યસ, જમ્યા પછી સ્વીટ ડિશ ખાવાની આદત આયુર્વેદની દૃષ્ટિએ સાવ જ ખોટી છે. આઇડિયલી ભોજનનો અંત બને ત્યાં સુધી તૂરા સ્વાદ સાથે થવો જોઈએ અને એ માટે મસાલો નાખેલી છાશ બેસ્ટ છે

પ્રતીકાત્મક તસવીર
ડૉ. રવિ કોઠારી
feedbackgmd@mid-day.com
હવેની જનરેશન કૅલરી ગણી-ગણીને ખાવા લાગી છે અને સ્વીટને તો ઝેર ગણે છે. હા, જ્યાં સુધી ખાંડની વાત છે ત્યાં સુધી એ બહુ સારું છે. પણ તમામ પ્રકારનાં ગળપણ ખરાબ જ છે એવું નથી. ગળપણ તમે શાનું લો છો અને ક્યારે લો છો એ બે બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે. સફેદ ખાંડ તમે કોઈ પણ સમયે લો એ સ્લો પૉઇઝન જ છે. એનું મુખ્ય કારણ એ છે કે શરીરના મેટાબોલિઝમને ખોરવે છે. પણ જો કેમિકલ ફ્રી બ્રાઉન ગોળ કે ખડી સાકર વાપરવામાં આવે તો એ ગળપણ તમને ગુણ કરશે.
ખબર નહીં, જમ્યા પછી ડિઝર્ટ ખાવાની સિસ્ટમ ક્યાંથી આવી છે પણ જ્યારથી એ આદત આપણે અપનાવી છે ત્યારથી અનેક રોગોને આમંત્રણ મળ્યું છે. હું તો ત્યાં સુધી કહીશ કે અત્યારે જે ઓબેસિટી, ડાયાબિટીઝ, થાઇરૉઇડ, ફૅટી લિવર, પીસીઓડી જેવી તકલીફો છે એ આપણી સ્વીટ આફ્ટર ડિનરની આદતને આભારી છે. સ્વીટ જમ્યા પછી નહીં, પણ જમતાં પહેલાં લેવામાં આવે તો એ પાચન સુધારે છે.
આયુર્વેદ અનુસાર ભોજનની શરૂઆત મીઠાશથી કરવી. એ પછી અમ્લ, લવણ અને તીખા રસનું સેવન કરવું. છેક છેલ્લે કડવો કે તૂરો રસ લેવો. જમ્યા પછી સ્વીટ ખાવાથી ડાઇજેશન સ્લો ડાઉન થઈ જાય છે. જરાક મૉડર્ન ન્યુટ્રિશનના દૃષ્ટિકોણથી જોઈએ તો તમે ભરપેટ ભોજન કર્યા પછી જ્યારે ગળ્યું પેટમાં ઓરો છો ત્યારે વધારાની કૅલરી જાય છે. ગળ્યું તમે થોડુંક ખાઓ તો વધુ ખાવાનું મન થાય છે. આ બતાવે છે કે ગળપણથી ભૂખ ઊઘડે છે. જો તમે ભોજનની શરૂઆતમાં પણ ગોળની કાંકરી મોંમાં નાખી લો તો ડાઇજેસ્ટિવ હૉર્મોન્સ રિલીઝ થાય છે.
બીજું, ભોજન હંમેશાં એક-બે રસવાળું જ હોય એવું ન હોવું જોઈએ. ભોજનમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર પ્રકારના રસો હોવા જ જોઈએ. એકલું ગળપણ નહીં ને એકલી તીખાશ-ખારાશ કે ખટાશ પણ નહીં.
જમ્યા પછી શું બેસ્ટ? | તૂરો રસ પાચન માટે ઉત્તમ છે અને એટલે ભોજન પૂરું થયા પછી એ લેવો જોઈએ. છાશ એનું ઉત્તમ ઉદાહરણ છે. છાશમાં જો શેકેલું જીરું કે છાશનો મસાલો નાખીને એને સહેજ સ્પાઇસી બનાવી હોય તો એ વધુ ગુણકારી બને. બાકી સોપારીનો ટુકડો અથવા તો નાગરવેલનું પાન ચાવી-ચાવીને ખાવું ઉત્તમ પાચક બની શકે.
પાચન માટેની ટિપ્સ | જેમ ભોજન દરમ્યાન વિવિધ રસોનું સેવન ક્રમશઃ થાય તો એ પોષણ માટે ઉત્તમ છે એવી જ રીતે પાણી પીવાનો સમય પણ સાચવવો જોઈએ. જમવાની ૩૦ મિનિટ પહેલાં અને ૩૦ મિનિટ પછી પાણી પીવું નહીં. જમ્યા પછી વીસ મિનિટ વજ્રાસનમાં બેસવાથી પાચન સતેજ થઈ જાય છે. જમ્યા પછી તરત નહાવું કે સૂવું નહીં.
ભોજનની શરૂઆત મીઠાશથી કરવી. પછી અમ્લ, લવણ અને તીખા રસનું સેવન કરવું. છેક છેલ્લે કડવો કે તૂરો રસ લેવો. જમ્યા પછી સ્વીટ ખાવાથી ડાઇજેશન સ્લો ડાઉન થઈ જાય છે.
ડૉ. રવિ કોઠારી