Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > મહિલાઓની હેલ્થમાં સામાન્ય લાગતી આ બાબત ક્યારેક અસામાન્ય બની શકે

મહિલાઓની હેલ્થમાં સામાન્ય લાગતી આ બાબત ક્યારેક અસામાન્ય બની શકે

Published : 07 August, 2025 01:20 PM | Modified : 08 August, 2025 07:01 AM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

નાની ઉંમરની યુવતીઓથી લઈને મેનોપૉઝ સુધી પહોંચેલી તમામ એજ-ગ્રુપમાં આવતી મહિલાઓમાં સામાન્ય રીતે જોવા મળતી આ સમસ્યા વિશે જાણીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણે વાત કરી રહ્યા છીએ અંડાશયમાં થતી સિસ્ટની. તાજેતરમાં અમેરિકન ઍક્ટ્રેસ માઇલી સાયરસે ચાલુ કૉન્સર્ટ દરમ્યાન ઓવેરિયન સિસ્ટ રપ્ચર થઈ જવાનો ભયંકર અનુભવ શૅર કર્યો હતો. નાની ઉંમરની યુવતીઓથી લઈને મેનોપૉઝ સુધી પહોંચેલી તમામ એજ-ગ્રુપમાં આવતી મહિલાઓમાં સામાન્ય રીતે જોવા મળતી આ સમસ્યા વિશે જાણીએ

ભારતમાં સ્ત્રીરોગોમાં મહિલાઓમાં ઓવેરિયન સિસ્ટ એટલે કે અંડાશયમાં ગાંઠનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. કેટલાક રિપોર્ટ્સ કહે છે કે દર પાંચ મહિલામાંથી એક મહિલાને કોઈ પણ પ્રકારની ગર્ભાશયની ગાંઠ હોઈ શકે છે. ૨૦૨૧ના એક ડેટા પ્રમાણે લગભગ ૧૨ ટકા મહિલાઓને પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ (PCOS) નામની સમસ્યા છે. નાની ઉંમરે જોવા મળતી આ સમસ્યામાં અંડાશયમાં ઘણીબધી માત્રામાં નાની-નાની ગાંઠ જોવા મળે છે. જોકે મોટા ભાગના કેસમાં અંડાશયમાં જોવા મળતી આ ગાંઠનાં કોઈ ખાસ લક્ષણો નથી હોતાં. જોકે ગાંઠની સાઇઝ મોટી હોય અથવા એ કોઈક રીતે ગૂંચવણભરેલી હોય ત્યારે તીવ્ર દુખાવો, હેવી બ્લીડિંગ અથવા તો ક્યારેક એમાં રપ્ચરની સંભાવનાઓ પણ રહે છે. તાજેતરમાં અમેરિકન સિંગર અને ઍક્ટર માઇલી સાયરસે પોતાનો આ અનુભવ શૅર કર્યો હતો જેમાં ચાલુ કૉન્સર્ટે તેને અચાનક અસહ્ય દુખાવો પેટમાં ઊપડ્યો અને છતાં તેણે કૉન્સર્ટ પૂરી કરી. કૉન્સર્ટ પછી થયેલી ટ્રીટમેન્ટમાં ખબર પડી કે તેની ઓવરીમાં રહેલી ગાંઠ રપ્ચર થઈ છે. મોટા ભાગે નિરુપદ્રવી લાગતી અંડાશયની ગાંઠ વિશે વધુ વિગતવાર સમજીએ.



પ્રકાર કેટલા?


ઓવરી એટલે કે અંડાશય સ્ત્રીપ્રજનન પ્રણાલીનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. ગર્ભધારણ માટે અંડાશય ઈંડાં ઉત્પન્ન કરે છે. તેમ જ એસ્ટ્રોજન તથા પ્રોજેસ્ટેરોન જેવાં હૉર્મોન્સ મુક્ત કરે છે. ગાયનેક-ઑન્કોલૉજિસ્ટ ડૉ. પ્રાચી ઠાકર કહે છે, ‘ઘણી સ્ત્રીઓને તેમના જીવનકાળ દરમિયાન ઓવરીમાં ગાંઠનો અનુભવ થાય છે, જેના બે પ્રકાર છે. એક પ્રવાહીથી બનેલી કોથળીઓે હોય છે અને બીજી સૉલિડ ગાંઠ હોય છે. સૌથી સામાન્ય પ્રકાર છે ફંક્શનલ સિસ્ટ્સનો જે માસિક ચક્રના ભાગરૂપે બને છે. એમાં ફૉલિક્યુલર સિસ્ટ્સ, જે ઈંડાં મુક્ત કરતાં પહેલાં ફૉલિકલ (કોથળી) તૂટવાને બદલે વધતી રહે ત્યારે બને છે. બીજી છે કોર્પસ લ્યુટિયમ સિસ્ટ્સ, જે ઈંડાં મુક્ત થયા પછી ફૉલિકલ સંકોચાઈને કોર્પસ લ્યુટિયમમાં રૂપાંતરિત થાય છે. જો આ કોર્પસ લ્યુટિયમ પ્રવાહીથી ભરાઈ જાય તો સિસ્ટ બને છે. ડર્મોઇડ સિસ્ટ્સ જન્મથી જ હોય છે, સિસ્ટાડેનોમાસ જે અંડાશયની સપાટી પર વિકસે છે અને ચીકણા પ્રવાહીથી ભરેલી છે. એ સિવાય ચૉકલેટ સિસ્ટ્સ તરીકે ઓળખાતી એન્ડોમેટ્રિઓમાસ ગર્ભાશયની અંદરની પેશીઓ, અંડાશય પર વધે છે.’

