નવાં ફીચર્સની લાયમાં જે પણ ઍન્ડ્રૉઇડ યુઝર્સ આ ઍપને ઇન્સ્ટૉલ કરી રહ્યા છે તેઓ હાઈ રિસ્ક પર છે : બૅન્ક ડેટા, કૉન્ટૅક્ટ્સ, ફોટો અને વિડિયોઝથી લઈને દરેક ડેટા સ્કૅમર્સની સામે એક્સપોઝ થઈ રહ્યા છે.
પ્રતીકાત્મક તસવીર
વૉટ્સઍપ સતત નવાં-નવાં ફીચર્સને લઈને આવે છે, જેથી યુઝર્સને વધુ સરળતા રહે. જોકે યુઝર્સને જેટલું આપે એટલું ઓછું હોય એમ તેઓ સતત નવાં ફીચર્સની શોધમાં રહેતા હોય છે. આથી જ તેઓ જીબી વૉટ્સઍપ જેવી ઍપ્લિકેશનનો ઉપયોગ કરે છે. જોકે હવે તેઓ વૉટ્સઍપ પિન્કના શિકાર બન્યા છે. આ કોઈ મેટા કંપની દ્વારા રિલીઝ કરવામાં આવેલી ઍપ્લિકેશન નથી, પરંતુ સ્કૅમ કરનારા દ્વારા બનાવવામાં આવેલી ઍપ છે. યુઝર્સ પર હાલમાં ઘણા મેસેજ આવી રહ્યા છે કે વૉટ્સઍપ દ્વારા લેટેસ્ટ વર્ઝન કાઢવામાં આવ્યું છે અને પિન્ક વૉટ્સઍપમાં પ્રીમિયમ ફીચર્સનો ઉપયોગ કરી શકાશે. આથી આવા મેસેજની સાથે આવતી લિન્ક પર યુઝર ક્લિક કરે છે અને ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરે છે. જોકે તેમને ખબર નથી હોતી કે આ ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરવાની સાથે તેઓ ફીચર્સનો ઉપયોગ કરી શકવા કરતાં સ્કૅમર્સના શિકાર બન્યા હોય છે. છેલ્લા ઘણા સમયથી પિન્ક વૉટ્સઍપ પર ઘણાં સ્કૅમ થતાં હતાં. જોકે હવે એની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. ઘણા યુઝર્સ હવે આ સ્કૅમર્સના શિકાર બની રહ્યા છે. મુંબઈ પોલીસના સાઇબર સેલના ધ્યાનમાં પણ આ વાત આવતાં તેમણે આ પિન્ક વૉટ્સઍપને લઈને ઍન્ડ્રૉઇડ યુઝર માટે રેડ અલર્ટ જાહેર કર્યું છે.
કોણ બની શકે છે શિકાર? |
ADVERTISEMENT
આ સ્કૅમનો શિકાર ફક્ત અને ફક્ત ઍન્ડ્રૉઇડ યુઝર બની રહ્યા છે. આઇફોન ઓપન સોર્સ પ્લૅટફૉર્મ નથી. કોઈ પણ ઍપ્લિકેશન બનાવ્યા બાદ એને યુઝર ડાઉનલોડ કરી શકે એ માટે ઍપલની ઍપ સ્ટોરને ઍપ્લિકેશન સબમિટ કરવાની હોય છે. આ ઍપ્લિકેશન બનાવવા માટે કેટલાક નિયમો રાખવામાં આવ્યા છે અને એ ફૉલો કરવામાં આવ્યા હોય તો જ એ ઍપ્લિકેશનને લોકો સુધી પહોંચાડવામાં આવે છે. જોકે ઍન્ડ્રૉઇડમાં એવું કંઈ નથી. ઍન્ડ્રૉઇડ ઓપન સોર્સ હોવાથી કોઈ પણ વ્યક્તિ ઍપ્લિકેશન બનાવી શકે છે અને ગમે એ રીતે એને ઇન્સ્ટૉલ કરી શકાય છે. ઍન્ડ્રૉઇડમાં ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરવા માટે ફક્ત પ્લેસ્ટોરની જરૂર નથી પડતી. વૉટ્સઍપ, ઈ-મેઇલ, ટેક્સ્ટ મેસેજ અને યુએસબી વગેરે દ્વારા ઍપ્લિકેશનને ઇન્સ્ટૉલ કરી શકાય છે. આથી જ ઍન્ડ્રૉઇડ યુઝર્સને સ્કૅમ માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
કેવી રીતે કરવામાં આવી રહ્યા છે ટાર્ગેટ? | હાલમાં વૉટ્સઍપ યુઝર પર મેસેજ આવી રહ્યો છે કે વૉટ્સઍપ દ્વારા નવાં ફીચર્સ લૉન્ચ કરવામાં આવ્યાં છે અને એ માટે વૉટ્સઍપ પિન્ક ડાઉનલોડ કરવાનું રહેશે. આ સાથે એક લિન્ક મોકલવામાં આવે છે. આ લિન્ક પર ક્લિક કરતાં વૉટ્સઍપ પિન્કની લિન્ક ઓપન થાય છે અને ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ થશે. આ ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ થતાંની સાથે જ યુઝર સતત હાઈ રિસ્કમાં રહેશે.
ટાર્ગેટ થયા બાદ શું થશે? |
આ ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ થઈ ગયા બાદ વૉટ્સઍપ પિન્ક સૌથી પહેલાં યુઝર્સના ડિવાઇસ પર અટૅક કરશે. એ યુઝરના મોબાઇલનો પાવર પોતાના હાથમાં લેશે. ત્યાર બાદ યુઝર્સના તમામ ડેટા ફોન-નંબર, મેસેજ, ગૅલેરી એટલે કે ફોટો અને વિડિયો તેમ જ દરેક ડેટાને ચોરી લેશે. આ ડેટા ચોરી કરતાંની સાથે દરેક ચૅટ પર પણ નજર રાખશે. યુઝર્સે તેના ફોનમાં બૅન્કના કોઈ પણ ડેટા સ્ટોર ન કર્યા હોય તો તે જ્યારે પણ આ ડેટાને કોઈ જગ્યાએ ઍડ કરશે અથવા તો શૅર કરશે ત્યારે એ ડેટા સ્કૅમર્સને મળી જશે. ત્યાર બાદ એ ડેટા ચોરી કર્યા બાદ સ્કૅમર્સ બૅન્ક અકાઉન્ટ ખાલી કરી શકે છે. ઘણા યુઝર્સને લાગશે કે પાસવર્ડ વગર અને ઓટીપી વગર એ શક્ય નથી. જોકે યુઝર દ્વારા શૉપિંગ કરતી વખતે કે ક્યારે પણ લૉગ ઇન ડેટા ઍડ કરવામાં આવ્યા હોય તો એ સ્કૅમર્સને મળી જશે. ત્યાર બાદ યુઝરના મોબાઇલ પર આવતા ઓટીપીને પણ તેઓ રીડ કરી શકે છે. આથી એક જ ઝટકામાં યુઝર્સના ખાતામાંથી પૈસા ગાયબ થઈ શકે છે. આ સાથે જ પર્સનલ ફોટો અને વિડિયો પણ ચોરી લેવામાં આવે છે અને એને કારણે નવી મુશ્કેલીઓ ઊભી થઈ એ અલગ.
કેવી રીતે એનાથી બચી શકાશે? |
વૉટ્સઍપ પિન્ક દ્વારા જે પણ સ્કૅમ થઈ રહ્યાં છે એને અટકાવવા માટે સૌથી પહેલાં તો જે પણ લિન્ક આવે એના પર ક્લિક ન કરવું. અજાણ્યા નંબર અથવા તો એવી વ્યક્તિ જે કોઈ પણ દિવસ કોઈ સમાચાર કે કંઈ પણ વસ્તુ વેરિફાઇ કર્યા વગર એને સેન્ડ કરતો હોય એના પર ક્લિક ન કરવું. હંમેશાં ઍપ સ્ટોર અને પ્લે સ્ટોર અથવા તો જે-તે કંપનીની ઑફિશ્યલ વેબસાઇટ પરથી જ ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરવાનો આગ્રહ રાખવો. જો આ દરેક વસ્તુને નજરઅંદાજ કર્યા વગર ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ પણ કરી હોય તો એને ડિલીટ કરી નાખવી. ઘણી વાર એવું બને છે કે ઍપ્લિકેશન ડિલીટ તો થઈ ગઈ, પરંતુ એ એમ છતાં ફોનમાં હોય છે. ઘણી વાર સ્કૅમર્સ એટલા હોશિયાર હોય છે કે તેઓ ડિલીટ કરવાનો ઑપ્શન આપતાં ફક્ત હોમસ્ક્રીન પરથી આઇકોન ડિલીટ કરે છે, પરંતુ ઍપ્લિકેશન નહીં. આ માટે મોબાઇલના સેટિંગ્સમાં જઈને ઍપ સેટિંગ્સમાં જઈને વૉટ્સઍપ પિન્ક લોગોવાળું પસંદ કરી એને ત્યાંથી અનઇન્સ્ટૉલ કરવું જોઈએ. આ અનઇન્સ્ટૉલ થઈ ગયા બાદ સૌથી પહેલાં ડેટા બૅકઅપ લેવું. ડેટા બૅકઅપ લઈ લીધા બાદ ફોનને ફૅક્ટરી રીસેટ એટલે કે ફૉર્મેટ કરવો. વૉટ્સઍપ પિન્ક ઇન્સ્ટૉલ કર્યું હોય તો જ ફૉર્મેટ કરવાની જરૂર છે. ફૉર્મેટ કરવાથી એક વાતની ચોક્કસ ખાતરી થઈ જશે કે ફોનમાં હવે કોઈ સ્પાયવેર નથી રહ્યો.

