વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનો ડેટા કહે છે કે ૨૦૦થી વધારે રોગો અનહાઇજીનિક ને અસુરક્ષિત આહાર લેવાથી થાય છે, જેમાં ડાયેરિયાથી લઈને કૅન્સર આવી ગયા. દરરોજના લગભગ ૧૬ લાખ લોકો અનસેફ આહાર ખાવાથી માંદા પડે છે.
પ્રતીકાત્મક તસવીર
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનો ડેટા કહે છે કે ૨૦૦થી વધારે રોગો અનહાઇજીનિક ને અસુરક્ષિત આહાર લેવાથી થાય છે, જેમાં ડાયેરિયાથી લઈને કૅન્સર આવી ગયા. દરરોજના લગભગ ૧૬ લાખ લોકો અનસેફ આહાર ખાવાથી માંદા પડે છે. મુંબઈમાં સ્ટ્રીટ-ફૂડ કલ્ચર ‘દિન દુગના અને રાત ચૌગુના’ની ઝડપે વધી રહ્યું છે ત્યારે બહારનું ખાવાથી માંદા પડ્યા હોય અથવા બહારના ભોજનની અવળી સાઇડ જોઈ ચૂકેલા કેટલાક મુંબઈકરોના અનુભવ વિશે વાત કરીએ
આ વર્ષે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેની થીમ છે ‘ફૂડ સેફ્ટી - સાયન્સ ઇન ઍક્શન.’ બગડેલા અને ખરાબ ગુણવત્તાના અનહાઇજીનિક આહારથી થતા રોગો વિશે જાગૃતિ લાવવા માટે ૨૦૧૯માં યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસ ઊજવવાની શરૂઆત થઈ હતી. ફૂડ સેફ્ટી એક ગંભીર પ્રશ્ન છે અને એના પર ચર્ચા થવી જોઈએ અને હવે ફૂડ સેફ્ટીના મામલે વૈજ્ઞાનિક અભિગમ સાથે આગળ વધવું જોઈએ એવું પણ વિશ્વના હેલ્થ એક્સપર્ટ કહી રહ્યા છે.
ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) દ્વારા મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ સાઇન કરવામાં આવ્યું હતું જેનું ધ્યેય છે મુંબઈના સ્ટ્રીટ-ફૂડ વેન્ડર્સને હાઇજીન, ક્લેન્લીનેસ અને ફૂડ સેફ્ટીની ટ્રેઇનિંગ આપવામાં આવે. ફૂડ સેફ્ટી ટ્રેઇનિંગ ઍન્ડ સર્ટિફિકેશન પ્રોગ્રામ અંતર્ગત મુંબઈમાં ખાવાનું વેચતા લગભગ દસ હજાર ફેરિયાને ટ્રેઇન કરવાનો ટાર્ગેટ છે. સરકારી એજન્સીઓ પણ જાણે છે કે મુંબઈમાં રસ્તા પર વેચાતું ફૂડ હાઇજીનિક નથી પરંતુ આજકાલ બધા માટે સંકટ સમયની સાંકળ બનેલી ટેન મિનિટ ઍપ્સ પર મળતું ફૂડ પણ અનહાઇજીનિક છે. તાજેતરમાં જ ઝેપ્ટો નામની ઇન્સ્ટન્ટ ડિલિવરી ઍપના ધારાવીના વેરહાઉસમાં સડેલું, ફંગસ લાગેલું, ગંધાતું, ગંદી જગ્યાએ સચવાયેલું, કોલ્ડ સ્ટોરેજમાં ટેમ્પરેચરના મૅનેજમેન્ટના અભાવે બગડી ગયેલું ફૂડ મળી આવ્યું. મહારાષ્ટ્રની ફૂડ રેગ્યુલેટરી બૉડી ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા ઝેપ્ટોનું ધારાવી સેન્ટરનું ફૂડ લાઇસન્સ રદ કરવામાં આવ્યું. પકડાય એ ચોર અને બાકી બધા શાહુકારવાળી દુનિયામાં આપણે જીવીએ છીએ. એક એજન્સીએ એક જગ્યાએ છાપો માર્યો અને ત્યાં ગોટાળા મળ્યા પણ એનો અર્થ એવો નથી કે બીજી બધી જ જગ્યાઓ સેફ છે. આ વાત પર સ્વાદના શોખીન મુંબઈના ગુજરાતીઓએ આ દિશામાં ખૂબ જ ગંભીરતા સાથે વિચારવાની જરૂર છે. એનું કારણ છે કે મુંબઈમાં સ્ટ્રીટ-ફૂડથી લઈને ફાઇન ડાઇન રેસ્ટોરાં સુધીના દરેક પ્રકારના ફૂડની ભરમાર છે. ટેસ્ટને પ્રાયોરિટીમાં રાખનારા લોકો એના મેકિંગ તરફ ભાગ્યે જ ધ્યાન આપે છે. સ્ટ્રીટ-ફૂડથી લઈને બ્રૅન્ડેડ રેસ્ટોરાંમાં પણ ફૂડ હાઇજીનને લઈને કડવા અનુભવો મેળવી ચૂકેલા, એને ઑબ્ઝર્વ કરી ચૂકેલા કેટલાક મુંબઈકરો સાથે આ વિષય પર ચર્ચા કરીએ.
ટૉઇલેટના પાણીનો છૂટથી વપરાશ
વર્ષો સુધી ફોર્ટમાં આવેલી ઑફિસમાં કામ કરવા જતા સામાજિક કાર્યકર કીર્તિ શાહે ફોર્ટની પૉપ્યુલર સ્ટ્રીટ-ફૂડની રેંકડીઓ પરની અનહાઇજીનિક સિસ્ટમને નજરેનજર જોઈ છે. કીર્તિભાઈ કહે છે, ‘વડાપાંઉ, પાંઉભાજી, પુલાવ વગેરેની રેંકડીઓ પાસે પાણીનો કોઈ સોર્સ હોતો નથી. એટલે એ લોકો નજીકની ઑફિસોના વૉચમૅન સાથે સેટિંગ કરીને પાછલા ભાગમાં પાઇપ લગાવીને ટૉઇલેટનું પાણી પોતાને ત્યાં ખેંચી લે. આ જ પાણીથી રસોઈ બને અને આ જ પાણીથી વાસણ ધોવાય. પુલાવ બનાવવા માટે મોટી માત્રામાં ભાત તો પહેલેથી રંધાઈ ગયા હોય. પછી એને મોટા ટોપલામાં કાઢીને એમાંથી પાણી કાઢવા માટે એ લોકો ગટર જેવા નાળાને રોડ સાથે વાસણને ત્રાંસું રાખે એટલે પાણી સીધું ગટરમાં જાય પરંતુ એ કરવામાં ભાત ગટરની એટલી નજીક હોય કે એમાં ગટરના પાણીના છાંટા પણ એમાં ઊડતા હોય. ઉંદરો અને કૉક્રૉચનું હોવું તો ત્યાં અતિસામાન્ય છે. આજે પણ તમને આ બધા જ નજારા જોવા મળશે. સવારે છથી આઠ વાગ્યા દરમ્યાન આ વિસ્તારમાં હું ખૂબ ફર્યો છું અને સાતત્યતાપૂર્વક આ આખી સ્થિતિ જોઈ છે.’
આ જ નજારો મહાવીરનગરમાં પોતાનું ક્લિનિક ધરાવતા ડૉ. મિતેશ વોરાએ પણ જોયો છે. તેઓ કહે છે, ‘ટૉઇલેટના નળમાંથી આવતું પાણી સારું હોય પરંતુ એનાથીયે બદતર ગંદા પાણીથી વાસણ સાફ કરતા, અતિશય ગંધાતા કપડાથી એ વાસણ લૂછતા અનેક રેંકડીવાળા મેં જોયા છે. બટાટા ધોવા મૂક્યા હોય ત્યાં સાથે ઉંદરડા પાણી પીતા હોય એ મેં જોયું છે. ંરેકડીવાળા પાસે પાણી છે જ નહીં એટલે ખૂબ જ ગંદું કહેવાય એવું પાણી વાપરે એમાં નવાઈ નથી. આજે ૮૦ ટકા ફૂડ-પૉઇઝનિંગ ખરાબ પાણીને કારણે થતું હોય છે અને એના તરફ લોકો ધ્યાન જ નથી આપતા.’
પાતરાં અને ઢોકળાંની અવદશા
કીર્તિભાઈએ રાહત દરે ટિફિનના કાર્યમાં જોડાયા પછી બલ્ક લેવલ પર બનતાં ઢોકળાં અને પાતરાંનું મેકિંગ જોયું છે અને ત્યારથી તેમણે બહારથી ઢોકળાં અને પાતરાં ખાવાનું બંધ કર્યું છે. તેઓ કહે છે, ‘એક વાર સવારનાં ઢોકળાં સાંજે ખાધાં અને મારી તબિયત ભયંકર બગડી ગઈ હતી. ડૉક્ટરે કહ્યું કે ફૂડ-પૉઇઝનિંગ છે અને ઢોકળાને કારણે થયું હોઈ શકે. એ પછી ઘરે આવીને ખબર પડી કે ખરેખર ઢોકળાંમાંથી વાસ આવી રહી હતી. જોકે જ્યારે વાટી દાળનાં ઢોકળાંના કારખાનામાં જઈને એની બનાવવાની પ્રોસેસ જોઈ ત્યારથી આમ પણ બહારનાં ઢોકળાં અને પાતરાં ખાવા પરથી મન ઊઠી ગયું. કાંદિવલી, બોરીવલીમાં ચાલી સિસ્ટમમાં આવાં કારખાનાં છે જ્યાં પાતરાંનાં પાંદડાં ધોવાનાં તો દૂર, કપડાથી લૂછાતાં પણ નથી. દરવાજા પાસે ગંદી જમીન અને ચંપલોની આસપાસ પાંદડાંની ગૂણી રખાય અને સીધી જ તૈયાર ચણાના લોટનું સ્ટફિંગ લગાવીને એના રોલને બાફવા નાખવામાં આવે. બફાયેલાં ઢોકળાંની લાદી પર કૉક્રૉચ ફરતા મેં નજરોનજર જોયા છે. એક વાર આ મેકિંગ જોઈ લો તો તમે દુષ્કાળમાં હો અને મહિનાથી ભૂખ્યા હો તો પણ આ વસ્તુ ખાઈ ન શકો.’
ટૉપ બ્રૅન્ડની રેસ્ટોરાંના ગોટાળા
થોડાક જ દિવસ પહેલાંની વાત છે. નવી મુંબઈમાં આખા વર્લ્ડમાં ફ્રૅન્ચાઇઝી ધરાવતી બર્ગરની બહુ જ મોટી, જૂની અને જાણીતી બ્રૅન્ડ છે ત્યાંથી સ્ટ્રૉબેરી મિલ્કશેક એક બહેને મગાવ્યો અને એમાંથી પ્લાસ્ટિકના નાના-નાના ટુકડા મળ્યા. ફરિયાદ કરી તો શરૂઆતમાં તો આઉટલેટનો મૅનેજર માનવા જ તૈયાર નહીં. એ પછી ફૂડ રેગ્યુલેટરી એજન્સીઓને ટૅગ કરીને ટ્વીટ કર્યું એના અઠવાડિયા પછી બ્રૅન્ડે માફી માગી અને મામલાને ત્યાં જ અટકાવવાની ભલામણ કરી. આ ટ્વીટ કરનારા અને ફાઇટ ફૉર રાઇટ નામની સંસ્થાના સ્થાપક ધનીશ શાહ કહે છે, ‘મારું કામ એવું છે કે મારે દિવસમાં એક ટાઇમ બહાર ખાવું જ પડે. મને અફસોસ છે કે પૈસા આપીને પણ હાઇજીનિક ખાવાનું આપણને નથી મળી રહ્યું. આ બર્ગર બ્રૅન્ડે પોતાની ભૂલ સ્વીકારી કારણ કે એને સમજાયું કે સામેવાળી વ્યક્તિ ઍક્શન લઈ શકે એમ છે. એવો જ એક બીજો કિસ્સો છે જેમાં ઘાટકોપરની જૂસની એક ખૂબ જ જાણીતી બ્રૅન્ડ હતી. ત્યાં પાંઉભાજી, પીત્ઝા, પાસ્તા જેવું જન્ક ફૂડ પણ મળે છે. ત્યાંનું કિચન તમે પાછળના ભાગથી જુઓ તો ખબર પડે કે જમીન પર કાપેલા બટાટા પડ્યા હોય, કચરાની બાજુમાં ખાવાનું હોય, મચ્છર, માખી અને કૉક્રૉચ તો બાય ડિફૉલ્ટ હોય. ત્યાંની સ્થિતિના ફોટો પાડીને મેં BMCના હેલ્થ વિભાગમાં ફરિયાદ કરી હતી. પછી ઍક્શન લેવાઈ પરંતુ વગદાર બ્રૅન્ડ હતી એટલે રસ્તો નીકળી ગયો. આજે જે સ્થિતિ છે એમાં લોકોએ જાગીને આવું દેખાય એ માટે ઑનલાઇન ઈ-મેઇલ દ્વારા પણ ફરિયાદ કરતા રહેવું જોઈએ. લોકો જાગશે તો જ ઍક્શન લેવાશે અને ફૂડ વેન્ડર્સમાં સતર્કતા આવશે.’
ફાઇવસ્ટાર હોટેલમાં તો બધું હાઇજીનિક જ હોય એવું માનતા હો તો પણ અટકશો. એક કિસ્સો વર્ણવતાં ઑક્યુપેશનથી ડેન્ટિસ્ટ અને એ સિવાય ભારતીય તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસુ અને સાધક ડૉ. સુનીલ શાસ્ત્રી કહે છે, ‘હું બહારનું ખૂબ જ ઓછું ખાઉં છું કારણ કે હાઇજીન મહત્ત્વનું છે જ. જોકે એક વાર ફાઇવસ્ટાર હોટેલમાં માત્ર સૅલડ ખાઈને પણ મને ફૂડ-પૉઇઝનિંગ થઈ ગયું હતું. થોડાક સમય પહેલાં એક કિસ્સો વાંચવા મળ્યો હતો જેમાં કૅનનું ડ્રિન્ક ડાયરેક્ટ પીવાથી લેપ્ટોસ્પાઇરોસિસ થયું અને બે વ્યક્તિનાં મૃત્યુ થઈ ગયાં. જે કૅનનું ડ્રિન્ક તેમણે પીધું હતું એના પર ઉંદરનું યુરિન ડ્રાય થઈ ગયું હતું અને એમાં રહેલા બૅક્ટેરિયાને કારણે તેમને આ બીમારી લાગી હતી. આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે કે બનાવનારનો ભાવ પણ મહત્ત્વનો છે. મા-બહેન કે પત્ની પ્રેમથી બનાવે પોતાના પતિ કે બાળક માટે. એ ભાવ બહારથી મળવો મુશ્કેલ છે. તન અને મનના રોગો પણ આજે વધી રહ્યા છે કારણ કે લોકો બહારનું પુષ્કળ ખાઈ રહ્યા છે જ્યાં બહારનું હાઇજીન અને અંદરનું હાઇજીન પણ મિસિંગ છે. મનુસ્મૃતિમાં પણ આહારની ગુણવત્તા પર વિશેષ ભાર મુકાયો છે. આહારની શરીર અને મન એમ બન્ને પર ઊંડી અસર થતી હોય છે.’
ડૉ. મિતેશ વોરાના ટૉપ બ્રૅન્ડના થયેલા અનુભવ વિશે જાણવા જેવું છે. તેઓ કહે છે, ‘હું મારી ફૅમિલી સાથે મહાવીરનગરમાં સિઝલરના એક ખૂબ જ પૉપ્યુલર આઉટલેટમાં જમવા ગયો હતો. હવે તો અહીંથી બંધ થયું પણ આજેય મુંબઈના ઘણા પ્રાઇમ લોકેશન પર છે અને અમને એ સિઝલરમાંથી એક કૉક્રૉચ નીકળેલો. બીજી એક ખૂબ જ પૉપ્યુલર સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાં છે જેનાં પણ મુંબઈભરમાં આઉટલેટ છે. એ જગ્યાએ અમે જમવા ગયેલા અને અમારી બાજુમાં બેસેલી એક ફૅમિલીએ પંજાબી ખાવાનું ઑર્ડર કરેલું. તેમના શાકમાંથી અડધી બળેલી ગરોળી નીકળી અને એ લોકોની ચીસ નીકળી ગઈ. આવા તો અઢળક કિસ્સાઓ છે. મોટા ભાગની મોટી-મોટી રેસ્ટોરાંમાં સસ્તું પડે એટલે ખૂબ જ નીચલી ગુણવત્તાની શાકભાજી આવતી હોય છે. મારા એક રિક્ષાવાળા દરદીએ પોતાની રિક્ષામાં જ કાંદિવલીની સૌથી મોંઘી હોટેલમાં જઈ રહેલી શાકભાજી જોઈને કહેલું કે ખૂબ જ ખરાબ કક્ષાનાં ટમેટાં, બટાટા ખરીદાતાં હોય છે. બીજું, શાકભાજી સમારીને આખો-આખો દિવસ ખુલ્લી પડી હોય. એમાં ઇન્ફેક્શન લાગતું હોય, જીવાત લાગતી હોય જે ખાવાથી સિસ્ટોસાર્કોસિસ નામની જીવલેણ બીમારી પણ થઈ શકે જેમાં શાકભાજીમાં રહેલા કેટલાક વર્મ્સ તમારા બ્રેઇન સુધી પહોંચીને ત્યાં સિસ્ટ બનાવે અને વ્યક્તિને ફીટ આવે.’
માટુંગાની કૉલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતાં બીજલ દેઢિયા પ્યૉર જૈન ફૂડ ખાય છે. બહારનું ઓછું ખાવાનું આવે પણ ક્યારેક ખાવું પડે ત્યારે મનમાં ડર તો હોય જ છે એમ જણાવીને તેઓ કહે છે, ‘અમારી કૉલેજમાં કૅન્ટીનમાં જે જૂનો વેન્ડર હતો તેની પાસેથી એક વાર જૈન સૅન્ડવિચ મગાવી હતી અને એમાંથી કૉક્રૉચ નીકળેલો. ટ્રાવેલિંગ દરમ્યાન આમ પણ જૈન ભોજનમાં પર્યાયો ઓછા હોય છે પરંતુ જ્યારે પણ ખાવાનું બને ત્યારે મારા પ્રયાસો આવા જ ઑપ્શન હોય અને એમાં પણ કંઈક નીકળે ત્યારે ખરેખર શું કરવું એ સમજાય નહીં. મારી વર્ષોથી આદત છે કે ખાતાં પહેલાં એ ફૂડને બરાબર ચેક કરી લેવું. આજકાલ લોકો ગાર્નિંશિંગ પર વધારે ફોકસ કરે છે અને મેકિંગની પ્રોસેસ ભૂલી જાય છે. ગરમાગરમ ભાજી પર બટર અને કોથમીર નાખીને સર્વ થાય એટલે આપણને ખાવાનું મન થાય પણ ત્યારે એ ભૂલી જવાય કે એમાં વપરાયેલાં ટમેટાં કયા પાણીમાં ધોવાયાં હતાં, ભાજી બનાવવા માટે વપરાયેલું પાણી કયું વપરાયું હતું.’

