૪૫ વર્ષનાં એક સ્કૂલ ટીચરને ઍડ્વાન્સ લેવલનું કોલોન કૅન્સર આવ્યું.
પ્રતીકાત્મક તસવીર
કૅન્સરના દરદીઓની કૅન્સરની જર્નીના ઘણા અનુભવો મને થયા છે. અમારે દરદીઓના જીવનની સૌથી અઘરી લડાઈમાં તેમની સાથે રહીને ચાલવાનું હોય છે. સતત તેમની સાથે રહેવાનું હોય છે. ૪૫ વર્ષનાં એક સ્કૂલ ટીચરને ઍડ્વાન્સ લેવલનું કોલોન કૅન્સર આવ્યું. મને યાદ છે કે પહેલા દિવસે જ્યારે તે મારી પાસે આવ્યાં ત્યારે તેમની આંખોમાં આંસુ હતાં. તે બે દીકરીઓની મમ્મી હતાં. તેમનો સૌથી મોટો ડર એ હતો કે તેમની દીકરીઓને તે મોટી થતી નહીં જોઈ શકે. તેમણે મને તરત પૂછ્યું કે મારી દીકરીઓનાં લગ્ન હું જોઈ શકીશ કે નહીં.
આ કોઈ આંકડાકીય પ્રશ્ન નહોતો, આ પ્રશ્ન તેમના અંદરના ડરને છતો કરતો હતો અને એનો જવાબ આપવાથી તેમની આશાનો તાર મજબૂત બનવાનો હતો. મેં તેમને કહ્યું કે કૅન્સરની જર્ની ઘણી લાંબી હોય છે, પણ તમે એમાં એકલાં નથી; હું તમારી સાથે છું. આપણે મળીને આ કઠિન રસ્તા પર ચાલીશું જે તમને સમય અને સારી જિંદગી બન્ને આપી શકે.
ADVERTISEMENT
ઇલાજ શરૂ થયો અને કીમોથેરપીની સાઇડ-ઇફેક્ટ્સ પણ શરૂ થઈ ગઈ. તેમને અતિ થાક લાગી રહ્યો હતો. આ સાઇડ-ઇફેક્ટ સામે તેઓ પોતાનાં હથિયાર નીચે મૂકી રહ્યાં હતાં. જ્યારે તે મારી પાસે થાકીને બેઠાં હોય ત્યારે તેમને યાદ દેવડાવતો કે કયા કારણસર તેમણે આ લડત જીતવાની છે. આ જંગ જીતી ચૂકેલા બીજા દરદીઓનાં ઉદાહરણો ખૂબ કામ લાગતાં. એ તેમના આશાના તંતુને વધુ મજબૂત બનાવતા. તેમનો રોગ આગળ વધતો ચાલ્યો એ રીતે ઇલાજ બદલાતા ગયા. મારા માટે પણ એ સહેલું નહોતું. તેમની અમે એક સિમ્પલ બાયો-માર્કર ટેસ્ટ કરાવી જે પૉઝિટિવ નીકળી. એટલે તેમને ટાર્ગેટેડ ઇન્જેક્શન આપવાનું શરૂ થયું, જેની અસર ઘણી સારી થઈ તેમના પર.
જે વ્યક્તિ ફક્ત અમુક મહિનાઓ જ જીવી શકે એમ હતી તે આજે વર્ષોથી જીવે છે. સ્ટેબલ છે. કાલે ફરી તે મને મળવા આવેલાં. તેમના હાથમાં તેમની દીકરી અને તેની હમણાં જન્મેલી બાળકીનો ફોટો હતો. તેઓ સીધાં મૅટરનિટી વૉર્ડથી મને જ મળવા આવ્યાં હતાં. આભાર માની રહ્યાં હતાં કારણ કે તેઓ આ દિવસ જોવા માટે હયાત રહ્યાં. એ દિવસે મને અહેસાસ થયો કે જે જર્નીમાં અમે બન્ને સાથે ચાલી રહ્યાં હતાં એ જર્ની આજે સફળ થઈ હતી. હું એક ડૉક્ટર તરીકે ભાગ્યે જ ઇમોશનલ થાઉં છું પણ એ દિવસે મારી અંદર રહેલો માણસ ખાસ્સો ભાવુક બની ગયેલો હતો.

