ખૂબ તીખું લાગે ત્યારે ખાટા અને ગળ્યા પદાર્થો મદદરૂપ થઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે જમવા બેઠા હોઈએ અને કોઈ વ્યક્તિને અચાનક જ તીખું લાગે તો આપણે શું કરીએ છીએ? મોટા ભાગના લોકો પાણીનો ગ્લાસ લેવા દોડે છે. તીખું લાગે એટલે પાણી પીવું જોઈએ એ નુસખો મોટા ભાગના લોકો અજમાવે છે. પાણી દરેક વસ્તુની તીવ્રતાને મંદ કરે છે એટલે તીખાશને પણ ઘટાડી દેશે એમ માનીને કદાચ આ રીત ચાલુ થઈ હોય જેને એક રિવાજની જેમ મોટા ભાગના લોકોએ અપનાવી લીધી છે. પરંતુ ખાસ ધ્યાન આપ્યું હોય તો જ્યારે અત્યંત તીખું લાગે, આંખમાંથી પાણી નીકળે, કાનમાંથી ધુમાડા નીકળવા લાગે કે પરસેવો વળી જાય એ પરિસ્થિતિમાં ૪ ગ્લાસ પાણી પી જાઓ તો પણ એની તીખાશ ઓછી થતી નથી. પાણી પીવાથી મોઢાનો તીખો સ્વાદ ઓછો થતો જ નથી. એ ઓછો થતો ક્યારેક એટલે લાગે છે કે એ તીવ્રતા એની મેળે થોડા સમય પછી ઘટી જાય છે પરંતુ એમાં પાણીનો કોઈ રોલ નથી. તીખું ખાધા પછી પાણી પીવાથી તીખા સ્વાદની ઉષ્ણતા ઓછી કરી શકાતી નથી એ વાત સાચી છે. આમ પણ આયુર્વેદની દૃષ્ટિએ ખોરાક લેતી વખતે કોઈ પણ કારણસર પાણી પીવું જ ન જોઈએ, કારણ કે પાણી પેટના જઠરાગ્નિને મંદ કરે છે. તીખું ખાવાને કારણે ઍસિડિટી થઈ ગઈ હોય તો હૂંફાળું દૂધ એનો અકસીર ઇલાજ છે. આ સિવાય એલચી, વરિયાળી, ખડી સાકર પણ તીખું ખાવાને કારણે થતી બળતરાથી છુટકારો મેળવવા માટેના અત્યંત અકસીર પદાર્થ કહી શકાય. જો તીખું લાગે તો પાણીનો ગ્લાસ મંગાવવાને બદલે કોઈ મીઠાશભર્યો પદાર્થ મોઢામાં મૂકશો તો એની અસર પાણી કરતાં વધુ હશે.
સ્વાદના વિજ્ઞાનને બરાબર સમજીને જ ભારતીય ખોરાક બન્યો છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. આ વાતને ઉદાહરણ સાથે સમજીએ. દૂધનો ઉપયોગ આપણે ખોરાકમાં ખીચડી સાથે જ કરીએ છીએ. આ સિવાય જ્યારે સ્પાઇસી ખોરાક બનાવીએ તો એની સાથે દૂધની મીઠાઈઓનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે ખીર કે પાયસમ. આપણા ખોરાકમાં ક્યારેય એકલો તીખો ખોરાક નથી હોતો. આપણું ભારતીય કલ્ચર એવું છે જેમાં તીખા પદાર્થની ઉષ્ણતાને મંદ કરવા માટે કાં તો ખાટો અથવા મીઠો સ્વાદ વાપરવામાં આવે છે જેમ કે આંધ્રપ્રદેશ અને તામિલનાડુનો ખોરાક અત્યંત તીખો હોય છે તો એને બૅલૅન્સ કરવા માટે એ આમલીની ચટણી કે આમલીવાળું પીણું પીવામાં આવે છે. ગુજરાતીઓ તેમના ખોરાક સાથે છાશ અને પંજાબીઓ લસ્સી પીએ છે. મરાઠી ખોરાક અનહદ તીખો હોતો નથી, પરંતુ ઉસળ કે મિસળ તીખું હોય તો એમાં દહીં નાખવામાં આવે છે. આમ ખૂબ તીખું લાગે ત્યારે ખાટા અને ગળ્યા પદાર્થો મદદરૂપ થઈ શકે છે.
ADVERTISEMENT
- ડૉ. સંજય છાજેડ
( ડૉ. સંજય છાજેડ અનુભવી આયુર્વેદ નિષ્ણાત છે. )

