Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > પાંચ રૂપિયાનું લીંબુ કે ૩૫ રૂપિયાનું ના​રિયેળ?

પાંચ રૂપિયાનું લીંબુ કે ૩૫ રૂપિયાનું ના​રિયેળ?

01 May, 2024 09:28 AM IST | Mumbai
Sameera Dekhaiya Patrawala | feedbackgmd@mid-day.com

કાળઝાળ ગરમીમાં ડીહાઇડ્રેશન ન થાય એ માટે શું સારું?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગરમી માઝા મૂકી રહી છે ત્યારે ડીહાઇડ્રેશન રોકવા માટે પૂરતું પાણી પીવું જરૂરી છે. શરીર માટે જરૂરી મિનરલ્સ પણ પસીના વાટે વહી જાય છે એટલે એની પૂર્તિ થાય એવું પ્રવાહી જરૂરી છે. જરૂરી નથી કે આ માટે તમારે મોંઘેરાં પીણાં જ પીવાં. સસ્તું અને યોગ્ય રીતે બનેલું લીંબુનું પીણું પણ તરસ ​છિપાવવાની સાથે શરીરને હાઇડ્રેટ રાખશે

ગરમીની ઋતુ પુરબહારમાં ‘તપી’ રહી છે ત્યારે દરેકના મોઢે ગરમીથી બચવાના નુસખા ચર્ચાયા કરે છે. ગ્લોબલ વૉર્મિંગને લીધે દિવસે-દિવસે વાતાવરણ વધુ ને વધુ પડકારજનક બનતું જાય છે એવામાં ગરમી માટેના અકુદરતી નુસખાઓ વાપરીને આપણી પાસે એની સામે લડી લેવા સિવાય બીજો કોઈ ઉપાય બાકી રહ્યો નથી. તાજેતરમાં કલકત્તામાં દૂરદર્શન પર લાઇવ અપડેટ આપતી વખતે એક ન્યુઝ-ઍન્કર ડીહાઇડ્રેશનને કારણે ચાલુ શોમાં જ બેભાન થઈ ગઈ. કામ હોવાને લીધે પાણી પીવાનું થોડી વાર માટે જ ટાળવા પર જ હીટવેવમાં તેની આવી હાલત થઈ ગઈ. આ ઘટના દરેકને વિચારતા કરી દે છે કે જો આમ બેઠાં-બેઠાં માણસ ડીહાઇડ્રેશનનો શિકાર બની જાય તો આ ઋતુમાં એનાથી બચી કઈ રીતે શકાય? જવાબ છે શરીરને શક્ય એટલું હાઇડ્રેટેડ રાખીને એટલે કે પાણીનું પ્રમાણ જાળવીને. 



ડીહાઇડ્રેશનમાં પાણી જાળવી રાખવા માટે ઉત્તમ પીણાંમાં લીંબુપાણી અને ના​રિયેળપાણી પહેલાં પસંદ કરવામાં આવે છે. લીંબુ લગભગ તરત જ મળી જાય છે અને સસ્તું, સ્વાદિષ્ટ અને અસરકારક પીણું બનાવી શકે છે એટલે પસંદ કરવામાં આવે છે; જ્યારે ના​રિયેળમાં પેટને ઠંડક વળે છે એ મોહ આપણને ના​રિયેળના ફેરિયાની લારીએ ખેંચી જાય છે. જોકે આ બન્નેમાં કઈ સ્થિતિમાં કયું સારું એ મોટો પ્રશ્ન છે. આ વિશે વિસ્તારથી વાત કરતાં ડાયટિશ્યન ડૉ. સ્મૃતિ મહેતા કહે છે, ‘બન્ને સારાં. કયું વધુ સારું એ તો આપણી જરૂર જ નક્કી કરે છે. લીંબુપાણીમાં ખાંડ પડે છે જે પ્રોસેસ્ડ હોવાથી જો એકદમ કુદરતી પીણું જોઈતું હોય તો ના​રિયેળપાણી જ વધુ અનુકૂળ પડે. એ સામે નારિયેળપાણી મોંઘું પણ પડે અને એ લીંબુની જેમ હાથવગું નથી, ખાસ લેવા જવું પડે અને કિંમત તો હવે ૩૫ રૂપિયાથી લઈને કોઈક જગ્યાએ ૫૦ રૂ​પિયા સુધીની પણ થઈ ગઈ છે એટલે પ્રમાણમાં મોંઘું પડે. આમ જોઈએ તો બન્ને કુદરતી પીણાં છે એટલે સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારાં તો છે જ, પણ ડીહાઇડ્રેશન ન થાય એ માટે સૌથી પહેલાં તો પાણી પીવા પર જ ધ્યાન આપવું જોઈએ. હોઠ સુકાવા લાગે, ગળું સુકાય એટલે એ નિશાની છે કે તમારું શરીર હવે પાણી માગી રહ્યું છે. એવા સમયે તરત જ પાણી પી લેવું. ખાસ કરીને શરીરને એકસાથે પાણીનો પુરવઠો આપવા કરતાં થોડું-થોડું પાણી આપતા રહીએ તો એ વધુ અનુકૂળ રહે. સામાન્ય રીતે પાણી પીતા રહીએ તો નૉર્મલ ડીહાઇડ્રેશનથી બચી શકાય.’ 