કારણો અને લક્ષણો


હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ, પ્રેગ્નન્સી દરમ્યાન રહેલી કોઈ બાબત, પેલ્વિસ એટલે કે પેડુના ભાગમાં થયેલું ઇન્ફેક્શન, એન્ડોમેટ્રિઓસિસ એટલે કે ગર્ભાશયની અંદર હોય એવી દીવાલ ગર્ભાશયની બહાર બનવી શરૂ થઈ હોય વગેરે કારણો ઓવરીઝની સમસ્યા માટે જવાબદાર હોઈ શકે છે. ડૉ. પ્રાચી કહે છે, ‘મોટા ભાગની નાની-નાની સિસ્ટ્સ કોઈ પણ પ્રકારનાં લક્ષણો નથી દર્શાવતી. અનાયાસ જ સર્જરી અથવા સોનોગ્રાફી વખતે એને પકડી લેવાય છે. જોકે સિસ્ટ્સની સાઇઝ વધુ હોય અથવા તો એ રપ્ચર થાય તો પેટના નીચેના ભાગમાં દુખાવો થવો, પેટ ફૂલેલું અથવા ભારે લાગવું, અનિયમિત માસિકસ્રાવ થવો, માસિક દરમ્યાન ખૂબ પીડા થવી, ફિઝિકલ રિલેશનશિપમાં દુખાવો થવો, વારંવાર યુરિનની અનુભૂતિ થવી, કબજિયાત, ઊલ્ટી, ઊબકા જેવાં લક્ષણો હોઈ શકે છે.’

