ઇન્ટરનેટનો ઉપયોગ જેટલી સારી રીતે કરવામાં આવે છે એટલી જ ખરાબ રીતે પણ કરવામાં આવે છે.
ઍપ્સ
ઇન્ટરનેટ વગર કંઈ પણ કરવું આજે થોડું મુશ્કેલ થઈ ગયું છે. કોઈ પણ ક્ષેત્ર અથવા તો કોઈ પણ કામ માટે ઇન્ટરનેટ એટલું જ ઉપયોગી બન્યું છે. ઇન્ટરનેટ આજે દરેક માટે ઉપલબ્ધ છે, પરંતુ એનો સ્માર્ટ ઉપયોગ કરવો પણ જરૂરી છે. ઇન્ટરનેટનો ઉપયોગ જેટલી સારી રીતે કરવામાં આવે છે એટલી જ ખરાબ રીતે પણ કરવામાં આવે છે. તેમ જ ઇન્ટરનેટ આજે કેટલાક લોકો માટે હાનિકારક પણ થઈ ગયું છે. ઇન્ટરનેટનો ઉપયોગ કમ્પ્યુટર પર કરવા માટે સૌથી વધુ લોકો બ્રાઉઝરનો ઉપયોગ કરે છે. આ બ્રાઉઝરમાં ગૂગલ ક્રોમનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. આથી ગૂગલ ક્રોમ અને ઇન્ટરનેટની મદદથી કામને વધુ સરળ અને કેટલીક હાનિકારક વસ્તુઓથી કેવી રીતે દૂર રહી શકીએ એ માટે કેટલાંક એક્સટેન્શન છે. આ એક્સટેન્શન વિશે આપણે આજે ચર્ચા કરીએ.
ગ્રામરલી
ADVERTISEMENT
ગ્રામરલી એક ઍપ્લિકેશન છે જે યુઝરનું ઇંગ્લિશ ગ્રામર કેવું છે એને અનુરૂપ કોઈ બદલાવ કરવા હોય તો એ સજેસ્ટ કરે છે. ગ્રામરલીની મદદથી જે લખ્યું હોય એ વધુ પ્રોફેશનલ અને ભૂલ વગરનું લાગે છે. વર્ડ માટે આ ગ્રામરલી ઉપલબ્ધ છે, પરંતુ એ ગૂગલ ક્રોમમાં એક્સટેન્શન તરીકે પણ અવેલેબલ છે. ઈ-મેઇલ લખતી વખતે અથવા તો ઑનલાઇન કંઈ પણ વસ્તુ લખવા માટે આ એક્સટેન્શનનો ઉપયોગ કરી શકાય છે, જેના કારણે એમાં ખૂબ જ ઓછી ભૂલ હોય અને સામેવાળી વ્યક્તિ પર સારી ઇમ્પ્રેશન પાડી શકાય. આ એક્સટેન્શનનું પ્રીમિયમ વર્ઝન પણ છે જે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી વાક્ય અને શબ્દો પણ સજેસ્ટ કરી શકે છે.
ઘોસ્ટરી
બ્રાઉઝિંગ કરતી વખતે સૌથી વધુ મહત્ત્વની છે સિક્યૉરિટી. ઘણી વાર બ્રાઉઝિંગ કરતી વખતે ઘણી ઍડ્સ જોવા મળે છે. કેટલીક વેબસાઇટ એવી હોય છે કે એમાં ઍડ્સ નવી ટૅબમાં ઓપન થતી હોય છે. આથી યુઝર એક ટૅબ પર હોય એની જગ્યાએ નવી ટૅબ પર ઑટોમૅટિક પહોંચી જાય છે. આથી તેનું ધ્યાન પણ ભટકે છે. આ સાથે જ જે નવી ઍડની ટૅબ ખૂલે છે એ શું હોય એ કહેવું મુશ્કેલ છે. ઘણી વેબસાઇટ એવી પણ હોય છે જેના પર સેક્સ્યુઅલ કન્ટેન્ટવાળી ઍડ આવે છે. આથી યુઝર ક્યાં બેસીને બ્રાઉઝિંગ કરે છે અને કોની સામે કરે છે એ પણ મહત્ત્વનું છે. આથી આવી ઍડ્સથી દૂર રહેવા અને શરમજનક પરિસ્થિતિથી દૂર રહેવા માટે ઍડ-બ્લૉક એક્સટેન્શન જરૂરી છે. આ માટે ઘણા ઑપ્શન છે, પરંતુ ઘોસ્ટરી એમાં સારું છે. આ એક્સટેન્શન ઍડ બ્લૉક કરવાની સાથે ટ્રેકરને પણ દૂર કરે છે અને યુઝરની પ્રાઇવસી પર અટૅક કરતાં એલિમેન્ટ્સને પણ દૂર કરે છે. આ સાથે જ ઘોસ્ટરી તમામ ડેટાને યુઝર સમક્ષ રજૂ કરે છે કે કઈ વેબસાઇટ યુઝરના કયા ડેટા ચોરી કરવાની કોશિશ કરી રહી હતી એ પણ જોઈ શકાય છે.
લૂમ
ઇન્ટરનેટે આજે તમામ લોકોને કમાણી કરતા કરી નાખ્યા છે. જો યુઝરમાં ટૅલન્ટ હોય તો તેઓ કોઈ પણ રીતે પૈસા કમાઈ શકે છે. આજે લોકો કમ્પ્યુટર પર બેસીને ગેમ રમીને પણ પૈસા કમાય છે. કેટલાક લોકો તેમની સ્કિલના ટ્યુટોરિયલ બનાવીને એને શૅર કરીને પણ પૈસા કમાય છે. આ લોકો માટે સ્ક્રીન રેકૉર્ડિંગ ખૂબ જ મહત્ત્વનું છે. જોકે પહેલેથી સ્ટ્રીમર બની ગયા હોય એ લોકો હવે ઍડ્વાન્સ્ડ લેવલ પર હોય છે જેથી તેઓ પ્રીમિયમ ઍપ્સનો ઉપયોગ કરે છે. જોકે નવશિખિયા અથવા તો સ્ટ્રીમર બનવાનું પ્લાનિંગ કરનારા લોકો માટે લૂમ એક્સટેન્શન સારું છે. બે-ત્રણ ક્લિકની અંદર આ એક્સટેન્શનની મદદથી સ્ક્રીન રેકૉર્ડિંગ શરૂ થઈ જાય છે. આ એક્સટેન્શન વેબકૅમ કૉલ અને અન્ય વસ્તુ માટે પણ ઉપયોગ કરી શકાય છે. કોઈને શું એરર આવે છે એ દેખાડવા માટે પણ સ્ક્રીન રેકૉર્ડિંગ કરી શકાય છે. તેમ જ આ એક્સટેન્શનમાં કૅમેરા સાઇઝ રેશિયો, માઇક્રોફોન સેટિંગ અને વિડિયો ક્વૉલિટી પણ ઍડ્જસ્ટ કરી શકાય છે. તેમ જ લૂમની મદદથી વિડિયો ડાઉનલોડ કરીને એને લોકલ ડ્રાઇવ પર સ્ટોર પણ કરી શકાય છે. ત્યાર બાદ એને શૅર કરવાનો પણ ઑપ્શન છે. આથી આ એક નાનકડું એક્સટેન્શન ઘણાંબધાં કામ કરી શકે છે.
સ્ટે ફોકસ્ડ
સ્માર્ટફોનમાં આજે ડિજિટલ વેલબીઇંગ માટે ઘણાં ફીચર આપવામાં આવે છે. સ્ક્રીન ટાઇમ જોઈને ઍપ્લિકેશનનો વધુપડતો ઉપયોગ ન કરવાથી દૂર રહી શકાય છે. જોકે કમ્પ્યુટરમાં એ ઑપ્શન નથી. આ માટે સ્ટે ફોકસ્ડ એક્સટેન્શનનો ઉપયોગ કરી શકાય છે. આ એક્સટેન્શનની મદદથી કોઈ પણ વેબસાઇટનો ઉપયોગ ચોક્કસ સમય માટે બંધ કરી શકાય છે. ઉદાહરણ તરીકે ફેસબુકનો ઉપયોગ વધી ગયો હોય તો દસ મિનિટ સુધી એનાથી દૂર રહેવા માટે આ એક્સટેન્શન યુઝરને મદદ કરી શકે છે. એક વાર એ ઍક્ટિવેટ કરતાં દસ મિનિટ સુધી યુઝર કંઈ પણ કરે તો પણ તે ફેસબુક ઓપન નહીં કરી શકે. બીજા બ્રાઉઝરમાં સો ટકા ઓપન કરી શકાય, પરંતુ ગૂગલ ક્રોમમાં દસ મિનિટ બાદ જ એ ઓપન થશે.
હની
શૉપિંગ કરનારા માટે આ બેસ્ટ છે. આ એક્સટેન્શનની મદદથી યુઝર ઑફર કોડને મિસ નથી કરતો. હની એક્સટેન્શનની મદદથી યુઝર જે-તે વેબસાઇટ પર કેટલી કૂપન કોડ છે અને એમાંથી કઈ કૂપન કોડ વધુ ડિસ્કાઉન્ટ આપે છે એ ઑટોમૅટિક દેખાડી દેવામાં આવશે. આથી યુઝર કૂપન કોડ અપ્લાય કરવાનું ભૂલી ગયો હોય તો પણ હની એક્સટેન્શન એ યાદ કરાવે છે. આ એક્સટેન્શન દરેક વેબસાઇટ પર કામ નથી કરતું, પરંતુ એમાં મેજર વેબસાઇટનો સમાવેશ થઈ જાય છે. તેમ જ આ એક્સટેન્શનમાં પ્રાઇસ ડ્રૉપ ફીચર પણ છે. યુઝર જે-તે વસ્તુને પ્રાઇસ ડ્રૉપ ફીચરમાં ઍડ કરી શકે છે. આથી જ્યારે પણ એ પ્રોડક્ટની કિંમત ઘટી ત્યારે યુઝરને નોટિફિકેશન મોકલવામાં આવશે.