લીંબુપાણી સસ્તો ઇલાજ 
ડીહાઇડ્રેશનને કારણે ચક્કર આવે, મસલ્સમાં ક્રૅમ્પ્સ આવે, થાક વર્તાય તો માત્ર પાણીથી ન ચાલે. જો ક્લિનિકલ ડીહાઇડ્રેશનનાં લક્ષણો હોય તો એ માટે લીંબુપાણી કે ના​રિયેળપાણી બન્ને તાત્કાલિક અસર કરે છે. સ્મૃતિ મહેતા આગળ કહે છે, ‘લીંબુપાણીમાં લીંબુ ઉપરાંત પાણીની સાથે નમક અને ખાંડ બન્ને હોવાથી એ ઉત્તમ ઇલેક્ટ્રોલાઇટ્સ બૅલૅન્સ કરનારું સાબિત થાય છે. લીંબુમાં વિટામિન C હોવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. ઉપરાંત ડીહાઇડ્રેશનની સ્થિતિમાં શરીરમાં પાણી શોષાય એ માટે ઇલેક્ટ્રોલાઇટ જવું જરૂરી છે. એવા સમયે તાત્કાલિક શક્તિ મળે એ માટે પાણીની અંદર રહેલી ખાંડની મીઠાશ પણ મદદ કરે છે. જોકે ડાયાબિટીઝવાળી વ્યક્તિએ ખાંડને લીધે એ અવૉઇડ કરવું પડે છે. એ લોકો ફક્ત લીંબુ અને પાણી પણ લઈ શકે છે. આ સિવાય સ્વસ્થ હોય અને પ્રોસેસ્ડ શુગર ન ચાલતી હોય તો ગોળ, ડેટ સિરપ અથવા મધ નાખીને પી શકાય છે. તમારી શારીરિક સ્થિતિ કેવી છે એના પર બધું નક્કી થાય છે.’ 

શારી​રિક બળમાં ના​રિયેળપાણી
ના​રિયેળપાણી આમ જુઓ તો કુદરતી સ્પોર્ટ્સ ડ્રિન્ક તરીકે ઓળખાય છે એનું કારણ જણાવતાં સ્મૃતિ મહેતા કહે છે, ‘એમાં ઇલેક્ટ્રોલાઇટ્સ ઉપરાંત પોટૅશિયમ, સોડિયમ, મૅગ્નેશિયમ અને કૅલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. એમાં રહેલાં વિટામિન C જેવાં તત્ત્વો રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બ્લડ-પ્રેશરવાળાને એ આપી શકાય છે, પણ જરૂર પડ્યે અઠવાડિયામાં બેથી વધુ ના​રિયેળ ન આપી શકાય. એની સામે લીંબુપાણી વિટામિન Cથી ભરપૂર છે એટલે તમારી ઇમ્યુનિટી વધારવા સાથે સાથે શરીરના PH લેવલને સંતુલિત કરે છે. એમાં રહેલી ઍન્ટિ-ઑક્સિડન્ટ પ્રૉપર્ટીને લીધે શરીરમાં પાચનની પ્રક્રિયાને પણ તેજ કરે છે. આ સિવાય લીંબુપાણીને જો કૉમ્બિનેશનમાં લેવામાં આવે તો એ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. જો શારીરિક બળ વધુ વપરાયું હોય અને સ્નાયુઓનો દુખાવો વગેરે હોય તો ના​રિયેળપાણી એના માટે વધુ અસરકારક સાબિત થાય છે, પણ જે લોકોને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બૅલૅન્સ થતું હોય એવા લોકોએ ડૉક્ટરની સલાહ લઈને જ આ પીણાં પીવાં હિતાવહ છે.’


લીંબુ-નારિયેળ ઉપરાંત આ પણ પી શકાય
ના​રિયેળપાણી અને લીંબુપાણી સિવાય પણ બીજાં કેટલાંક કુદરતી પીણાં છે જે ગરમીની ઋતુમાં રાહત બક્ષે છે. શરીરને ધીમી ગતિએ પાણીનો પુરવઠો આપતા રહીએ તો ડીહાઇડ્રેશન જેવી સમસ્યાઓ ન ઉદ્ભવે એવું જણાવતાં સ્મૃતિ મહેતા કહે છે. ‘ગરમીમાં છાશ ઉત્તમ પીણું છે. થોડું મીઠું અને શેકેલું જીરું નાખીને છાશ પીઓ એટલે પેટમાં ઠંડક વળે. બીપીવાળા લોકો મીઠા વગરની ફક્ત જીરાવાળી છાશ પી શકે છે. જો ડાયાબિટીઝ જેવી સમસ્યા ન હોય તો શેરડીનો રસ પણ સારો પડે. બાળકોને આવું બધું ન ભાવતું હોય તો થોડા રોઝ-સિરપવાળું મિલ્ક-શરબત આપી શકાય. ભીની વરિયાળી અને સાકરનું શરબત પણ આ સમયે ઠંડક આપે છે. કોકમનું શરબત અને આમ પન્ના પણ સારાં રહે. અમુક જગ્યાએ તાજા કેરીના રસના ગ્લાસ મળે છે. એ વિચારવું રહ્યું કે વીસેક રૂપિયામાં મળતા આવા ગ્લાસમાં કેટલી આર્ટિફિશ્યલ વસ્તુઓ ભળી હશે? આના કરતાં ઘરમાં બની શકે અને કુદરતી મળે એવાં પીણાં પીવાં. એમાં તકમરિયાં કે ​ચિયા સીડ્સ નાખીએ એટલે ઠંડક ઉપરાંત ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ પણ મળતાં રહે. આવી ઋતુમાં જૂસ પીવા કરતાં તાજાં સીઝનલ ફળો વધુ ફાયદો આપી શકે છે. તરબૂચ, સક્કરટેટી, દ્રાક્ષ, કાકડી વગરેમાંથી પાણી સારું મળે છે.’

ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે શું?
આ એવાં મિનરલ્સ છે જે લોહી કે અન્ય બૉડી-ફ્લુઇડ્સમાં ઇલેક્ટિક ચાર્જનું વહન કરવાનું કામ કરે છે. આ મિનરલ્સ અનેક રીતે શરીરની કાર્યક્ષમતાને અસર કરે છે. જેમ કે એનાથી શરીરમાં પાણીના પ્રમાણનું નિયમન થાય છે અને લોહીની સાન્દ્રતા રેગ્યુલેટ થાય છે. ચેતાતંતુઓ અને સ્નાયુઓની કામગીરી પણ એના પર નિર્ભર છે. એટલે જ્યારે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ ખોરવાય છે ત્યારે સ્નાયુઓમાં ક્રૅમ્પ્સ આવે છે, ચક્કર આવે છે, માથું દુખવા જેવાં લક્ષણો દેખાય છે. 

Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 09:28 AM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK