Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > પાછલી વયે સ્ત્રીઓમાં બૌદ્ધિક સ્વાસ્થ્ય બગડવાનું રિસ્ક વધુ

પાછલી વયે સ્ત્રીઓમાં બૌદ્ધિક સ્વાસ્થ્ય બગડવાનું રિસ્ક વધુ

29 March, 2023 03:47 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

જૂની પેઢીના પુરુષો કરતાં સ્ત્રીઓમાં ભણતરનો અભાવ અને ઓછું એક્સપોઝર એ માટેનાં જવાબદાર કારણો મનાય છે. જોકે ભણતર હોવા છતાં જીવન દરમિયાન સતત શીખવાની ભાવના પણ બૌદ્ધિક શાર્પનેસ માટે જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

સ્પેશ્યલ સ્ટોરી

પ્રતીકાત્મક તસવીર


જૂની પેઢીના પુરુષો કરતાં સ્ત્રીઓમાં ભણતરનો અભાવ અને ઓછું એક્સપોઝર એ માટેનાં જવાબદાર કારણો મનાય છે. જોકે ભણતર હોવા છતાં જીવન દરમિયાન સતત શીખવાની ભાવના પણ બૌદ્ધિક શાર્પનેસ માટે જરૂરી છે. આવો જાણીએ કે વધુ ભણવાની ગાડી ચૂકી ગયા પછી પણ હવે મોટી ઉંમરે મગજને સતેજ રાખવા શું થઈ શકે 

મોટી ઉંમરમાં મગજની ક્ષમતા ઘટે એ તો સામાન્ય છે પરંતુ આ ક્ષમતાનો ઘટાડો પુરુષ અને સ્ત્રી બંનેમાં જુદો-જુદો જોવા મળે છે. મોટી ઉંમરની સ્ત્રી પુરુષોની સરખામણીમાં શારીરિક જ નહીં, માનસિક કે બૌદ્ધિક ક્ષમતા પણ વધુ ગુમાવતી હોય છે. સમાજમાં જાતી જિંદગીએ પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની બૌદ્ધિક ક્ષમતા વધુ ઘટવાના કિસ્સાઓ જાણીતા છે. તાજેતરમાં ભારતમાં થયેલો લૉન્જિટ્યુડનલ સ્ટડી આ વિશેનાં કારણો છતાં કરે છે. સ્ટડી મુજબ તરુણ અવસ્થાનું ભણતર મોટી ઉંમરે બૌદ્ધિક સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે, જે ભારતમાં ઘણી સ્ત્રીઓને મળ્યું નથી અને આજે પણ મળતું નથી. આપણે ત્યાં છોકરી અને છોકરા વચ્ચે જે ભેદભાવ રાખવામાં આવે છે એને કારણે ઘણી સ્ત્રીઓ અભણ રહી જાય છે અથવા તો ઘણું ઓછું ભણી હોય છે.



આંતરરાષ્ટ્રીય સ્તરના રિસર્ચરો દ્વારા ૪૫-૯૦ વર્ષના લોકો પર થયેલા આ સ્ટડીમાં જોવા મળ્યું કે ભારતમાં પુરુષો સ્ત્રીઓ કરતાં વધુ ભણેલા હતા. ૩૧ ટકા પુરુષોની સરખામણીમાં ૬૨ ટકા સ્ત્રીઓ બિલકુલ અભણ હતી, જેને કારણે વૃદ્ધ સ્ત્રીઓની બૌદ્ધિક ક્ષમતા પુરુષો કરતાં ઘણી ઓછી જોવા મળી હતી. આ સ્ત્રીઓની બુદ્ધિક્ષમતા, સમજણ અને માનસિક સજ્જતા અસરગ્રસ્ત થયેલાં જોવા મળ્યાં હતાં. 


સ્ત્રીઓ પર રિસ્ક વધુ 

પુરુષો કરતાં સ્ત્રીઓ પર મગજના આ રોગોનું જોર વધુ છે એમ સ્વીકારતાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલનાં ન્યુરોલૉજિસ્ટ ડૉ. અનુ અગ્રવાલ કહે છે, ‘ઍવરેજ સ્ત્રીઓ પુરુષો કરતા લાંબું જીવે છે. લાંબા જીવનને કારણે પણ તેના પર ઑલ્ઝાઇમર્સ કે ડિમેન્શિયા જેવી મગજની બીમારીઓ થવાની શક્યતા વધુ રહે છે. આ સિવાય સ્ત્રીઓ પર ઘરની અને બાળકની જવાબદારીઓ વધુ હોવાથી તેના જીવનમાં પુરુષની સરખામણી કરતાં એક્સપોઝર ઘટી જવાને લીધે પણ આ રિસ્ક વધુ જોવા મળે છે. તે સતત કામ તો કરતી જ હોય છે પણ એ એક જ પ્રકારનું કામ છે. એક જ પ્રકારના લોકો વચ્ચે તે જીવે છે. ઘરમાં જ મોટા ભાગે રહેવાને લીધે લોકો સાથે ઓછું મળે છે. આ બધી જ અવસ્થાઓ સ્ત્રીઓ પર ઑલ્ઝાઇમર્સ અને ડિમેન્શિયા જેવા મગજના રોગોનું રિસ્ક વધારે છે. સ્ત્રીની બાયોલૉજીને કારણે આ રોગોનું રિસ્ક તેમના પર વધુ નથી. સ્ત્રી-પુરુષમાં થતા ભેદભાવ અને સામાજિક અન્યાયને કારણે તેમના પર આ રિસ્ક વધુ છે.’ 


ભણતર સાથે સંબંધ 

ભણતર અને વૃદ્ધાવસ્થાની માનસિક ક્ષમતાઓ વિશે શું સંબંધ છે એ વિશે વાત કરતાં ડૉ. અનુ અગ્રવાલ કહે છે, ‘વિજ્ઞાન એવું સાબિત કરી ચૂક્યું છે કે જે લોકો વધુ ભણેલા હોય છે તેમને વૃદ્ધાવસ્થામાં ઑલ્ઝાઇમર્સ કે ડિમેન્શિયા જેવા મગજના રોગો થવાની શક્યતા ઘણી ઓછી હોય છે. ભણતર તમારા મગજના અમુક ખાસ ભાગોને સ્ટિમ્યુલેટ કરે છે અને એને કામ કરતા કરે છે. મગજ એક એવું અંગ છે જેનો જેટલો ઉપયોગ વધુ કરો એટલું એ સારું ચાલે છે. મગજની કૅપેસિટી ઘણી વધારે છે. એની પાસેથી સતત કામ લેવામાં આવે તો એ મૃત્યુ સુધી તમારો સાથ આપે છે. કામ લેવાનું જેટલું ઓછું રહે એટલી તકલીફ વધવાની શક્યતા વધુ રહે છે.’

ભણતર નહીં, ગણતર પણ 

પણ શું ભણતર જ મગજને કામ પર લગાડે છે? તો શું અભણ વ્યક્તિ બુદ્ધિહીન હોય છે? બિલકુલ નહીં, એવી સ્પષ્ટતા કરતાં વૉકહાર્ટ હૉસ્પિટલના ન્યુરોલૉજિસ્ટ ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘આપણે ત્યાં કેટલા વડીલો એવા છે જે ભણેલા નથી પણ ખૂબ હોશિયાર હોય છે. ૮૦ વર્ષનાં માજી ભલે ગણિત ન ભણ્યાં હોય પણ આ ઉંમરે પણ હિસાબ તેમનો ખોટો ન પડતો હોય તો એ આપણને સમજાવે છે કે શીખવું અને જીવન પ્રત્યેની સજાગતા વધુ મહત્ત્વનાં છે. ભણતર તમારા મગજને ખોલે છે એની ના નથી પરંતુ ચોપડાના ભણતરની સાથે-સાથે જીવનનું ભણતર પણ એટલું જ મહત્ત્વનું છે. ૨૫ વર્ષ સુધી ભણ્યા કરો અને પછી લર્નિંગ સાવ બંધ થઈ જાય તો એવું ભણતર તમને ખાસ કામ નહીં લાગે. મગજની જુદી-જુદી સ્કિલ્સ ઍનૅલિસિસ,  મલ્ટિટાસ્કિંગ, યાદ રાખવું, વિચારવું, તર્ક કરવું, કારણો શોધવાં, ઉપાયો સમજવા, પરિવર્તનને અપનાવવું, નિર્ણયો લેવા કે પછી પરિસ્થિતિઓનો સામનો કરવો વગેરેની સતત પ્રૅક્ટિસ થતી રહે ત્યારે મગજ સતેજ રહી શકે છે. એ જેને સમજાય છે તેને વાંધો આવતો નથી.’ 

