સાંભળવામાં ઓલ્ડ-ફૅશન લાગતું હશે પણ કરીના અને સૈફ તેમની હૅપી મૅરિડ લાઇફનું શ્રેય આ નુસખાને આપે છે. દર વર્ષે બર્થ-ડેના દિવસે તેઓ પોતાની ફીલિંગ્સ લખીને શૅર કરે છે ત્યારે કપલ્સ વચ્ચેની આ ઍક્ટિવિટી સંબંધોની સેવિયર કઈ રીતે બની શકે છે, એક્સપર્ટ પાસેથી જાણીએ
પ્રતીકાત્મક તસવીર
ટેક્નૉલૉજીના યુગમાં સંબંધોની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. થોડા સમય પહેલાં અભિનેત્રી કરીના કપૂરે એક રસપ્રદ સંવાદમાં જણાવ્યું હતું કે હું અને મારા પતિ સૈફ વર્ષોથી એક પરંપરા નિભાવી રહ્યાં છીએ, અમે બન્ને એકબીજાના જન્મદિવસ પર મોંઘી ગિફ્ટ આપવાને બદલે હાથેથી લખેલા પત્રો એકબીજાને આપીએ છીએ. આ નાનકડી લાગતી વાત ખરેખર તો આજના સમયમાં સંબંધોને સાચવવાની એક મોટી ફિલસૂફી છે. લાંબા ગાળાના સંબંધોમાં ઘણી વાર જીવનની જવાબદારીઓ અને હેક્ટિક રૂટીનને લીધે કપલ્સ એ ભૂલી જાય છે કે તેમણે એકબીજાને શા માટે પસંદ કર્યાં હતાં. સાઇકોલૉજિકલ ભાષામાં એને ઇમોશનલ ઍમ્નીઝિયા કહેવાય છે. પત્રોમાં લખાયેલા શબ્દો વિસરાઈ ગયેલા પ્રેમને જીવંત કરી શકે છે.
ઇમોશનલ ઍમ્નીઝિયા કેમ સર્જાય છે?
ADVERTISEMENT
કપલ્સમાં આવતી આ સિચુએશનને સરળ ભાષામાં ડીકોડ કરતાં ઘાટકોપરનાં અનુભવી કાઉન્સેલિંગ સાઇકોલૉજિસ્ટ અને રિલેશનશિપ કોચ હિતાક્ષી વ્યાસ જોશી કહે છે, ‘જ્યારે બે વ્યક્તિઓ એકબીજાના પરિચયમાં આવે ત્યારે શરૂઆતના દિવસોમાં એકબીજાની નાની-નાની આદતો, સ્વભાવ આકર્ષણનું કેન્દ્ર બને છે પણ લગ્ન થયા બાદ વધી જતી જવાબદારીઓ સામાજિક અપેક્ષાઓ અને હેક્ટિક લાઇફસ્ટાઇલને લીધે બન્ને પાર્ટનર્સને એકબીજા માટે સમય મળતો નથી અને એમાં એટલા પરોવાઈ જાય છે કે ઇમોશનલ ઇન્ટિમસી રહેતી જ નથી. બન્નેએ એકબીજા સાથે કયાં કારણોસર જીવન વિતાવવાના વાયદાઓ કર્યા હતા એ યાદ રહેતું નથી. વાતચીત પણ કામ પૂરતી જ થાય છે.’
‘જ્યારે આપણે માની લઈએ છીએ કે સામેની વ્યક્તિ તો હવે કાયમ માટે આપણી સાથે જ છે ત્યારે આપણે તેને સમજવાનો કે તેને અપ્રિશિએટ કરવાનો પ્રયત્ન છોડી દઈએ છીએ. ઑફિસનો તનાવ અને ઘરની જવાબદારીઓ વચ્ચે સંવાદનું સ્થાન સૂચનાઓ લઈ લે છે. ચા બની ગઈ કે લાઇટ-બિલ ભરાઈ ગયું? જેવાં વાક્યો વચ્ચે આજે તું બહુ સુંદર લાગે છે જેવા સંવાદો ખોવાઈ જાય છે. ખાસ કરીને વર્કિંગ કપલ્સમાં કમ્યુનિકેશન રહેતું જ નથી.
‘આને કારણે પાર્ટનર પ્રેમી કે જીવનસાથીને બદલે ફક્ત કો-હૅબિટન્ટ એટલે સહનિવાસી બનીને રહી જાય છે જેની સાથે ઘરના બજેટ, બાળકોના ભવિષ્ય કે સામાજિક વ્યવહારોની ચર્ચા તો થાય છે પણ મનની વાત થતી નથી. આને લીધે સંબંધોમાં ખાલીપો લાગે છે. સાથે હોવા છતાં વ્યક્તિને એકલા હોવાનો અહેસાસ થાય છે. ભૂતકાળની યાદો હવે ફોટો અને આલબમ પૂરતી મર્યાદિત રહી જાય છે અને વર્તમાનમાં ફરિયાદોનો ભાર વધતો જાય છે અને એ ક્યારે બ્રેકઅપ અને સેપરેશન સુધી પહોંચી જાય છે એની ખબર પડતી નથી.’
