બાળકોમાં કુદરતી રીતે જ સકિંગ રિફ્લક્સ હોય છે, જે તમને અંગૂઠો મોઢામાં નાખવા માટે પ્રેરિત કરે છે. જોકે સમય સાથે આ આદત છોડાવવી ખૂબ જરૂરી છે.
પ્રતીકાત્મક તસવીર
બાળકોમાં અંગૂઠો સૂચવાની આદત ખૂબ સામાન્ય હોય છે. કેટલીક વાર તો આ આદત ગર્ભમાં જ શરૂ થઈ જતી હોય છે. બાળક જ્યારે તનાવ, ડર કે બેચેનીનો અનુભવ કરે છે ત્યારે પોતાનો અંગૂઠો મોઢામાં નાખીને ચૂસે છે. એવા સમયે પોતાને શાંત અને સુરક્ષિત ફીલ કરાવવા માટે બાળકો આવો વ્યવહાર કરતાં હોય છે જેને સેલ્ફ-સૂધિંગ બિહેવિયર કહેવાય છે. બાળકોમાં કુદરતી રીતે જ સકિંગ રિફ્લક્સ હોય છે, જે તમને અંગૂઠો મોઢામાં નાખવા માટે પ્રેરિત કરે છે. જોકે સમય સાથે આ આદત છોડાવવી ખૂબ જરૂરી છે.
શું નુકસાન થઈ શકે?
ADVERTISEMENT
સામાન્ય રીતે બે-ચાર વર્ષની ઉંમર વચ્ચે બાળક આપોઆપ અંગૂઠો ચૂસવાની આદત છોડી દેતું હોય છે, જ્યારે કેટલાંક બાળકોને આ આદત છોડાવવી પડે છે. બાળકને કાયમી દાંત આવવાનું શરૂ થાય એ પહેલાં આ આદત છૂટી જવી જોઈએ નહીંતર એને કારણે અનેક રીતે નુકસાન થઈ શકે છે. જેમ કે દાંતોના આકાર અને સ્થિતિ પ્રભાવિત થઈ શકે છે જેને કારણે ચાવવામાં અને ગળવામાં સમસ્યા થઈ શકે છે. ઉપરના દાંત નીચેના દાંતથી વધુપડતા બહાર નીકળે જેથી ખાવામાં સમસ્યા થઈ શકે. અંગૂઠો ચૂસવાથી દાંત, જડબાં અને તાળવાની બનાવટ પર અસર પડે છે, પરિણામે ખાવામાં અને બોલવામાં સમસ્યા થાય છે. આ આદતને લીધે તેમને ઇન્ફેક્શન થવાનું પણ જોખમ હોય છે. વારંવાર ખરાબ આંગળીઓ કે અંગૂઠો મોઢામાં નાખવાથી જર્મ્સ શરીરમાં જઈને બાળકને બીમાર પાડી શકે છે.
આદત કેમ છોડાવવી?
બાળકની અંગૂઠો ચૂસવાની આદત બદલવા માટે તેને ખિજાવા કે ટોકવા કરતાં સંવેદનશીલ ઉપાય અપનાવવો જોઈએ. આદત એકઝાટકે છોડાવવા કરતાં ધીમે-ધીમે એને છોડાવવાનો પ્રયત્ન કરો. દિવસમાં અમુક કલાક ફિક્સ કરીને એમાં તે અંગૂઠો ન ચૂસે એનું ધ્યાન રાખો. તેનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરો. જેમ કે તમે તેને એવી ગેમ્સ રમાડો જેમાં તેના હાથ બિઝી રહે. ઘણાં બાળકોને રાત્રે સૂતી વખતે મોઢામાં અંગૂઠો નાખીને સૂવાની આદત હોય છે. એવામાં તમે બાળકને સ્ટોરીઝ સંભળાવો. તેને ભાવનાત્મક રીતે સુરક્ષિત હોવાનો અનુભવ કરાવો. એ માટે તમે તેને રાત્રે સૂતાં પહેલાં એક આલિંગન આપો. આદત છોડાવતી વખતે બાળક દિવસમાં અમુક કલાકો અંગૂઠો ચૂસ્યા વગર વિતાવે તો તેની પ્રશંસા કરો, તેને રિવૉર્ડ આપો.

