જો તમને થોડા સમયથી જ આ હોય તો હું કહેત કે તમારા ખાવામાં કોઈ મોટા ફેરફારો થયા હોય તો આવું થઈ શકે, પરંતુ તમને આ તકલીફ લાંબા ગાળાથી છે એટલે તપાસ કરાવવી જરૂરી છે.
પ્રતીકાત્મક તસવીર
હું ૪૨ વર્ષનો છું અને છેલ્લા એકાદ મહિનાથી મને પેટમાં ઉપરના ભાગમાં દુખાવો ચાલુ થયો છે. મને લાગતું હતું કે ગૅસ જ હશે, પણ એ દુખાવો સતત રહેવા લાગ્યો કે હવે મને શંકા જાય છે કે આ ફક્ત ગૅસ જેવી નાની સમસ્યા નહીં હોય. મને ઍસિડિટી તો રહે જ છે, પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે પેટ ફૂલીને દડા જેવું થઈ ગયું છે. હવે આ સમસ્યા માટે અજમો ફાકવાથી કામ થઈ નથી રહ્યું. શું ડૉક્ટર પાસે જવું જોઈએ કે પછી લાઇફસ્ટાઇલ વધુ હેલ્ધી કરવી જરૂરી છે?
તમને જે તકલીફ છે એ લાંબા ગાળાની છે. જે દુખાવો તમે કહો છો એ ગંભીર હોવાની પૂરી શક્યતા છે. જો તમને થોડા સમયથી જ આ હોય તો હું કહેત કે તમારા ખાવામાં કોઈ મોટા ફેરફારો થયા હોય તો આવું થઈ શકે, પરંતુ તમને આ તકલીફ લાંબા ગાળાથી છે એટલે તપાસ કરાવવી જરૂરી છે. બે મુખ્ય કારણ છે જે ભારતીય દરદીઓમાં સામાન્ય રીતે જોવા મળે છે. એક છે એચ. પાયલોરીનું બૅક્ટેરિયલ ઇન્ફેક્શન. આ બૅક્ટેરિયા પેટમાં અંદર ઘર બનાવે છે, જેનું નિદાન એન્ડોસ્કોપી અને પછી બાયોપ્સી કરીને કરી શકાય છે. પહેલાં ૬ અઠવાડિયાંનો અને પછી ૪૫ દિવસનો હોય એ કોર્સ પૂરો કરવો જરૂરી છે. ત્યારે જ એ રોગ સંપૂર્ણ રીતે મટે છે.
બીજું કારણ એ છે કે તમને પિત્તાશયની કોથળીમાં પથરી થઈ હોય તો શરૂઆતમાં પેટમાં ફુલાવો, ગૅસ, ઍસિડિટી જેવાં ચિહનો દેખાઈ શકે છે. એના માટે સોનોગ્રાફી કરવામાં આવે છે, જેમાં એનું સાચું નિદાન બહાર આવી શકે છે. જો પથરી નીકળે તો આગળ જતાં એ પથ્થર પિત્તાશયના મોઢે અટકી જઈ શકે છે, એની નળીઓમાં ફસાઈ જઈ શકે છે અને એને કારણે તો તમને કમળો પણ થઈ જઈ શકે છે.
ADVERTISEMENT
આ બધાં ચિહનો સાથે તમારું વજન તો નથી ઊતરતુંને? જો છેલ્લા એક મહિનામાં વગર કોઈ કારણે તમારું વજન ઓછું થતું હોય તો આંતરડાંની કોઈ બીમારી પણ હોઈ શકે છે. એના માટે તાત્કાલિક ડૉક્ટરને મળવું જરૂરી છે, કેમ કે આ પ્રકારની તકલીફોમાં જેટલું મોડું નિદાન થાય એટલું નુકસાન વધુ હોય છે. તમારાં જે લક્ષણો છે એ સામાન્ય પાચનની ઊથલપાથલથી લઈને આંતરડાંની ગંભીર બીમારી સુધીનાં હોઈ શકે છે એટલે એને અવગણવા કરતાં યોગ્ય નિદાન કરાવવું અને પછી એનો પૂરો ઇલાજ કરાવવો જરૂરી છે.
ડૉ. જિજ્ઞેશ ગાંધી

