શરીરમાં અમુક એવા પ્રૉબ્લેમ્સ ઊભા થઈ જતા હોય છે જે આપણને સમજાતા નથી કે કેમ ઊભા થયા છે અને છતાં એ સતત હેરાન કરતા હોવાથી અસહ્ય બની જતા હોય છે
પ્રતીકાત્મક તસવીર
શરીરમાં અમુક એવા પ્રૉબ્લેમ્સ ઊભા થઈ જતા હોય છે જે આપણને સમજાતા નથી કે કેમ ઊભા થયા છે અને છતાં એ સતત હેરાન કરતા હોવાથી અસહ્ય બની જતા હોય છે. વળી આવા પ્રૉબ્લેમ માટે ક્યાં ડૉક્ટરને બતાવવું એની પણ સ્પષ્ટતા આપણને ન હોય ત્યારે દરદી ખૂબ જ હેરાન થાય છે. ૫૫ વર્ષનાં એક બહેન સાથે આવું જ થયું. તેમને સતત મોઢામાં બળતરા અનુભવાતી હતી. એ માટે તેમણે આયુર્વેદિક દવાઓ ચાલુ કરી દીધી. તેમને લાગ્યું પિત્ત વધતું હશે, ઍસિડિટી આમ પણ રહે જ છે તો કદાચ એને લીધે મોઢામાં પણ દુખે છે અને બળતરા થાય છે. શરૂઆતમાં તકલીફ સહ્ય હતી, પરંતુ એને અસહ્ય બનતાં વાર ન લાગી. અંતે કોઈએ સલાહ આપી કે મોઢામાં બળતરાની તકલીફ માટે ડેન્ટિસ્ટની મદદ લેવી પડે. પછી તે મારી પાસે આવ્યાં અને અમે ઇલાજ ચાલુ કર્યો. આ બહેનને જે તકલીફ હતી એને કહેવાય બર્નિંગ માઉથ સિન્ડ્રોમ.
આ રોગમાં મોઢામાં એટલે કે જીભમાં, હોઠ ઉપર કે તાળવામાં દુખાવો કે બળતરા થતી હોય છે. દુખાવા સિવાય ક્યાંક એવું પણ બને કે જીભ પર સેન્સેશન આવે, એ ભાગ ખોટો પડી ગયો હોય એમ લાગે, સ્વાદમાં તફાવત લાગે, સ્વાદની અનુભૂતિ જુદી રીતે થઈ હોય એમ લાગે કે પછી મોઢું એકદમ સૂકું થઈ ગયું હોય એમ લાગે. આ ઉપરાંત એવું પણ જોવા મળ્યું છે કે આ રોગનાં લક્ષણો કે તકલીફ મોટા ભાગે સવારે ઠીકઠાક હોય, દિવસ ચડતાં એ વધે અને પછી સાંજ પડતાં એ ઓછી થઈ જતી હોય છે.
ADVERTISEMENT
આ રોગ પ્રાઇમરી હોય એટલે કે એને લીધે જ ઉદ્ભવ્યો હોય કે બીજા રોગને કારણે ઉદ્ભવ્યો હોય એ જાણવું જરૂરી છે. એ મુજબ ઇલાજ નક્કી થાય છે. આપણા મોઢામાં આવેલી લાળગ્રંથિ પર અસર થાય એટલે લાળ ઝરવાનું ઓછું થાય, જેને લીધે મોઢું સૂકું થાય છે. આ પરિસ્થિતિ લાંબો સમય રહે તો બર્નિંગ માઉથ સિન્ડ્રોમમાં પરિણમતી હોય છે. લાળગ્રંથિ પર અસર શા કારણે થઈ એ દર વખતે આપણે જાણી શકતા નથી પરંતુ અસર થઈ છે એ ખબર પડે એટલે ઇલાજમાં આપણે લાળને વધારવાના ઉપાય કરીને આ રોગને અને એનાં લક્ષણોને કાબૂમાં લાવી શકીએ છીએ. આ રોગ પાછળનાં કારણોમાં ગૅસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ એટલે કે પાચન સંબંધિત, યુરોજીનાઇટલ, સાઇકિયાટ્રિક, મગજને સંબંધિત, મેટાબોલિક ડિસઑર્ડર સંબંધિત, પોષણની કમી, ખોટી સાઇઝનાં ચોકઠાં અથવા કોઈ ખાસ દવાઓ પણ હોઈ શકે છે. તમાકુ અને દારૂ પણ આ રોગના મહત્ત્વના કારક છે. કયા દરદીને કયા કારણોસર આ થયું છે એ ચકાસવું પડે છે અને એ રીતે એનો ઇલાજ કરવો પડે છે.

