની ભાવના સમજવામાં આવી હોત તો એ ઘટના ટાળી શકાઈ હોત. મૉડર્ન હોવું ખરાબ નથી. ઊલટું હું કહીશ કે એ અનિવાર્ય છે પણ મૉડર્ન બનવા માગતા કે બનીને રહેતા લોકોએ એ પણ સમજવું જોઈએ કે તમારી આધુનિકતાથી જન્મજાત સ્વભાવ બદલી નથી જતો. માણસ ગમેએટલી પ્રાર્થના કરે, વિનંતી કરે તો પણ પેટ્રોલ ક્યારેય પાણી નથી બનતું. જો પદાર્થ પોતાનો ધર્મ ચૂકે નહીં, જો પદાર્થ પોતાનો સ્વભાવ મૂકે નહીં તો પછી આપણે માણસ પાસેથી એવી અપેક્ષા કેમ રાખી શકીએ? એવી અપેક્ષા રાખવી ગેરવાજબી છે કે માણસમાં ખરાબી ન હોય. હા, એ ખરાબી ઓછી નુકસાનકર્તા હોય એવું ધારી શકાય, પણ ખરાબી તો ખરાબી જ છે.
ADVERTISEMENT
પારકી ખરાબી સામે બચવાના બે રસ્તા છે. એક તો છે જાગરૂકતા. પણ એ અનુભવે આવે. બહુ ઓછી જાગરૂકતા આત્મસૂઝથી આવે. પારકી ખરાબીથી બચવાનો બીજો રસ્તો છે, જાતે અનુભવ લેવાની વૃત્તિ છોડીને અનુભવીના જ્ઞાનને માન આપવું અને અનુભવી એટલે કે વડીલોના આદેશનું પાલન કરવું. આગળ કહ્યું એમ વડીલોની આજ્ઞામાં રહેવું એ ગુલામી નથી, સુરક્ષાકવચ છે.
એ પણ યાદ રાખવું, વડીલો અને સંતાનો વચ્ચે પણ એ આત્મીયતાનો નિખાલસ સંબંધ હોય તો ઘણા અનર્થોથી બચી શકાતું હોય છે.