ભારતમાં વધી રહ્યું છે ઓવેરિયન ટ્યુમર

આ‌ૅન્કો-ગાયનેકોલૉજિસ્ટ ડૉ. પ્રાચી ઠાકર

મહિલાઓને થતાં કૅન્સરમાં અંડાશયનું કૅન્સર ત્રીજા નંબરનું મોસ્ટ કૉમન કૅન્સર છે. સર્વાઇકલ અને બ્રેસ્ટ-કૅન્સર પછી ઓવેરિયન કૅન્સર જોવા મળી રહ્યું છે. કેટલાક રિપોર્ટ એવું પણ કહે છે કે સર્વાઇકલ કૅન્સર કરતાં પણ ઓવેરિયન કૅન્સરનું પ્રમાણ આવનારા દિવસોમાં વધી જશે. ૨૦૨૨ના રિપોર્ટ પ્રમાણે ૪૭,૩૩૩ કેસ દ્વારા ભારત ઓવેરિયન કૅન્સરના મામલામાં ચીન પછી બીજા નંબરે હતું. ૨૦૨૨માં લગભગ ૩૨,૯૭૮ મહિલાઓનું મૃત્યુ ઓવેરિયન કૅન્સરને કારણે થયું હતું. ચિંતાજનક બાબત એ છે કે ૮૦ ટકા કેસમાં ત્રીજા અને ચોથા સ્ટેજ પર જ કૅન્સરનું નિદાન થાય છે. એટલે જ દરદીની બચવાની સંભાવના ઘટી જાય છે. અહીં સ્ત્રીઓને થતા કૅન્સરનાં નિષ્ણાત ઑન્કો-ગાયનેકોલૉજિસ્ટ ડૉ. પ્રાચી ઠાકર કહે છે, ‘ઓવેરિયન ટ્યુમર અંડાશયમાં કોષોની અસામાન્ય વૃદ્ધિ છે. આ ટ્યુમર કૅન્સરસ અને નૉન-કૅન્સરસ એમ બન્ને હોઈ શકે છે. કેટલીક વિશેષ પ્રકારની સોનોગ્રાફી થકી આ ગાંઠ માત્ર પ્રવાહીની કોથળીઓ છે કે પછી સૉલિડ ગાંઠ છે એ સમજાઈ જશે. સૉલિડ ગાંઠ કૅન્સરસ હોવાની સંભાવના વધારે છે. મેનોપૉઝ પછી સ્ત્રીઓમાં ઓવેરિયન કૅન્સરનું જોખમ વધે છે. હેરિડિટી એક મહત્ત્વનું કારણ છે. મેદસ્વિતા, હૉર્મોન્સ રિપ્લેસમેન્ટ થેરપી પણ એનાં કારણો હોઈ શકે છે. સ્મોકિંગ ઓવેરિયન કૅન્સરનું મહત્ત્વનું કારણ છે. પેટ ફૂલેલું લાગવું, પેટ અને પેઢુમાં દુખાવો થવો, થોડુંક જમો તો પણ પેટ ભરાઈ ગયાનો અનુભવ થવો, વારંવાર બાથરૂમ જવું, કબજિયાત અથવા તો પાચન સંબંધિત સમસ્યાઓ, કારણ વિના વજન વધવું અથવા ઘટવું, યોનિમાર્ગમાંથી અસામાન્ય રક્તસ્રાવ થવો, પીઠનો દુખાવો જેવાં લક્ષણો જોવા મળતાં હોય છે. ઓવરી કૅન્સરમાં બાયોપ્સી નથી થતી. સૉલિડ ગાંઠને સર્જરી થકી જ કાઢવી પડે છે અને સર્જરી દરમ્યાન જ એ કૅન્સરસ છે કે નથી એ ચેક કરીને આગળની ટ્રીટમેન્ટ નક્કી થતી હોય છે. ઘણીબધી વાર લક્ષણોની રાહ જોવામાં મોડું થઈ જાય છે. હું દરેકને કહીશ કે અનાયાસ પણ જો તમારી ઓવરીમાં ગાંઠ જેવું કોઈ સ્ટ્રક્ચર દેખાયું છે તો ઢીલ કર્યા વિના તમારી નજીકના સ્ત્રીરોગ નિષ્ણાતને મળીને ચેકઅપ કરો. તમારાં લક્ષણોને નજરઅંદાજ ન કરો.’

આયુર્વેદમાં આનો કોઈ ઇલાજ છે?

વૈદ્ય હેતલ બારિયા

આયુર્વેદમાં શરીરમાં થતી ગાંઠોને ગ્રંથિ અથવા તો અર્બુદ તરીકે ઓળખવામાં આવે છે. અહીં વૈદ્ય હેતલ બારિયા કહે છે, ‘આપણું પ્રજનનતંત્ર વાત પ્રભાવિત એરિયા મનાય છે. જ્યારે કફ અને વાત દોષમાં અસંતુલન ઊભું થાય ત્યારે શરીરના આ ભાગમાં ગાંઠ થઈ શકે. જોકે પિત્ત દોષ સાથે પણ ગાંઠનું કનેક્શન છે જ. ખાસ કરીને ચૉકલેટ સિસ્ટ તરીકે ઓળખાતી સિસ્ટ પિત્ત અને વાત દોષના અસંતુલનને કારણે થતી હોય છે. બન્નેના ટ્રીટમેન્ટ-પ્રોટોકૉલ બદલાઈ જતા હોય છે. ઇન્ફર્ટિલિટી અથવા તો માસિક ચક્ર દરમ્યાન થતી તકલીફો સાથે જ્યારે દરદી આવે ત્યારે આ પ્રકારની સિસ્ટની સંભાવનાઓ છતી થતી હોય છે. કાંચનાર ગુગ્ગુલુ, ચંદ્રપ્રભા વટી, શતાવરી, પુનર્નવા, અશોકારિષ્ટ જેવી વિવિધ દવાઓ ઉપરાંત પંચકર્મની સારવાર દ્વારા આ સમસ્યાઓનાં લક્ષણોને દૂર કરવામાં આયુર્વેદ થકી અમને સફળતા મળી છે. ઋતુચર્યા, દિનચર્યા અને રજસ્વલા પરિચર્યા એમ ત્રણ મુખ્ય લાઇફસ્ટાઇલ ચેન્જિસ આયુર્વેદના ગ્રંથોમાંથી મળે છે જે મોટા ભાગની બીમારીઓને આવતી જ અટકાવી શકે છે.’

Whatsapp-channel Whatsapp-channel

08 August, 2025 07:01 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK