ફિઝિયોથેરપી આ પરિસ્થિતિમાં ઘણી મદદરૂપ થઈ શકે એમ છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
મારી ઉંમર ૬૮ વર્ષ છે અને મને થોડા સમય પહેલાં વૉક કરતાં-કરતાં પગ થોડો મચકોડાઈ ગયેલો. એને લીધે પગની ઘૂંટી પર સોજો આવી ગયો અને પેઇન એટલું હતું કે પગ નીચે જ ન મૂકી શકાય. સોજો થોડો ઘટ્યો એટલે અમે એક્સ-રે અને એમઆરઆઇ પણ કરાવ્યું. એમાં ખબર પડી કે મને ટેન્ડનાઇટીસ છે. મારો સ્નાયુબંધ જ તૂટી ગયો છે. અત્યારે અમુક ટેસ્ટ કરાવવાનું કીધું છે અને દવા પણ ચાલે છે, પરંતુ જો એનાથી ઠીક ન થયું તો સર્જરી આવશે. શું એ જરૂરી છે?
સ્નાયુબંધ તૂટે ત્યારે અનહદ પેઇન થાય છે, એ સોજો આવી જાય છે અને એ સ્નાયુનું હલનચલન અટકી જાય છે. તમને પગની ઘૂંટીમાં થયું હતું જેથી તમે ચાલી નહોતા શકતા એ વાત સમજાય એવી છે, પરંતુ એનો ઇલાજ સ્નાયુબંધ કેટલો તૂટ્યો છે અને કઈ રીતે તૂટ્યો છે એના પર અવલંબે છે. જ્યારે સામાન્ય તૂટ્યો હોય અને જોડાઈ શકવાની શક્યતા ડૉક્ટરને લાગતી હોય તો એ ફક્ત પેઇન ઓછું થાય એ માટેનાં ઇન્જેક્શન કે દવા આપતા હોય છે અને એની સાથે ફિઝિયોથેરપી ચાલુ કરે છે જેથી રિકવરી આવી શકે છે. એ ખૂબ મહત્ત્વનો ભાગ છે. ફિઝિયોથેરપી આ પરિસ્થિતિમાં ઘણી મદદરૂપ થઈ શકે એમ છે. માટે એ ચોક્કસ કરજો, પરંતુ જો એ વધારે તૂટી ગયું હોય તો સર્જરી જ એકમાત્ર ઑપ્શન બચે છે. આમ, સર્જરી થશે કે નહીં એ પરિસ્થિતિ તમને ચકાસીને કે રિપોર્ટ જોઈને જ સમજી શકાય.
ADVERTISEMENT
જે લોકો મોટી ઉંમરના છે અને જેમનાં હાડકાં નબળાં પડી ગયાં છે અને ઉંમરને લીધે એ નબળાં પડતાં જ રહેશે એવા લોકો માટે આ સર્જરીનું પરિણામ સારું લાવવું એક ટાસ્ક છે, પણ અશક્ય નથી. પગનાં હાડકાંના સ્ટ્રક્ચરમાં કોઈ મોટા ફેરફાર આવ્યા હોય તો પણ ટેન્ડનાઇટીસ થવાની શક્યતા રહે છે. પહેલાં તમને ફ્લૅટ-ફુટ હતું કે નહીં, આ સ્ટ્રક્ચર કેટલું બદલાયું છે એ બધું જાણ્યા પછી સર્જરીનો નિર્ણય અને એની તૈયારી કરી શકાય. ઇલાજમાં પહેલો ઑપ્શન સર્જરી નહીં, સાવ છેલ્લો ઑપ્શન સર્જરી છે. એ પણ એ પરિસ્થિતિમાં જ્યારે દવા અને ફિઝિયોથેરપીના સંપૂર્ણ ઇલાજ પછી પણ તમે ચાલી ન શકો અને તકલીફ ઘણી વધારે હોય ત્યારે. બાકી દવાઓ, ફિઝિયોથેરપી અને પગે બાંધવાના આજકાલ આવતા એકદમ ઍડ્વાન્સ પટ્ટા એના પર ફોકસ કરજો. એનાથી ચોક્કસ ફાયદો થવો જોઈએ.

