પાંચ વર્ષથી નાનાં બાળકોમાં પોષક તત્ત્વોની ઊણપને કારણે થતી આ બીમારીમાં હાડકાં એટલાં નબળાં હોય છે કે પગ કમાન જેવા કે એનાથી ઊંધી તરફ વાંકા વળી જતા હોય છે. વિકાસમાં અવરોધરૂપ બનતો આ રોગ વકરે એ પહેલાં જ ઇલાજ કરવામાં આવે એ જરૂરી છે
રુબિના ફ્રાન્સિસ
પૅરાલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ વિજેતા પૅરાશૂટર રુબિના ફ્રાન્સિસને બાળપણમાં રિકેટ્સની બીમારી હતી. રિકેટ્સ હાડકાં સંબંધિત તકલીફ છે. આ નામ એટલું જાણીતું નથી, પરંતુ રોગ ઘણો વ્યાપક છે. જે રોગમાં બાળકોના પગ ધનુષ જેવા વાંકા થઈ જાય છે એ બીમારી એટલે રિકેટ્સ. જોકે આ રોગ આ એક ચિહ્ન પૂરતો સીમિત નથી. રિકેટ્સના ઘણાબધા પ્રકાર છે અને અલગ-અલગ ચિહ્નો પણ છે; પરંતુ સારી બાબત એ છે કે આ રોગનો ઇલાજ છે, ખૂબ સારો ઇલાજ છે. એ ઇલાજ કરીને જ રુબિના ફ્રાન્સિસ આજે ઑલિમ્પિક્સમાં રમવાને જ નહીં, મેડલ જીતવાને પણ લાયક બની હતી. આજે જાણીએ આ રોગ વિશે વિસ્તારથી.