Office Office Returns with a Twist: ટીવીનો લોકપ્રિય કોમેડી શો ‘ઓફિસ-ઓફિસ’ ફરી જોવા મળશે નાના પડદે, નિર્માતા ઉમેશ મહેરા અને દિગ્દર્શક રાજન વાઘધરે લાવી રહ્યાં છે ‘ઓફિસ – ઓફિસ ચલી મુસદ્દી કી બેટી’; દૂરદર્શન પર આવશે નવો શો
આ શો ૨૫ મે ૨૦૨૬ થી દૂરદર્શન પર દરરોજ રાત્રે ૮:૩૦ વાગ્યે પ્રસારિત થઈ રહ્યો છે
ભારતીય ટેલિવિઝન (Indian Television) જગતના સૌથી લોકપ્રિય અને દર્શકોના મનપસંદ કોમેડી શોમાંથી એક ‘ઓફિસ-ઓફિસ’ (Office Office) એક નવા અને ફ્રેશ ટ્વિસ્ટ સાથે પાછો ફરી રહ્યો છે. ઇગલ ફિલ્મ્સ (Eagle Films)ના બેનર હેઠળ ઉમેશ મહેરા આ શોને એક નવા અંદાજમાં લાવી રહ્યા છે, જેનું નામ ‘ઓફિસ – ઓફિસ ચલી મુસદ્દી કી બેટી’ (Office Office Chali Mussaddi Ki Beti)રાખવામાં આવ્યું છે. આ વખતે વાર્તાના કેન્દ્રમાં મુસદ્દી લાલની દીકરી જોવા મળશે. આ શો ૨૫ મે ૨૦૨૬ થી દૂરદર્શન (Doordarshan) પર દરરોજ રાત્રે ૮:૩૦ વાગ્યે પ્રસારિત થઈ રહ્યો છે અને તેને ‘વેવ્ઝ ઓટીટી’ (Waves OTT) પર પણ સ્ટ્રીમ કરવામાં આવશે.
બે વર્ષ પહેલાં શરૂ થઈ હતી તૈયારીઓ
ADVERTISEMENT
ઉમેશ મહેરા (Umesh Mehra)એ આ શો અંગે વિગતો શેર કરતા જણાવ્યું હતું કે, આ શોનો વિચાર બે વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં આવ્યો હતો, જ્યારે ‘વેવ્ઝ ઓટીટી’ના લોન્ચિંગનું આયોજન ચાલી રહ્યું હતું. તેમણે કહ્યું, ‘આ પ્રક્રિયા બે વર્ષ પહેલાં શરૂ થઈ હતી જ્યારે વેવ્ઝ ઓટીટીના લોન્ચિંગની તૈયારીઓ થઈ રહી હતી. અમને કેટલાક આઈડિયા પિચ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં અમે મુખ્ય અભિનેત્રી તરીકે શ્રુતિ શર્મા સાથે ‘ઓફિસ-ઓફિસ’ની આ નવી વાર્તાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ કન્સેપ્ટને તરત જ મંજૂરી મળી ગઈ હતી.’
જો કે, શરૂઆતમાં તેઓ આ શો (Office Office Returns with a Twist) દૂરદર્શન માટે કરવા અંગે થોડી મૂંઝવણ અનુભવી રહ્યા હતા. તેમણે ઉમેર્યું, ‘હું દૂરદર્શન (DD) સાથે કામ કરવા અંગે થોડો અચકાતો હતો, પરંતુ અમારા લાઇન પ્રોડ્યુસર વિવેક શ્રીવાસ્તવે આગ્રહ કર્યો કે આનાથી ફ્રેન્ચાઈઝીને મોટો ફાયદો થશે, કારણ કે દૂરદર્શન જેટલી પહોંચ (રીચ) અન્ય કોઈ ચેનલની નથી.’
ઝડપથી ટીમ તૈયાર થઈ અને શૂટિંગ શરૂ થયું
કન્સેપ્ટ મંજૂર થયા પછી, આ પ્રોજેક્ટ પર કામ ખૂબ જ ઝડપથી આગળ વધ્યું. રાઈટર જોડી હિરેન્દ્ર અને નિમિષા આ શો સાથે જોડાયા. જ્યારે ઉમેશ મહેરાએ રાજીવ મહેરાને આ શોના ડિરેક્શન (નિર્દેશન) માટે વાત કરી, ત્યારે તેમણે એક નવો સૂચન આપ્યો. ઉમેશે જણાવ્યું, ‘મેં રાજીવ મહેરાને ડિરેક્ટ કરવા માટે કહ્યું હતું, પરંતુ તેમનું માનવું હતું કે આપણે કોઈ જાણીતા વ્યાવસાયિક ડિરેક્ટર સાથે જવું જોઈએ, અને આ રીતે રાજન વાગધરેએ આ પડકાર સ્વીકાર્યો.’
આ પ્રોજેક્ટમાં પ્રોડ્યુસર તરીકે ઉમેશ મહેરાના ભત્રીજા અમન મહેરા પણ જોડાયા છે, જેમણે યુએસ (US) અને યુકે (UK) માં ટ્રેનિંગ લીધી છે. શોની શરૂઆતની સ્ક્રિપ્ટો પ્રસાર ભારતીને મોકલવામાં આવી હતી અને તેને કોઈ પણ વિલંબ વગર મંજૂરી મળી ગઈ હતી. ઉમેશે કહ્યું, ‘અમે શરૂઆતની ૧૩ સ્ક્રિપ્ટો પ્રસાર ભારતીને મોકલી હતી, જે ખૂબ જ ઝડપથી પાસ થઈ ગઈ હતી.’
અનુ મલિકનું સુપરહિટ ટાઇટલ ટ્રેક
શોના ટાઇટલ ટ્રેક માટે ઉમેશ મહેરાએ તેમના જૂના સાથી અને જાણીતા સંગીતકાર અનુ મલિકનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું, ‘મેં મારા જૂના સાથી અનુ મલિકને ટાઇટલ ટ્રેક બનાવવા માટે વિનંતી કરી હતી અને તેમણે અમને એક સુપરહિટ ટ્રેક આપ્યો છે.’
તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘બધું જાણે કોઈ જાદુની જેમ યોગ્ય રીતે ગોઠવાતું ગયું. અમને એક શાનદાર સ્ટાર કાસ્ટ અને અદભુત ટેકનિકલ ટીમ મળી. અમે ૫ નવેમ્બર ૨૦૨૫ ના રોજ શૂટિંગ શરૂ કર્યું હતું અને માત્ર ચાર મહિનામાં ૫૨ એપિસોડનું શૂટિંગ પૂરું કરી લીધું હતું.’
નવી સ્ટાર કાસ્ટ અને ઈગલ ફિલ્મ્સની વાપસી
દૂરદર્શનના આ શોમાં શ્રુતિ શર્મા, સુમિત અરોરા, કૃષ્ણા ભટ્ટ, અનુષા મિશ્રા, ગરિમા જૈન, કિસલય દત્ત, સુચેતા ખન્ના અને સંજય ચૌધરી જેવા પ્રતિભાશાળી કલાકારોની નવી ટીમ જોવા મળશે, જેઓ આ લોકપ્રિય ફ્રેન્ચાઈઝીમાં નવો ઉત્સાહ ઉમેરશે.
જ્યાં એક તરફ ચાહકો માટે આ વર્ષોથી લોકપ્રિય રહેલી ફ્રેન્ચાઈઝીની વાપસી છે, તો બીજી તરફ ઇગલ ફિલ્મ્સ માટે પણ લાંબા સમય પછી નાના પડદા પર કમબેક છે. ઉમેશ મહેરા માટે આ શો માત્ર એક કોમેડી શોની વાપસી નથી, પરંતુ કંઈક વિશેષ છે. તેમણે જણાવ્યું કે, ‘આ શો નાના પડદા પર ઇગલ ફિલ્મ્સના કમબેકની જાહેરાત કરે છે અને આનાથી અમને મોટા પડદા (સિનેમા) માટે તૈયારી કરવામાં પણ મદદ મળશે.’
