સાદી ગાંઠ કૅન્સરની ગાંઠ બની જાય એના ચાન્સ ૧ ટકા જેટલા હોય છે
પ્રતીકાત્મક તસવીર
હું ૩૩ વર્ષની છું અને મને ગર્ભાશયમાં ફાઇબ્રૉઇડ્સની સમસ્યા છે, જેનું નિદાન હાલમાં થયું છે. અમે આ વર્ષે જ બાળક માટે પ્લાન કરવાના હતા અને એ માટે જરૂરી ટેસ્ટમાં આ બધું સામે આવ્યું છે. પહેલાં તો ગાંઠ સાંભળીને અમે ગભરાઈ ગયા. મને લાગ્યું કે મને પણ મારી મમ્મીની જેમ કૅન્સર છે કે શું? પણ ડૉક્ટરે કહ્યું કે આ કૅન્સરની ગાંઠ નથી. મેં એવું સાંભળ્યું છે કે જે સ્ત્રીને ફાઇબ્રૉઇડ્સની સમસ્યા હોય તે ગર્ભ ધારણ નથી કરી શકતી. એનું હંમેશાં મિસકૅરેજ થઈ જાય છે. શું આ વાત સાચી છે? શું હું હવે મા બની શકું એમ નથી? આ તકલીફનો કોઈ ઇલાજ હોય તો ચોક્કસ જણાવજો.
ગર્ભાશયમાં ગાંઠની વાત સાંભળીને સામાન્ય રીતે બધા ગભરાઈ જ જતા હોય છે, પરંતુ એવું છે નહીં. દરેક ગાંઠ કૅન્સરની ગાંઠ હોતી નથી. તમારા ફાઇબ્રૉઇડ પણ કૅન્સરની ગાંઠ નથી. જોકે તમારાં મમ્મીને ગર્ભાશયનું કૅન્સર હતું તો તમને પણ એ થવાની શક્યતા જિનેટિકલી છે, માટે આ બાબતે સતર્ક રહેવું. બીજું એ કે સામાન્ય રીતે જે ફાઇબ્રૉઇડ છે એ એક પ્રકારની તમારા શરીરની પ્રકૃતિ છે એટલે જ્યાં સુધી ગર્ભાશય રહેશે તમને એ ગાંઠ ફરી-ફરીને થયા કરશે. તમે ઇલાજ કરો એ પછી પણ એવું નથી કે આ ગાંઠ પાછી નહીં આવે, એ આવી શકે છે. વળી, આ સાદી ગાંઠ કૅન્સરની ગાંઠ બની જાય એના ચાન્સ ૧ ટકા જેટલા હોય છે. જે શક્યતા અનુસાર તો ઓછા જ કહેવાય માટે ચિંતા ન કરો, પણ તમારે જીવનભર સતર્ક રહેવું જરૂરી છે.
બાકી રહી વાત ઇલાજની તો મેડિકલ મૅનેજમેન્ટ આજના સમયમાં ઉપલબ્ધ છે. એના ક્રાઇટેરિયા એવા છે કે આ ગાંઠની સાઇઝ પાંચ સેમીથી નાની હોવી જોઈએ અને એમાં કેલ્સિફિકેશન ન હોવા જોઈએ. દવાઓ દ્વારા આ ફાઇબ્રૉઇડ્સને નાના કરવામાં આવે છે. જો એ નાની સાઇઝના થાય એ પછી તમે બાળક પ્લાન કરી શકો છો. જોકે સૌથી મહત્ત્વની વાત એ જાણવાનું છે કે આ ફાઇબ્રૉઇડ્સ ગર્ભાશયમાં કઈ જગ્યાએ આવેલા છે. એક પ્રકાર છે સબમ્યુક્સ ફાઇબ્રૉઇડ જે ગર્ભાશયના અંદર પુશ થતું હોય છે તો જરૂરી બને છે કે એને કોઈ પણ રીતે કાઢી લેવા. નહીંતર એ ગર્ભને અંદર દબાણ કરે જેને લીધે મિસકૅરેજ થઈ જતા હોય છે. આમ, ફાઇબ્રૉઇડ કઈ જગ્યાએ છે અને કેટલું મોટું છે એ જાણ્યા પછી નક્કી થાય છે કે તમને દવાની જરૂર છે કે સર્જરીની. ગભરાશો નહીં, ડૉક્ટરને મળો અને પૂરી તપાસ કર્યા પછી યોગ્ય માર્ગદર્શન હેઠળ ઇલાજ કરાવો.


