ગયા વર્ષે ઑગસ્ટમાં ફક્ત ૪૪ વર્ષની ઉંમરે જીવ ગુમાવનારા અમર દોશીની ઇચ્છા હતી કે દીકરી ટેન્થમાં ૯૫ ટકાથી વધુ લાવે, ઘરમાં ગમગીન માહોલ હોવા છતાં ખુશીએ ભણવામાં પૂરી શક્તિ લગાડી દીધી અને મેળવ્યા અદ્ભુત ૯૮.૬ ટકા
ખુશી પિતા અમર દોશી સાથે.
મલાડ-ઈસ્ટમાં દફ્તરી રોડ પરની સોસાયટીમાં રહેતા અને ડાયમન્ડનું કામકાજ કરતા ૪૪ વર્ષના અમર દોશીનું ગયા વર્ષે ૨૮ ઑગસ્ટે હાર્ટ-અટૅક આવવાથી અચાનક અવસાન થયું હતું. ઘરમાં આ ઘટના બની ત્યારે અમર દોશીની પુત્રી ખુશી દસમા ધોરણની બોર્ડ એક્ઝામની તૈયારી કરી રહી હતી. પપ્પાની અચાનક વિદાય થવાથી ખુશી ભાંગી પડી હતી, પરંતુ પોતે દસમા ધોરણમાં ૯૫ ટકાથી વધુ લાવે એવી પપ્પાની ઇચ્છા હતી એટલે ઘરમાં ગમગીન માહોલ હોવા છતાં ખુશીએ તેમની ઇચ્છા પૂરી કરવા ભણવામાં પૂરી શક્તિ લગાડી દીધી હતી અને તે બેસ્ટ ઑફ ફાઇવ મુજબ ૯૮.૬ ટકા સાથે ટેન્થમાં પાસ થઈ છે.
મૂળ ગુજરાતના રાધનપુરના વતની અને શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન પરિવારની ખુશી દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દસમા ધોરણના બોર્ડની પરીક્ષામાં મને ૯૫ ટકાથી વધુ આવે એવી પપ્પાની ઇચ્છા હતી. મારી ICSE બોર્ડની પરીક્ષા પૂરી થાય અને રિઝલ્ટ આવે એ પહેલાં જ પપ્પા આ દુનિયામાંથી અચાનક જતા રહ્યા. પપ્પાનું અચાનક અવસાન થવાથી મને ખૂબ આઘાત લાગ્યો હતો, પણ થોડા સમય બાદ મને થયું કે પપ્પા મને જીવનમાં સફળ જોવા માગતા હતા. તેઓ મને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કે ફાઇનૅન્સના ફીલ્ડમાં આગળ ભણાવવા ઇચ્છતા હતા. ડૅડી તો અમારી વચ્ચે નથી, પણ તેમની ઇચ્છા કાયમ છે એટલે તેમને ખુશી થાય એવું કામ કરવાનો નિર્ણય લીધો. મને ૯૮.૬ ટકા આવ્યા હોવાની પૂરી ક્રેડિટ પપ્પાને જાય છે. તેઓ જ્યાં પણ હશે ત્યાં મારા રિઝલ્ટથી તેઓ જરૂર ખુશ હશે અને આશીર્વાદ આપતા હશે. પપ્પાના ગયા બાદ મમ્મીએ પણ ખૂબ હિંમત આપી છે અને તેમણે ભણવામાં પ્રોત્સાહન આપ્યું એટલે તેમને પણ થૅન્ક્સ.’
ADVERTISEMENT
અમર દોશી તેમના કાકાની સાથે ડાયમન્ડ-ટ્રેડિંગ કરતા હતા. તેમની ફૅમિલીમાં પુત્રી ખુશી તેનાથી નાનો પુત્ર રિયાન, પત્ની અને માતા-પિતા છે. અમર દોશી પોતાના પરિવારમાં કમાનારી એકમાત્ર વ્યક્તિ હતા. તેમના જવાથી તેમનો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હોવા છતાં પુત્રી ખુશીએ પપ્પાની ઇચ્છા પૂરી કરી છે.
મારા આ રિઝલ્ટની પૂરી ક્રેડિટ પપ્પાને જાય છે
- ખુશી દોશી


