સતત બેસીને કામ કરતા લોકો આ નિયમ બનાવે તો તેઓ બ્લડ-શુગરને નિયંત્રણમાં રાખી શકે છે
પ્રતીકાત્મક તસવીર
‘દર ૨૦ મિનિટદીઠ બે મિનિટ’ એક સરળ અને પ્રભાવી હેલ્થ-સ્ટ્રૅટેજી છે જે બ્લડ-શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ખાસ કરીને એ લોકો માટે જે લોકો લાંબા સમય સુધી સીટ પર બેસીને કામ કરે છે. આ રૂલ અનુસાર દર વીસ મિનિટ બેસીને કામ કર્યા બાદ બે મિનિટ માટે લટાર મારવી જોઈએ. આ આદત તમારા શરીરના મેટાબોલિઝમ એટલે કે ચયાપચયને સુધારવામાં મદદ કરે છે. ખાસ કરીને જમ્યા પછી.
જ્યારે આપણે લાંબો સમય સુધી બેઠા રહીએ ત્યારે આપણા સેલ્સ ઇન્સ્યુલિન પ્રત્યે ઓછા સેન્સિટિવ થઈ જાય છે. એટલે કે ઇન્સ્યુલિન સરખી રીતે કામ કરતું નથી અને ગ્લુકોઝ વધુ સમય માટે લોહીમાં રહે છે. જ્યારે આપણે હરતા-ફરતા રહીએ તો મસલ એનર્જી માટે ગ્લુકોઝનો ઉપયોગ કરે છે પરંતુ જ્યારે આપણે બેઠા રહીએ ત્યારે મસલ ઇનઍક્ટિવ થઈ જાય છે, ગ્લુકોઝનો ઉપયોગ ઓછો થાય છે અને બ્લડ-શુગર વધી જાય છે. એ સિવાય લાંબા સમય સુધી બેઠા રહેવાથી પાચન ધીમું થાય છે, જેનાથી ખોરાકનું ગ્લુકોઝ લોહીમાં અનિયમિત રીતે રિલીઝ થાય છે અને એનાથી બ્લડ-શુગર સ્પાઇક થવા લાગે છે.
ADVERTISEMENT
શું કરશો?
શરૂઆતમાં એવું બને કે વચ્ચે-વચ્ચે બ્રેક લેવાનું યાદ ન આવે. તો એ માટે તમારા ફોનમાં દર ૨૦ મિનિટનું રિમાઇન્ડર લગાવો. તમે વર્ક ફ્રૉમ હોમ કરી રહ્યા હો તો ઘરની અંદર જ આંટાફેરા મારો તો પણ ચાલે. આ નાનીએવી આદતને દૈનિક જીવનમાં અપનાવવાથી તમારી મેટાબોલિક હેલ્થમાં પણ સુધારો થઈ શકે છે. આપણી મેટાબોલિક હેલ્થ ખરાબ હોય તો બ્લડ-શુગર લેવલ પર અસર પડે છે. જે લોકોને પ્રી-ડાયાબિટીઝ કે ટાઇપ-ટૂ ડાયાબિટીઝ હોય, જે લોકો કલાકો સુધી સીટ પર બેસીને ડેસ્ક-જૉબ કરતા હોય, જે લોકો ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સારી બનાવવા ઇચ્છતા હોય, જે લોકોને જમ્યા પછી બ્લડ-શુગર સ્પાઇકથી બચવું હોય તેમણે આ આદત અપનાવવી જોઈએ.