લવ-લેટર ઇફેક્ટ
લવ-લેટર કઈ રીતે રિલેશનશિપને સુધારી શકે છે એ પાછળની સાઇકોલૉજીને સમજાવતાં હિતાક્ષી જણાવે છે, ‘આજના સમયમાં સંવાદ ક્ષણજીવી બની ગયો છે. વૉટ્સઍપ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લૅટફૉર્મ્સ પર ઇન્સ્ટન્ટ ટાઇપ કરીને મેસેજ મોકલી પણ શકાય છે અને ટાઇપ કરેલો મેસેજ ડિલીટ પણ થઈ જાય છે. ઘણી વાર જ્યારે આપણે બોલીએ છીએ અથવા પાર્ટનર પર કોઈ વાતને લઈને ગુસ્સો હોય તો તરત જ મોબાઇલ હાથમાં લઈને તેમના પર ગુસ્સો ઉતારતા મેસેજ ઉતાવળમાં મોકલીએ છીએ. આવેગમાં આવીને શૅર થયેલી ભડાસ બાદ પસ્તાવો થાય છે પણ એનો કંઈ ફાયદો થતો નથી. તમારા ગુસ્સાને લીધે પાર્ટનર હર્ટ થાય છે અને તે ક્યારેય તમારા ટોન અને બિહેવિયરને ભૂલી શકતો નથી.’
‘જોકે લેટરના માધ્યમથી વાત માંડવી હોય તો લખતી વખતે મગજ સ્લો મોડમાં કામ કરે છે. લખતી વખતે આપણે શબ્દોની પસંદગી કરીએ છીએ અને વિચારોનું ફિલ્ટરેશન કરીને કાગળ પર ઉતારીએ છીએ. આ પ્રક્રિયામાં પાર્ટનર પ્રત્યેના પ્રેમ પર ધ્યાન કેન્દ્રિત થાય છે. આજના ઇન્સ્ટન્ટ મેસેજિંગના યુગમાં આપણે તરત જ વળતો જવાબ આપવાની ઉતાવળમાં હોઈએ છીએ. પત્ર સ્લો કમ્યુનિકેશન છે. પત્ર લખનાર શાંતિથી વિચારીને લખે છે અને વાંચનાર પણ એને નિરાંતે વાંચે છે. આ ધીમી પ્રક્રિયા મગજમાં ફીલ ગુડ હૉર્મોન્સ રિલીઝ કરે છે.
‘લેટર-રાઈટિંગનો હજી એક ફાયદો એ પણ છે કે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર મોકલેલા મેસેજ થોડા દિવસોમાં ચૅટમાં ક્યાંય ખોવાઈ જશે, પણ લખેલા પત્ર કબાટ કે ડાયરીમાં સચવાઈ જશે. જ્યારે અણબનાવ થાય તો આ કાગળનો સ્પર્શ અને શબ્દો ફરીથી હૂંફ આપશે. જ્યારે તમે પાર્ટનરને લેટર આપો ત્યારે તે ફક્ત શબ્દો અને લાગણી નથી જોતા, તે એ પણ જુએ છે કે બિઝી શેડ્યુલમાંથી સમય કાઢીને મારા માટે સમય કાઢ્યો. આ ફીલિંગ ઇન્સ્ટન્ટ
મૂડ-ચેન્જર અને ગેમ-ચેન્જર બની જાય છે. જે મન તેના પાર્ટનર પ્રત્યેની ફરિયાદો અને નારાજીથી ભરેલું હતું એ પ્રેમભરી ફીલિંગ્સમાં કન્વર્ટ થઈ જાય છે.
‘લેટર-રાઇટિંગ કપલ્સનાં રિલેશન્સ બચાવવા માટે બહુ પાવરફુલ ટૂલ છે. આ ટ્રેડિશનલ મેથડ છે પણ બહુ પ્રભાવશાળી છે. નૉર્મલી આપણે જ્યારે આવેગમાં હોઈએ ત્યારે વિચાર્યા વગર કંઈ પણ એલફેલ પાર્ટનરને બોલી દઈએ છીએ અને પછી એનો વિચાર આવે છે અને વસવસો થાય છે, પણ લેટર-રાઇટિંગમાં થૉટ-પ્રોસેસ ઊલટી ચાલે છે. આમાં સૌથી પહેલાં આપણે વિચારીએ છીએ અને એને ફિલ્ટર કરીને કૉન્શિયસ માઇન્ડ સાથે લખીએ છીએ. આ જ કારણે લેટર-રાઇટિંગની ઍક્ટિવિટી રિલેશનશિપ સેવિયર બની શકે છે.’
