આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે મળીએ બે એવી ખાસ મહિલાઓને જેમણે નાનકડા પરિવર્તનો થકી પર્યાવરણના સંવર્ધનમાં જોરદાર ભૂમિકા ભજવી છે.
વિશ્વ પર્યાવરણ દિવસ
આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે મળીએ બે એવી ખાસ મહિલાઓને જેમણે નાનકડા પરિવર્તનો થકી પર્યાવરણના સંવર્ધનમાં જોરદાર ભૂમિકા ભજવી છે. આજના સમયમાં જ્યારે પર્યાવરણને બચાવવાની વાતો કરનારા ઘણા છે પરંતુ ખરેખર એને બચાવવા માટે કટિબદ્ધ થઈને સજાગતા સાથે પ્રયાસો કરનારાઓ ઓછા છે ત્યારે વાસ્તવિક રીતે પ્રકૃતિના જતનમાં શું-શું કરી શકાય એ જાણી લો
દરરોજનાં ૨૭,૦૦૦ વૃક્ષો પૃથ્વી પર રહેલા લોકો દ્વારા વપરાતાં ટૉઇલેટ પેપર બનાવવા માટે કપાય છે. જંગલો કપાઈ રહ્યાં છે. પ્રદૂષણ વધી રહ્યું છે અને એ બધા વચ્ચે ગ્લોબલ વૉર્મિંગની અસરનો પ્રભાવ પણ વરતાઈ રહ્યો છે. ૨૦૨૪ અત્યાર સુધીના રેકૉર્ડમાં સૌથી ગરમ વર્ષ રહ્યું છે. ગ્લોબલ ટેમ્પરેચર ૧.૫ સેલ્સિયસ વધ્યું છે. જંગલોના નાશને કારણે જંગલી પશુઓ અને માનવ વચ્ચેના કૉન્ફ્લિક્ટના કિસ્સા વધ્યા છે. વધેલા ટેમ્પરેચરને કારણે પીગળી રહેલા બરફ અને દરિયામાં સતત ઠલવાઈ રહેલા પ્લાસ્ટિકના કચરા અને કેમિકલ્સે જળસૃષ્ટિને ડિસ્ટર્બ કરી છે. આજે જ્યારે સતત આપણે ખરાબ હવા, પાણી અને જમીનની ઘટી રહેલી ફળદ્રુપતા સામે, બદલાયેલા વાતાવરણ વચ્ચે લડી જ રહ્યા છીએ ત્યારે પર્યાવરણને બચાવવાની દિશામાં જાગીએ એ મહત્ત્વનું નહીં પણ જરૂરી છે. મારા એકલાથી શું થાય એવો વિચાર આવતો હોય તો એનો જવાબ આપી શકે એવા પણ કેટલાક લોકોને આજે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે અમે શોધી લાવ્યા છીએ. આજે વિગતવાર આ વિષય પર ચર્ચા કરીએ અને સાથે જ કોઈક એક પૉઝિટિવ બદલાવને જીવનમાં ઉતારવાનો સંકલ્પ પણ કરીએ.
ADVERTISEMENT
બદલાવ ક્યાં જરૂરી છે?
નાનપણથી જ વાંચનનાં શોખીન અને પર્યાવરણનાં ચાહક માધવી શાહે છેલ્લાં ૨૫ વર્ષથી પ્લાસ્ટિકનો ઉપયોગ નહીંવત કરી દીધો છે. ગુજરાતમાં બાળપણ વીત્યું છે અને ઇલેક્ટ્રિસિટી ન હોય એવો સમય તેમણે જોયો છે. માધવીબહેન કહે છે, ‘એ સમયગાળો મને ખબર છે જ્યારે વીજળી નહોતી અને ભયંકર ગરમીમાં અમે કલાકો પસાર કરતા. પ્રકૃતિની નજીક રહી છું અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ પણ છે. ગામડાંમાં તો પ્લાસ્ટિકનું ચલણ આમ પણ ઓછું છે. દૂધ લેવા જાઓ ત્યારે વાસણ સાથે હોય. શાક પણ સાડીના છેડામાં કે કાગળમાં વીંટાળીને મળે. લગ્ન કરીને મુંબઈ આવી ત્યારે જોયું કે અહીં કોઈ પણ વસ્તુ લેવા જાઓ તો તમારે સાથે કંઈ લેવાની જરૂર નથી. પ્લાસ્ટિકની થેલીમાં જ તમને બધું મળી રહે. લગ્નના એક વર્ષ સુધી તો મેં વધારે થેલી કેમ મળે એવા પ્રયાસો કર્યા. જોકે એ દરમ્યાન એક ઘટના ઘટી. એક ગુજરાતી મૅગેઝિનમાં મેં પ્લાસ્ટિકની કોથળીઓ ગાયના પેટમાંથી નીકળી હોય અને પ્લાસ્ટિકની કોથળીથી કઈ રીતે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે એ વિશે વાંચ્યું. જૈન હોવાને નાતે જીવદયા તો સહજ જ સ્વભાવમાં છે. પ્લાસ્ટિકનો વપરાશ આ રીતે જીવહિંસા માટે નિમિત્ત બની શકે એ ખબર પડતાં જ નક્કી કર્યું કે હવે હું પ્લાસ્ટિક નહીં વાપરું. ત્યારથી કપડાની થેલી વાપરવાનું શરૂ કર્યું છે. દૂધ, દહીં, પનીર જેવી કોઈ લિક્વિડની વસ્તુ લેવાની હોય ત્યારે સ્ટીલનાં વાસણો લઈને જાઉં. ઈવન કોઈ પ્રસંગોમાં જાઉં કે બહાર હોઉં ત્યારે ચા, પાણી, જૂસ વગેરે પીવાં હોય તો એના માટે પણ મારી પાસે મારો પોતાનો સ્ટીલનો ચાનો કપ સાથે હોય.’
અહીં ઉલ્લેખનીય છે કે કપડાની થેલીનો ઉપયોગ કરતાં માધવીબહેનનો પરિવાર તો શીખી જ ગયો છે પરંતુ તેમની એક્સ્ટેન્ડેડ ફૅમિલી પણ હવે એમ કરે છે. રક્ષાબંધનમાં પોતાના ભાઈઓને બહેનો તરફથી અપાતી ગિફ્ટમાં માધવીબહેન ફૅન્સી કપડાની થેલી સીવડાવીને ગિફ્ટ કરે અને હવે એનો તેમના પરિવારજનો બહોળા પ્રમાણમાં ઉપયોગ પણ કરતા થયા છે. વધુ એક કિસ્સો યાદ કરતાં તેઓ કહે છે, ‘થોડાંક વર્ષો પહેલાં પર્યુષણ દરમ્યાન અમારા જૈન સંઘમાં ભોજન વખતે ટિશ્યુ પેપર અપાતાં. સૉફ્ટ ટિશ્યુ બનાવવા માટે ખૂબ વધુ પ્રમાણમાં વૃક્ષોનો ઉપયોગ થાય છે. મેં મારો ટિશ્યુ પાછો આપી દીધો અને રિક્વેસ્ટ કરી કે ટિશ્યુ માટે વૃક્ષ કપાય છે એ પણ એક જાતની જીવહિંસા છે. આપણે એનો ત્યાગ કરવો જોઈએ. પછી મેં મારી આસપાસ બેસેલી બહેનોને સમજાવ્યું. ધીમે-ધીમે ભાઈઓની લાઇનમાં સમજાવ્યું. ઘણાને તો ખબર નહોતી કે ટિશ્યુ માટે પણ વૃક્ષો કપાય છે. જોકે બધાને વાત ગળે ઊતરી અને ત્યારથી અમારા જૈન સંઘમાં ટિશ્યુનો વપરાશ પ્રતિબંધિત થઈ ગયો. બધા જ ઘરેથી રૂમાલ લાવે અને એ જ વાપરે. બીજું, પહેલાં અમારે ત્યાં બધા જ રૂમમાં વૉલ ક્લૉક હતી પરંતુ વૉલ ક્લૉકનો સેલ પણ પ્રકૃતિને ડૅમેજ કરનારો છે કારણ કે આપણને એના નિકાલની સાચી રીત જ ખબર નથી. એટલે વૉલ ક્લૉક આખા ઘરમાં એક જ રાખી છે, જે અનિવાર્ય છે.’
માધવી શાહ
મારા એકથી શું થાય?
૨૫ વર્ષ પહેલાં હવેથી હું પ્લાસ્ટિક નહીં વાપરું એવું માધવીબહેને નક્કી કર્યું ત્યારે એ પ્રશ્ન આવેલો કે તારા એકના નહીં વાપરવાથી શું થશે? એનો જવાબ તેઓ આજે આપે છે અને કહે છે, ‘મારા ઘરે દરરોજ સવારે દૂધ પ્લાસ્ટિકની કોથળીમાં આવતું. મેં એ વર્ષો પહેલાં બંધ કરાવ્યું. શરૂઆતમાં દૂધવાળા ભૈયાએ આનાકાની પણ કરી કે આમાં અમારો ટાઇમ બગડે. તો મેં કહ્યું તું ચિંતા ન કર, તું બેલ મારે એ પહેલાં હું તપેલી સાથે તૈયાર હોઈશ. પછી તો એ રૂટીન બની ગયું અને હવે તો તેને પણ વાંધો નથી. હવે વિચાર કરો કે દરરોજ દોઢથી બે લીટર દૂધ બે કોથળીમાં આવે. ૨૫ વર્ષમાં દરરોજની આ બે પ્લાસ્ટિકની થેલી ન વાપરી. એની ગણતરી કરો તો એ સંખ્યા ક્યાં પહોંચે? એ વેડફાટ મેં એકલીએ અટકાવ્યો. વર્ષોથી કરિયાણાની દુકાને હું દાળ, ચોખા, કઠોળ માટે ડબ્બાઓ મૂકી આવું. તેઓ ઘરે સામાન પહોંચાડે ત્યારે એ ડબ્બાને જ રીફિલ કરીને મોકલે. એ બધામાં કેટલો પ્લાસ્ટિકનો વેડફાટ અટક્યો. મારું જોઈને મારાં બન્ને બાળકો હવે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળતાં થયાં. શરૂઆતમાં જેને અજુગતું લાગતું એવા મારા હસબન્ડ પણ હવે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની વાતને સમજતા થયા છે. અમે ઇલેક્ટ્રિસિટીનો, ગૅસનો બગાડ ન થાય એવા પ્રયાસો કરીએ. રસોઈમાં પણ ઓછો ગૅસ વપરાય એટલે ફ્રિજમાંથી વસ્તુઓ વહેલી બહાર કાઢીને મૂકવી, એક જ સાથે બેત્રણ વસ્તુ ગરમ થઈ જાય એવી સ્માર્ટ કુકિંગ મેથડ વાપરું છું. ધારો કે પરિવાર સાથે બહાર જતો હોય તો લિફ્ટનો એક જ વારમાં ઉપયોગ થાય, બને ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો, કચરાના ડબ્બા માટે કાળા કલરની બિન બૅગ ન વાપરવી, ધારો કે રેડીમેડ પૅક આવે અને ઘરમાં પ્લાસ્ટિક આવ્યું જ હોય તો એનો પણ યોગ્ય નિકાલ કરવો જેવા નિયમો અપનાવ્યા છે.’
