આ સીઝનમાં મિસ કરતા નહીં જાંબુનો જાદુ
હાલમાં બજારમાં સરસ મજાનાં સ્વાદિષ્ટ જાંબુનું આગમન થઈ ગયું છે. અંગ્રેજીમાં બ્લૅક બેરી તરીકે ઓળખાતાં કાળાં જાંબુને ગુજરાતમાં રાવણાં કહે છે.
ડાયાબિટીઝના દરદીઓ માટે પરંપરાગત ઔષધિ તરીકે જેની ગણના થાય છે એવાં સ્વાદિષ્ટ જાંબુનાં ફળ, ઠળિયા, પાન તેમ જ છાલનો વિવિધ સ્વરૂપે ઉપયોગ કરવાના વૈજ્ઞાનિક અને આયુર્વેદના દૃષ્ટિકોણથી શું ફાયદા છે એ જાણી લો.
હાલમાં બજારમાં સરસ મજાનાં સ્વાદિષ્ટ જાંબુનું આગમન થઈ ગયું છે. અંગ્રેજીમાં બ્લૅક બેરી તરીકે ઓળખાતાં કાળાં જાંબુને ગુજરાતમાં રાવણાં કહે છે. આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો સૌકોઈને ભાવતા આ નાનકડા ફળના મોટા-મોટા ફાયદા છે. જાંબુના વૃક્ષમાંથી પ્રાપ્ત તમામ વસ્તુઓ ઉપયોગમાં લઈ શકાતી હોવાથી નિષ્ણાતોએ એને ઔષધિનો ભંડાર કહ્યું છે. ચાલો ત્યારે અનેક ગુણો ધરાવતાં મીઠાં જાંબુના જાદુઈ પ્રભાવ વિશે માંડીને વાત કરીએ.
સાયન્સના દૃષ્ટિકોણથી
આપણા દેશનાં અનેક રાજ્યોમાં ઉનાળાની શરૂઆત અને વરસાદની સીઝન શરૂ થતાં પહેલાં બજારમાં જાંબુ આવે છે. જોકે મુંબઈમાં ખૂબ જ ઓછા સમય માટે અને એ પણ ચોમાસાની શરૂઆતના દિવસોમાં જ મળે છે. તાજાં ફળ ખાવાનો સમય બહુ ઓછો હોવાથી એનો વિવિધરૂપે ઉપયોગ થાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જાંબુ ફળના ફાયદા વિશે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ શિલ્પા મિત્તલ કહે છે, ‘સ્વાદુપિંડ પરની અસરના કારણે જાંબુ ડાયાબેટિક ફળ તરીકે ઓળખાય છે. એનાથી શુગરનું લેવલ કન્ટ્રોલમાં રહે છે. ફળમાં રહેલો નૅચરલ ઍસિડ આપણી પાચનશક્તિ સુધારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જાંબુ વિવિધ ઍન્ટિઑક્સિડન્ટ, એન્થોસીયન્સ, ગ્લુકોસાઇટ્સ, એલેજિક ઍસિડ જેવા ફાયટોકેમિકલ્સનો સમૃદ્ધ સ્રોત છે. જાંબુનો પર્પલ રંગ એન્કોસાઇમીનના કારણે છે. ડાયાબિટીઝના દરદીઓ ઉપરાંત જે મહિલાઓને રક્તસ્રાવની સમસ્યામાં હોય તેમના માટે જાંબુનું સેવન અસરકારક ઉપાય છે.’
આયુર્વેદના દૃષ્ટિકોણથી
સંસ્કૃતમાં જંબુ ફલ તરીકે ઓળખાતાં જાંબુના ગુણો વિશે વાત કરતાં પ્રકૃતિ ચિકિત્સા નિષ્ણાત ડૉ. રવિકાંત શર્મા કહે છે, ‘જાંબુ મોસમી ફળ છે. મુંબઈમાં ગરમી પૂરી થાય અને વરસાદ જામે એ પહેલાં થોડા સમય માટે મળે છે, પછી દેખાતાં નથી. આયુર્વેદના દૃષ્ટિકોણથી આ ઔષધિય વૃક્ષ છે. કાળાં જાંબુની મુખ્ય ત્રણ પ્રજાતિ છે. રાજ જાંબુ, શૂદ્ર જાંબુ અને ભૂમિ જાંબુ. નામ પ્રમાણે એનામાં ગુણો છે. રાજ જાંબુ દેખાવમાં મોટાં અને ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. શૂદ્ર જાંબુને ઘણા લોકો કાગ જાંબુ પણ કહે છે. કદમાં નાનાં અને કઠણ તેમ જ સ્વાદમાં સહેજ અમ્લ હોય છે. ભૂમિ જાંબુનું વૃક્ષ જમીન તરફ ઝૂકેલું રહે છે. જાંબુના વૃક્ષની છાલ, મજ્જા (છાલની નીચેનો ભાગ), ફળ, ઠળિયા અને પાન એમ પાંચેય વસ્તુ ઉપયોગી છે. ફળના ગર્ભને ડાયરેક્ટ આરોગી શકાય. ઠળિયાને સૂકવીને એમાંથી ચૂર્ણ બને છે. જાંબુના ઠળિયામાંથી તેલ નીકળે છે. ઠળિયા, પાન, છાલ અને મજ્જાનો દવામાં ઉપયોગ થાય છે તેમ જ એમાંથી ક્વાથ બનાવીને પણ લઈ શકાય છે. બજારમાં ઍપલ વિનેગરની જેમ જાંબુ વિનેગર ઉપલબ્ધ છે. આ વિનેગર અનેક રોગોમાં કામ આવે છે. જોકે એની ગુણવત્તાની ચકાસણી કરવી આવશ્યક છે.’
પ્રમેહ રોગોમાં અકસીર
જાંબુના રાસાયણિક ગુણધર્મો અને ઉપચાર વિશે વધુ માહિતી આપતાં ડૉ. રવિકાંત શર્મા કહે છે, ‘જાંબુમાં પ્રચુર માત્રામાં ખનિજ દ્રવ્યો છે. એમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન, ફૅટ્સ, કાર્બોહાઇડ્રેટ, વિટામિન એ, બી, સી, મેલિક ઍસિડ, ટેનિલ અને સ્ટાર્ચ છે. જાંબુના ઠળિયામાંથી કૅલ્શિયમ અને પ્રોટીન મળે છે. જાંબુનું સેવન કરશો તો સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર નહીં પડે. ઠળિયામાં સૌથી વધુ શક્તિ છે. તેથી જ લોકો એનું ચૂર્ણ બનાવીને મૂકી રાખે છે. આયુર્વેદના વિવિધ ગ્રંથોમાં રાજ જાંબુના ગુણધર્મોનો ઉલ્લેખ છે. જૂના હઠીલા રોગોમાં જાંબુનું સેવન કરવાથી રાહત થાય છે. મધુપ્રમેહ, રક્તપ્રદર, શ્વેતપ્રદર, જીર્ણ અતિસાર જેવા પ્રમેહ રોગોમાં જાંબુના ઠળિયામાંથી બનાવેલું ચૂર્ણ લેવાથી લાભ થાય છે. ઘણા લોકોને વારંવાર મળત્યાગ કરવો પડે છે અને પેટમાં શૂળ ઊપડે છે. ડાયેરિયા પ્રકારના આ રોગમાં જાંબુ ખાવાથી ઘણો ફાયદો થાય છે. જૂના રોગો ધરાવતા દરદીએ જાંબુ ખાવાં જોઈએ. એનાથી પાચનશક્તિ સુધરે છે. જે રીતે મહિલાઓમાં પ્રમેહ રોગોની સમસ્યા ઉદ્ભવે છે એવી જ રીતે પુરુષોમાં પણ કેટલીક સમસ્યા જોવા મળે છે. જાંબુનું સેવન કરવાથી પુરુષોમાં ફળદ્રુપતા વધે છે. આજકાલ યંગ જનરેશનમાં પ્રમેહ રોગોનાં લક્ષણો સામે આવ્યાં છે. યુવાનોને જાંબુનો પ્રયોગ કરવાની સલાહ છે. વૃક્ષની છાલ-પાનમાંથી તૈયાર કરવામાં આવેલા ક્વાથને ઓછી માત્રામાં પીવો જોઈએ. આ ક્વાથનાં કપાળે પોતાં મૂકવાથી તાવ ઊતરી જાય છે. એક ગ્લાસ ક્વાથમાં અડધી ચમચી કોકોનટ ઑઇલ અથવા ઘરમાં જે ઉપલબ્ધ હોય એ તેલ ઉમેરી ઠંડું થવા દેવું. એમાં કૉટનનું કપડું બોળી, નીચોવી કપાળ પર મૂકવાથી શરીરની ગરમી ખેંચી લેશે અને તાવ ઊતરી જશે. શીત પ્રકૃતિનો ગુણધર્મ ધરાવતા જાંબુ અનેક રોગોમાં રામબાણ ઇલાજ છે. જોકે જાંબુના વિવિધ ભાગમાંથી તૈયાર કરવામાં આવેલી વસ્તુનો પ્રયોગ વૈદિક દેખરેખ હેઠળ કરવાની સલાહ છે.’
ડાયટમાં લેવાય?
ડાયટના ઍન્ગલથી જોઈએ તો એનાથી વજન વધી કે ઘટી જતું નથી. શિલ્પા મિત્તલ કહે છે, ‘ડાયટ ચાર્ટમાં દરેક પ્રકારના સીઝનલ અને રંગબેરંગી ફ્રૂટનો સમાવેશ કરવામાં આવે છે. જાંબુમાંથી દરેક પ્રકારનાં પોષક તત્ત્વો મળી રહે છે તેથી એને ડાયટ ચાર્ટમાં ઍડ કરવામાં આવે છે. ઍસિડિટીની સમસ્યા હોય એવા દરદીએ જાંબુને સમારી એના પર સંચળ તેમ જ શેકેલું જીરું ભભરાવીને ખાવાં જોઈએ. ઇચ્છો તો જાંબુનુ શરબત અથવા જૂસ બનાવીને લઈ શકો છો. જાંબુના ફળની જેમ એનાં પાન અને ઠળિયા પણ ખાવાના ઉપયોગમાં લેવાય છે. બ્લડ-પ્રેશરના દરદીએ ઠળિયામાંથી બનાવેલું ચૂર્ણ લેવું જોઈએ. કાળાં જાંબુ ઉપરાંત વાઇટ જાંબુનો પણ ડાયટમાં સમાવેશ કરવાની સલાહ છે. આપણે ત્યાં ગુલાબી, રોઝ રેડ અને સહેજ લીલા રંગનાં જાંબુ પણ મળે છે. દરેક પ્રકારના જાંબુના ગુણધર્મો અને ફાયદા લગભગ સરખા જ છે. આ ફ્રૂટની કોઈ આડઅસર થતી નથી તેથી બધાએ ખાવાં જોઈએ.’
ADVERTISEMENT
ડૉ. રવિકાંત શર્માનાં સૂચનોને ધ્યાનમાં રાખો
શરીરથી નબળી વ્યક્તિએ એક ચોખાના દાણા જેટલી માત્રામાં તેમ જ શારીરિક રીતે સક્ષમ વ્યક્તિએ એક ઘઉંના દાણા જેટલી માત્રામાં
(એકથી ત્રણ ગ્રામ) સવારે ખાલી પેટે જાંબુના ઠળિયામાંથી બનાવેલું ચૂર્ણ લેવું. જો કોઈ કારણસર સવારનો સમય માફક ન આવતો હોય તો જમ્યા પછી ત્રણ કલાક બાદ ચૂર્ણ લઈ શકાય.
ચૂર્ણ બનાવવા માટે જાંબુના ઠળિયાને છાંયામાં એકદમ સુકાઈ જાય એટલા દિવસ રાખવા. ત્યાર બાદ મિક્સરમાં વાટી ભરી લેવું.
ચૂર્ણની જેમ ફળ ખાવાનો પણ ચોક્કસ સમય હોય છે. રોગ સામે લડવા માટે ખાલી પેટે તેમ જ પૌષ્ટિકતા માટે જમ્યા પછી જાંબુ ખાવાં જોઈએ.
શારીરિક ક્ષમતા મુજબ દિવસમાં એક વાર દસથી વીસ મિલીલિટર જાંબુનો રસ પીવાથી આરોગ્ય સારું રહે છે.
શારીરિક રીતે સક્ષમ વ્યક્તિ ૧૦૦ મિલીલિટર ક્વાથ લઈ શકે છે.
શીત પ્રકૃતિ ધરાવતાં જાંબુની કોઈ આડઅસર નથી તેમ છતાં શરીર ઠંડું ન પડે એ માટે રાતના સમયે અધિક માત્રામાં ખાવાનું ટાળવું જોઈએ. જોકે આઇસક્રીમ કે અન્ય પ્રોસેસમાં એનો ઉપયોગ કર્યો હોય તો ખાવામાં વાંધો નથી.
મધુપ્રમેહ, રક્તપ્રદર, શ્વેતપ્રદર, જીર્ણ અતિસાર જેવા પ્રમેહ રોગોમાં જાંબુના ઠળિયામાંથી બનાવેલું ચૂર્ણ લેવાથી લાભ થાય છે. પેટમાં શૂળ ઊપડે ત્યારે જાંબુ ખાવાં જોઈએ. આયુર્વેદના દૃષ્ટિકોણથી જોઈએ તો આ વૃક્ષનાં ફળ, ઠળિયા, પાન, છાલ અને મજ્જા એમ દરેક વસ્તુ વાપરી શકાય છે. શીત પ્રકૃતિનો ગુણધર્મ ધરાવતાં જાંબુની છાલ અને અને પાનમાંથી તૈયાર કરવામાં આવેલા ક્વાથનો ઓછી માત્રામાં પ્રયોગ કરી શકાય
- ડૉ. રવિકાંત શર્મા, પ્રકૃતિ ચિકિત્સા નિષ્ણાત
ડાયાબેટિક ફળ તરીકે ઓળખાતાં જાંબુ ઍૅન્ટિઑક્સિડન્ટ, એન્થોસીયન્સ, ગ્લુકોસાઇટ્સ, એલેજિક ઍસિડ જેવા ફાયટોકેમિકલ્સના સમૃદ્ધ સ્રોત છે. ડાયાબિટીઝના દરદીઓ ઉપરાંત જે મહિલાઓને રક્તસ્રાવની સમસ્યા હોય તેમના માટે જાંબુનું સેવન અસરકારક ઉપાય છે. બજારમાં ગુલાબી, રોઝ રેડ અને સહેજ લીલા કલરનાં જાંબુ પણ મળે છે. દરેક પ્રકારના જાંબુના ગુણધર્મો અને ફાયદા લગભગ સરખા જ હોવાથી સૌકોઈએ ખાવાં જોઈએ
- શિલ્પા મિત્તલ, ડાયટિશ્યન