શરૂઆત કઈ રીતે કરી શકાય?
લેટર લખવાથી ફાયદાઓ થાય છે એ મોટા ભાગનાં કપલ્સને ખબર છે, પણ એની શરૂઆત કઈ રીતે કરવી એમાં ગૂંચવાઈ જાય છે. આ વિશે વાત કરતાં હિતાક્ષી કહે છે, ‘ઘણાં કપલ્સને ઇચ્છા હોવા છતાં ખબર નથી હોતી કે પત્રમાં શું લખવું. જો તમે પહેલી વાર લખી રહ્યા હો તો કેટલીક બાબતોને ધ્યાનમાં રાખજો. પત્રમાં એવી કોઈ વાત લખો જે તમે બન્નેએ સાથે માણી હોય, જેમ કે મને યાદ છે એ દિવસે આપણે વરસાદમાં ભીંજાયા હતા. તમારા પાર્ટનરની કોઈ એવી આદત વિશે લખો જે તમને ગમતી હોય, જે તમે ક્યારેય મોઢેથી કહી શક્યા નથી. આપણે સાથે મળીને આ જગ્યાએ ફરવા જઈશું જેવી નાની ઇચ્છાઓ લખો. પત્ર લાંબો હોવો જરૂરી નથી, માત્ર બે લાઇન પણ જો દિલથી લખેલી હશે તો એ સામેની વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવી દેશે. જે વ્યક્તિ સ્વભાવે ઇન્ટ્રોવર્ટ હોય છે એટલે કે જે વ્યક્તિ પોતાના મનની વાતો કે લાગણીઓ શબ્દોમાં બોલીને વ્યક્ત કરી શકતી નથી તે પોતાના પાર્ટનર સામે હોય ત્યારે ઘણુંબધું કહેવા માગતી હોવા છતાં મૌન રહી જાય છે અથવા યોગ્ય શબ્દો શોધી શકતી નથી. આ સ્થિતિમાં પત્ર એક શક્તિશાળી માધ્યમ સાબિત થાય છે. તે જ્યારે કાગળ પર લખે છે ત્યારે તેને સામેવાળી વ્યક્તિના તાત્કાલિક રીઍક્શનનો ડર નથી હોતો. આથી તે વધુ ઈમાનદારીથી પોતાની લાગણીઓ ઠાલવી શકે છે. બોલતી વખતે જે વાતો અધૂરી રહી ગઈ હોય અથવા જે વાત સમજાવવામાં મુશ્કેલી પડતી હોય, એને પત્રના માધ્યમથી સમજાવી શકાય છે.’
બીજી ટ્રિક્સને પણ અપનાવી શકાય
કનેક્ટિંગ કન્વર્ઝેશનઃ કેવો રહ્યો તારો દિવસ? આજે તેં આખા દિવસમાં શું કર્યું? દિવસમાં ૧૦ મિનિટ કાઢીને આ સંવાદ થવો જ જોઈએ.
મહિનામાં એક વખત ડેટ પર જવું : ડેટ પર જવું એનો મતલબ એ નથી કે મૂવી જોવા જવું. મૂવી જોશો તો તમે એકબીજા પર ફોકસ નહીં કરી શકો અને કમ્યુનિકેશન પણ થશે નહીં. જવું હોય તો ડિનર કે લંચ-ડેટ પર જાઓ. આ સમયે તમે એકબીજાને ગમતા ફૂડની સાથે વાતો અને ફીલિંગ શૅર કરશો તો મિસકમ્યુનિકેશન હોય તો એ દૂર કરી શકાય અને કમ્યુનિકેશન ગૅપ હોય તો એને ફીલ કરી શકાય. આનાથી રોમૅન્સનો સ્પાર્ક જળવાઈ રહેશે અને સંબંધો જવાબદારીઓના કોકડામાં બોરિંગ નહીં બને.
નાઇટ-વૉકઃ દરરોજ ડિનર પછી અડધા કલાકનો વૉક કરો અને એમાં તમારા બન્ને સિવાય બીજું કોઈ ન હોય અને વાતો પણ એકબીજાની ફીલિંગ્સ અને ગ્રોથની જ હોવી જોઈએ. જૂની યાદો જેમ કે પહેલાં કેવી રીતે છુપાઈ-છુપાઈને મળતાં હતાં પણ હવે એ કેમ નથી થતું? પહેલાં એકબીજા માટે ખાસ સમય કાઢતાં હતાં, હવે કેમ નથી મળતો સમય? આ બધી ચીજો ડિસ્કસ કરો અને સૉલ્યુશન્સ શોધો. આમાં ઘરમાં ચાલી ચહેલા અણબનાવ વિશેની વાતોને આ સંવાદમાં સ્પેસ આપવી નહીં.