હેતલ ગડા
આખી સોસાયટીનો સાથ
થાણેમાં રહેતાં હેતલ ગડા વર્ષો પહેલાં પ્લાસ્ટિકના કારણે થતા પ્રકૃતિના નુકસાન વિશે સમજ્યાં અને ત્યારથી તેમણે એ નિયમ અપનાવી લીધો. હેતલબહેન કહે છે, ‘હવે તો હું એક સંસ્થા સાથે જ જોડાઈ ગઈ છું અને ઠેર ઠેર પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા વિશે જાગૃતિ લાવી રહ્યા છીએ. દર પંદર દિવસે પ્લાસ્ટિક વેસ્ટ કલેક્ટ કરવા માટે અમારી સોસાયટીમાં ગાડી આવે છે. જોકે બીજાને સમજાવતાં પહેલાં એને મેં મારા જીવનમાં અનુસરવાનું શરૂ કર્યું. મારા ઘરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં બરાબર થાય અને જ્યાં ટાળી ન શકાતું હોય ત્યાં પ્લાસ્ટિકને ધોઈને સૂકું કરીને અલગ એકઠું કરવામાં આવે અને પછી રીસાઇકલ માટે આપી દેવામાં આવે. જેમ કે દરરોજ દૂધની કોથળી અમે ધોઈને સૂકવીને જુદી રાખીએ. બિન બૅગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરતા. શૅમ્પૂ, કેચપના નાના-નાના સૅશેને પણ વાપરીને અલગ રાખીએ. વેફર્સ, બિસ્કિટ કે ઈવન નાનકડી ટૉફીના રૅપરને પણ જુદું રાખીએ. પ્લાસ્ટિક નહીં વાપરનારા લોકો અને એને રીસાઇકલ માટે આપતા લોકોને એક ખાસ સલાહ આપીશ કે બિસ્કિટ કે શૅમ્પૂના રૅપરના જુદા-જુદા ટુકડા ન કરો. એક જ વાર એવી રીતે ફાડો કે એ પોતાના મુખ્ય હિસ્સાથી જુદું ન પડે અને તમે સરળતાથી વસ્તુઓ વાપરી શકો. મારા પર્સમાં બેથી ત્રણ કપડાની થેલી હોય, હોય ને હોય જ. આજે તમે બહાર જે ચા પીઓ છો એ કાગળના ગ્લાસમાં પણ પ્લાસ્ટિક હોય છે અને ગરમ પ્રવાહી એમાં રેડો એટલે એ પ્લાસ્ટિક તમારા પેટમાં જાય. ૨૦૧૫માં પ્લાસ્ટિકથી પર્યાવરણને થતા નુકસાનને જાણ્યા પછી દુનિયાને સેન્સિબલી પ્લાસ્ટિક વાપરતા કરવાનું અને બને ત્યાં પ્લાસ્ટિક અવૉઇડ કરવાનું મારું મિશન જ બની ગયું છે. મારાથી શરૂ થયેલી આ યાત્રા હવે મારી આખી સોસાયટીમાં અને અમારા જેવી ઘણી સોસાયટીમાં ફૉલો થવાની શરૂ થઈ છે.’
પર્યાવરણ પ્રત્યે પ્રેમ હોય તો પાડો આ ૧૧ સારી આદતો
અત્યારે જ તમારા પર્સમાં બેથી ત્રણ કપડાંની બૅગ મૂકી દો. શાકભાજીથી લઈને કોઈ પણ વસ્તુ હોય તો આ કપડાની બૅગ યુઝ કરો.
મિનરલ વૉટરને બદલે સ્ટીલની બૉટલનો ઉપયોગ કરો.
ટ્રાવેલ કરતી સમયે તમારા પોતાના કપ, મગ અથવા ગ્લાસ સાથે રાખો.
પ્લાસ્ટિકની ચમચીને બદલે પોતાની પાસે સ્ટીલની ચમચી રાખો.
ફરી-ફરી વાપરી શકાય એવા કન્ટેનરમાં તમારું ભોજન રાખો.
દૂધ, દહીં, પનીર, મીઠાઈઓ વગેરે માટે પણ પોતાના સ્ટીલના ડબ્બા રાખો.
યુઝ ઍન્ડ થ્રોના કલ્ચરથી બહાર નીકળો અને એક જ વસ્તુનો ફરી-ફરી ઉપયોગ કરવાની ટેવ પાડો.
જ્યાં કપડાનો ઉપયોગ સંભવ છે ત્યાં ટિશ્યુ પેપર ન વાપરો.
શક્ય હોય ત્યાં સુધી લાઇટ-પંખાનો બિનજરૂરી ઉપયોગ ટાળો.
પાણીનો બગાડ ટાળો. પોતાના ઘરમાં અને બહાર પણ આ નિયમને પાળો.
વપરાયેલા સેલનો નિકાલ પણ પર્યાવરણ માટે જોખમી છે એટલે ઘડિયાળ જેવાં સેલ પર ચાલતાં સાધનોના વપરાશ પર પણ કન્ટ્રોલ રાખો.