વૃદ્ધાવસ્થાની તકલીફ 

ઉંમરને કારણે કામ કરવાનો ઉત્સાહ ઘટે છે. કામ સાચું જ થશે એ આત્મવિશ્વાસ પણ ડગમગે છે. જે આવડે છે એ થતું નથી તો નવું કરવાનો ઉત્સાહ ક્યાંથી આવે? એના પર પ્રકાશ પાડતાં ડૉ. અનુ અગ્રવાલ કહે છે, ‘ઘડપણમાં નિવૃત્તિ આવે છે; જે મગજ માટે સારી છે, કારણ કે તમે વર્ષોથી જે કામ કરો છો એમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છો. 

એને બદલે જો તમે બીજું કામ નહીં ઉપાડો, તમારા શરીરથી જેટલું કામ થાય છે એ પણ છોડીને બેસી જાઓ કે હવે આરામ કરવાના દિવસો છે તો એ યોગ્ય નથી. જવાબદારીઓ બદલો તો સારું, પણ છોડવાની નથી. મગજને સતેજ રાખવા અને જીવો ત્યાં સુધી નીરોગી રહેવા શારીરિક અને મગજથી બંને રીતે ઍક્ટિવ રહેવું જરૂરી છે.’ 

ભણતર તમારા મગજને ખોલે છે, પરંતુ ચોપડાના ભણતરની સાથે જીવનનું ભણતર પણ એટલું જ મહત્ત્વનું છે. પાછલી વયે લર્નિંગ સાવ બંધ થઈ જશે તો એ ભણતર ખાસ કામ નહીં લાગે.
ડૉ. શિરીષ હસ્તક

તો શું કરવું? 

નાનપણમાં વધુ ભણી ન શક્યા હો, હાલમાં જીવન એક રૂટીનમાં બંધાઈને ગયું હોય તો એવું માનીને બેસી જવાની જરૂર નથી કે હવે કંઈ થઇ શકે એમ નથી. જેમ શરીર માટે એક્સરસાઇઝ કરીએ છીએ એમ મગજ તેજ રહે એ માટે પણ પ્રયત્નો કરાય જે કારગર પણ નીવડે છે. વિક્રોલીનાં ન્યુરો રીહૅબ સ્પેશ્યલિસ્ટ ફિઝિયોથેરપિસ્ટ ડૉ. કૃતિ મહેતા પાસેથી જાણીએ મગજને સતેજ રાખવાની ટિપ્સ. 

સૌથી પહેલાં તો શરીરને સારું રાખવું જરૂરી છે. તમે બિલકુલ એક્સરસાઇઝ ન કરતા હો તો નહીં ચાલે. દિવસનો એક કલાક તમારે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે કસરત કરવી અનિવાર્ય છે.

પૂરતા કલાકોની રાતની ગાઢ નિદ્રા મગજને સતેજ કરવા માટે જરૂરી છે. એ લેવી જ. 

મગજને કસવા માટે સુડોકુ, પઝલ્સ, ઇન્ડોર ગેમ્સ, કાર્ડ ગેમ્સ કે બજારમાં મળતી માઇન્ડ ગેમ્સ રમો. એ પણ થોડા-થોડા સમયે બદલાવતા રહો.

લોકોને મળતા રહો. એકલવાયા ન થવું. નવા-નવા લોકો સાથે વાતો કરવાનું મહત્ત્વનું છે. 

સતત નવું શીખતા રહો. તમે ખૂબ સારી ગુજરાતી રસોઈ બનાવતા હો તો એ ચોક્કસ બનાવો પણ નવી વાનગીઓ પર પણ હાથ અજમાવતા રહો. જે તમને આવડે છે એ જ કર્યા કરવા કરતાં સતત નવું કરવાની વૃત્તિ તમારી અંદર ડેવલપ કરો. 

નવી ભાષા શીખી શકો તો ખૂબ સારું. પણ જો એવું ન થઈ શકે તો તમારી જ ભાષાનું જ્ઞાન વધારો. એ માટે નવાં પુસ્તકો વાંચો અને નવા શબ્દો શીખો.

કોઈ કળા શીખી શકો. ચિત્ર, સંગીત, નૃત્ય, ભરતકામ, લેખન કંઈ પણ તમને જે ઇચ્છા થાય એ શીખો. વાજિંત્ર પર પણ હાથ અજમાવી શકાય. 

વિઝ્યુઅલાઇઝેશન પણ અતિ મહત્ત્વની ટેક્નિક છે. કલ્પનાઓ મગજને વધુ સ્ટ્રૉન્ગ બનાવવામાં ઉપયોગી છે. તો ભલે ઘડપણ આવ્યું, પરંતુ આ ઉંમરે કલ્પનાના ઘોડા દોડાવતાં શીખી જાઓ. મગજની સાથે જીવન પણ પ્રફુલ્લિત બનશે.

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2023 03:47 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK