Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમે કોઈકને યાદ જ કરતા હતા ને તેનો ફોન આવી જાય તો?

તમે કોઈકને યાદ જ કરતા હતા ને તેનો ફોન આવી જાય તો?

Published : 21 August, 2024 07:37 AM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

યોગિક ક્રિયાઓ તમારા મનની શક્તિને વધારીને ઊર્જા વિજ્ઞાનના આધારે કુદરતી વાઇફાઇના માધ્યમથી કમ્યુનિકેટ કરી શકો એ તદ્દન સંભવ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફોન ટેલિપથી તરીકે ઓળખાતો આ અનુભવ તમને પણ ક્યારેક થયો હશે. કોઈકને દિલથી યાદ કરો અને તે તમારી સમક્ષ પ્રગટ થાય કે એ વ્યક્તિની મનોસ્થિતિનો ભાસ તમને પણ થાય અથવા તો તમારા મનની મૂંઝવણ સામેવાળી વ્યક્તિ અંતર્યામી હોય એમ તમારા કહ્યા વિના સમજી જાય. આને ચમત્કાર ગણાય? વિજ્ઞાન જેને ટેલિપથી કહે છે એને યોગવિજ્ઞાન એનર્જી એક્સચેન્જ કહે છે. યોગિક ક્રિયાઓ તમારા મનની શક્તિને વધારીને ઊર્જા વિજ્ઞાનના આધારે કુદરતી વાઇફાઇના માધ્યમથી કમ્યુનિકેટ કરી શકો એ તદ્દન સંભવ છે.

આપણે જે રીતે આજે ફોનથી વાત કરીએ છીએ એમ પ્રાચીન સમયમાં યોગીઓ માત્ર વિચારોથી વાત કરતા. આજે પણ આપણે ત્યાં એવા અઢળક યોગીઓ છે જેમની યોગસાધનાના ફળરૂપે મળેલી સિદ્ધિઓ કમ્યુનિકેશનમાં તેમની જબરી મદદ કરતી હોય છે. એ વાત તો હવે જગજાહેર છે કે મૉડર્ન મેડિકલ સાયન્સે બહારના ડેવલપમેન્ટ પર કામ કર્યું, જ્યારે આપણી પ્રાચીન યોગવિદ્યાએ ઇન્ટરનલ ડેવલપમેન્ટ પર. ઇન્ટરનલ ડેવલપમેન્ટ જ્યારે સ્ટ્રૉન્ગ થાય ત્યારે બાહ્ય જગતનાં તમામ સાધનો લૂલાં અને પાંખાં લાગવા માંડે. ૧૯૭૦માં સ્વામી રામ નામના અત્યંત જાણીતા યોગીએ અમેરિકાના વૈજ્ઞાનિકોને મોઢામાં આંગળાં નાખવા મજબૂર કરી દીધેલા. યોગસાધનાની મેળવેલી સિદ્ધિના પ્રતાપે મૉડર્ન સાધનો સાથે હજારો લોકોની હાજરીમાં પોતાના શરીરનું તાપમાન, હૃદયના ધબકારા પર નિયંત્રણ મૂકી દેખાડ્યું હતું. ન્યુરો સાયન્સની દુનિયામાં જેને અસંભવ ગણાતું હતું એવું બધું જ સ્વામી રામ કરી ચૂક્યા હતા. જો તમે ઑટોબાયોગ્રાફી ઑફ યોગી વાંચી હોય તો પરમહંસ યોગાનંદના જીવનમાં ઘટેલા આવા અનુભવો તેમણે જોયેલા આવા અકળ યોગીઓની વાત કોઈ કાલ્પનિક કથા જેવા લાગે, પણ એ અવાસ્તવિક નથી. કોઈ પણ જાતના ફોન વગર, કોઈ પણ વાઇફાઇ જેવા બહારના નેટવર્ક વિના કમ્યુનિકેટ કરવું એ પણ યોગની જ એક અવસ્થા છે અને જેને તમે ઇન ફૅક્ટ બહુ જ પ્રારંભિક અવસ્થા કહી શકો. ટેલિપથી સાયન્સ કેવી રીતે કામ કરે છે અને અભ્યાસ દ્વારા એને કઈ રીતે આપણી અંદર ઉમેરી શકાય એ વિષય પર ચર્ચા કરીએ.



બહુ જ સામાન્ય


સ્થૂળ જગત એટલે આપણે જે જોઈ શકીએ છીએ અને સૂક્ષ્મ જગત એટલે જેને આપણે જોઈ નથી શકતા, પણ જેનો પ્રભાવ બહુ જ જાયન્ટ હોય છે. ટેલિપથી બહુ જ પ્રાથમિક અવસ્થામાં જ પામી શકાતી અવસ્થા છે. વેદિક સાયન્ટિસ્ટ ડૉ. અભિલાષા દ્વિવેદી આ વિશે કહે છે, ‘ટેલિપથી એ પ્યૉર ફ્રીક્વન્સી સાયન્સ છે. દરેકેદરેક વસ્તુની ફ્રીક્વન્સી છે. તમારું બ્રેઇન પણ એક ફ્રીક્વન્સી પર કામ કરે છે અને તમારા મનના વિચારો પણ એક ફ્રીક્વન્સી ધરાવે છે. હવે જ્યારે તમારા મગજની ફ્રીક્વન્સી તમે જે વ્યક્તિને યાદ કરી રહ્યા છો એ જ વ્યક્તિની ફ્રીક્વન્સી સાથે સેટ કરી દો તો તમારી યાદ જે-તે વ્યક્તિ સુધી પહોંચી જાય. બીજી વાત, જે લોકો એકબીજા સાથે ઇમોશનલી જોડાયેલા હોય તેમના માટે તો આ કનેક્શન બિલ્ડ કરવું વધુ આસાન હોય છે. ઘણા સંજોગોમાં તમે જોયું હશે કે તમારી પ્રિય વ્યક્તિ તકલીફમાં હોય ત્યારે તમને પણ મનમાં ધ્રાસકો પડતો હોય છે. સંતાન તકલીફમાં હોય અને કોઈ પણ જાતના શાબ્દિક કમ્યુનિકેશન વિના બીજા છેડે રહેલી માતાને બેચેની થવા માંડે છે. આ શું છે? એક પ્રકારનું કમ્યુનિકેશન છે પણ ઊર્જા થકી, સેમ ફ્રીક્વન્સીની મેન્ટલ સ્ટેટમાં થયેલું કમ્યુનિકેશન છે જે કોઈ પણ બાહ્ય સાધનનું મોહતાજ નથી. તમે ઇચ્છો કે ન ઇચ્છો, અમુક સ્તર પર સતત આપણે એનર્જી એક્સચેન્જ કરી રહ્યા છીએ. ઘણી વાર એવું બન્યું હશે કે તમે પ્રવાસ કરતા હો અને તમારી બાજુમાં બેસેલી કોઈક વ્યક્તિ બે જ ડાયલૉગમાં તમારી જીવનભરની મિત્ર બની જાય અને કોઈક અજાણી વ્યક્તિ; જેને આપણે ક્યારેય મળ્યા નથી, જેના વિશે આપણને કંઈ ખબર નથી; તેના પર વગર બોલે આપણને ચીડ ચડે. આ શું છે? એનર્જી એક્સચેન્જ છે. તમારી ફ્રીક્વન્સીથી વિપરીત ફ્રીક્વન્સી ધરાવતી વ્યક્તિ તમને વગર કારણે અકળામણ આપશે.’

તમારે જાગ્રત રહેવું પડે


તમારી પાસે વાઇફાઇ છે, તમારું નેટવર્ક પણ સ્ટ્રૉન્ગ છે; પરંતુ જો ફોન સાઇલન્ટ પર છે તો સામેવાળો ગમેતેટલા ફોન કરશે તોપણ તમે ફોન ઊંચકવાના? નહીં, કારણ કે તમને ફોનની રિંગ સંભળાતી જ નથી. ટેલિપથી કનેક્શનમાં પણ આવું જ થતું હોય છે. ડૉ. અભિલાષા કહે છે, ‘કનેક્શન બિલ્ડ કરવા માટે તમારી જાગૃતિ જરૂરી છે. તમારું ચિત્ત જે ચેતના સાથે તમને જોડે છે એ જાગૃત અવસ્થામાં હોય તો જ અભૌતિક લાગતી આ ઘટના સંભવ છે. યોગાભ્યાસ તમને જાગૃતિ આપે છે. યોગ તમને ભૂતકાળ કે ભવિષ્યને બદલે વર્તમાનમાં રાખે છે. યોગ તમને એકાગ્રતા આપે છે. યોગ તમારી સભાનતા વધારીને ઊર્જા પ્રત્યે તમને વધુ સંવેદનશીલ કરી દે છે એટલે જ તમે કોઈ પણ તમારી મનગમતી વ્યક્તિ તરફથી આવતાં સેન્સેશન્સને સરળતાથી પકડી શકો છો. યોગ તમને સારા સેન્ડર અને રિસીવર બન્ને બનાવે છે.’

ફોન સ્માર્ટ કે તમે સ્માર્ટ?

ડૉ. અભિલાષા

આજના સમયમાં લોકો પોતાને સ્માર્ટ સમજે છે, પણ તેઓ ખરેખર સ્માર્ટ નથી; માત્ર તેમનો ફોન જ સ્માર્ટ છે. પરંતુ યોગ તમારા આંતરવિશ્વમાં કામ કરીને તમારી એ છુપાયેલી સ્માર્ટનેસને છતી કરવાનું કામ કરે છે. ડૉ. અભિલાષા કહે છે, ‘વિજ્ઞાનની તો હજી માત્ર પા-પા પગલી શરૂ થઈ છે. અધ્યાત્મ વિજ્ઞાન તો અનેકગણું કલ્પનાતીત આગળ છે. તમે વિચાર તો કરો કે આટલા વૈજ્ઞાનિક વિકાસ પછીયે એક અણુને આપણે પૂરેપૂરી રીતે સમજી નથી શક્યા. આપણને વસ્તુ વાપરતાં આવડે છે પણ એ છે શું એની સમજણ આપણને નથી. કોઈ પણ ભૌતિક સાધનોનો ઉપયોગ કર્યા વિના દૂર બેઠેલી વ્યક્તિ સાથે મનથી કનેક્ટ થઈ વૈચારિક કે ભાવનાત્મક આદાનપ્રદાન બહુ જ સહજ ઘટના છે. જો જાત સાથે આપણે જોડાઈ ગયા તો એને ઘણા લોકો સ્વાભાવિક રીતે અનુસરી શકે. બાળક જ્યારે જન્મે છે ત્યારે કૉન્શિયસ અને ઇન્ટ્યુટિવ એમ બે પ્રકારની અવસ્થા સાથે જન્મે છે. તમે જ્યારે યોગિક સાધનામાં સ્થિર થાઓ છો ત્યારે તમારું ફોકસ આ આંતરજગતના અને બ્રહ્માંડ સાથે આપણને જોડતા ઇન્ટ્યુટિવ પાવરને વધારવાની દિશામાં સક્રિય હો છો. એના જ પ્રતાપે પ્રકૃતિમાં જે દેખાતું નથી પણ છે એવી એન્કોડેડ વસ્તુને પણ ડીકોડ કરવાનું સામર્થ્ય મેળવી શકીએ છીએ.’

યોગ જ શું કામ?

આગળ કહ્યું એમ યોગ તમને સભાનતા અને જાગૃતિ આપે છે. અહીં ડૉ. અભિલાષા કહે છે, ‘લોકો યોગ એટલે આસન માને છે, પરંતુ યોગ આંતરવિશ્વને અજવાળવાની સાધના છે. યોગનો સૌથી મહત્ત્વનો ગોલ છે પ્રાણઊર્જા થકી બ્રહ્માંડની ઊર્જા સાથે એકત્વ સાધવું. યોગ જ એક માર્ગ છે જે તમારા આંતરજગતમાં સિસ્ટમૅટિકલી કામ કરવાની સીડી પૂરી પાડે છે. સામાન્ય નાડીશુદ્ધિ પ્રાણાયામ તમારા ઊર્જાતંત્રમાં સંતુલન લાવે છે. સિમ્પલ એક પ્રાણાયામનો અભ્યાસ શરીર અને મનની સ્થિરતા લાવશે. તમે જોજો, જે પણ લોકો નિયમિત પ્રાણાયામનો અભ્યાસ કરતા હશે તેમના ચહેરા પર એક તેજ હશે. અવેરનેસને ફોકસ કરીને થતો યોગનો અભ્યાસ તમારા સૂક્ષ્મ શરીરને શુદ્ધ કરે. તમારું આભામંડળ મજબૂત બને. સ્વાભાવિક રીતે તમે પ્રકૃતિ સાથે તાલમેલમાં આવવા માંડો. યોગ કરનારી વ્યક્તિ સહજ રીતે પ્રકૃતિની સાત્ત્વિકતાથી પ્રભાવિત થતી હોય છે. તેના આહારવિહારમાં પ્રકૃતિ મહત્ત્વની બની જાય. શું કામ યોગીઓ બને ત્યાં સુધી ફળાહારી બની જતા હોય છે? સિમ્પલ, તેમનો આહાર ઘટે અને જીવવા માટે અનિવાર્ય જેટલો આહાર હોય એ મોટા ભાગે પ્રકૃતિના ઓરિજિનલ ફૉર્મમાં હોય. રાંધેલું અન્ન પણ પ્રોસેસ્ડ થયેલું છે, પણ ફળ સંપૂર્ણ નૅચરલ છે. જેટલા કુદરતની નજીક રહીશું એટલું જ આપણી અંદર રહેલા સહજ કુદરતી પાવર પરથી આવરણો હટતાં જશે. ટેલિપથી એ એવી જ આપણી અંદર રહેલી ક્ષમતાનું એક પરિણામ છે. આ કોઈ રૉકેટ સાયન્સ નથી. જેમ-જેમ દૈવીય વસ્તુઓ જાગશે એમ-એમ દુન્યવી ઘટતી જશે.’

Whatsapp-channel Whatsapp-channel

21 August, 2024 07:37 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK