ઓબેસિટી તમારી પ્રેગ્નન્સીમાં નડતરરૂપ ન થાય એ માટે વજન ઉતારવાની પૂરી તૈયારી કરો
પ્રતીકાત્મક તસવીર
આજકાલ કપલ્સ બાળક પ્લાન કરવાની જે ગડમથલમાં હોય છે એમાં માનસિક તૈયારીઓ પર તેઓ વધુ ભાર આપતા દેખાય છે. બાળક પ્લાન કરો ત્યારે માનસિક સજ્જતા અનિવાર્ય છે જ, પરંતુ સાથે-સાથે શારીરિક સજ્જતા પણ અનિવાર્ય છે. ખાસ કરીને આજકાલની
લાઇફ-સ્ટાઇલમાં ઓબેસિટી એક એવી તકલીફ છે જે ઘણી સ્ત્રીઓને ખૂબ નાની ઉંમરથી આવી જતી હોય છે. લગ્નમાં સારા દેખાવા માટે દરેક છોકરી વજન ઉતારવાનું વિચારે છે, પરંતુ વજન જો વધારે હોય તો એને ઉતારવાની ખરી જરૂરત બાળક પ્લાન કરતાં પહેલાં પડે છે. ઓબેસિટી તમારી પ્રેગ્નન્સીમાં નડતરરૂપ ન થાય એ માટે વજન ઉતારવાની પૂરી તૈયારી કરો.
ADVERTISEMENT
આ શારીરિક સજ્જતા જરૂરી છે, કારણ કે જે સ્ત્રી ઓવરવેઇટ કે ઓબીસ છે તેને સૌથી પહેલો પ્રૉબ્લેમ તો ગર્ભધારણ કરવામાં જ આવે છે. ઇન્ફર્ટિલિટી પાછળ ઓબેસિટી ખૂબ મોટો ભાગ ભજવે છે. આ સિવાય મહત્ત્વની વાત એ છે કે પ્રેગ્નન્સી પોતે એક મોટો સ્ટ્રેસ છે શરીર માટે અને જ્યારે શરીરનું વજન વધારે હોય ત્યારે આ સ્ટ્રેસ અત્યંત મોટો બની જતો હોય છે જેને કારણે પ્રેગ્નન્સી દરમ્યાન આવતા ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરનું રિસ્ક અત્યંત વધી જાય છે અને જ્યારે આ રોગ આવે ત્યારે સ્ત્રી અને એના બાળક બન્ને માટે પ્રૉબ્લેમ વધી જાય છે. આ સિવાય આ સ્ત્રીઓમાં નૉર્મલ ડિલિવરીની શક્યતા ઘટી જાય છે. મોટા ભાગે સર્જિકલ ડિલિવરી જ શક્ય બનતી હોય છે. જ્યારે સ્ત્રીનું વજન વધારે હોય ત્યારે તેના આવનારા બાળક પર તત્કાલીન અને લાંબા ગાળાની અસરોનું રિસ્ક ઘણું વધી જાય છે. આ બાળકોમાં મિસકૅરેજની શક્યતાઓ પણ વધી જાય છે. ઓબીસ સ્ત્રીઓમાં પહેલા ત્રણ મહિના ઘણા જ ગંભીર હોય છે. બાળક પ્રીમૅચ્યોર પણ જન્મી શકે છે. વળી પ્રીમૅચ્યોર બાળકોની ઓબીસ થવાની શક્યતા ઘણી વધારે રહે છે. આમ, આ એક સાઇકલ છે જે ફરીને પાછી આવે છે.
એવું જરૂરી નથી કે સ્ત્રી ઓબીસ નથી તો તેને કોઈ તકલીફ થવાની જ નથી, પરંતુ એ જરૂર કહી શકાય કે જો તે ઓબીસ છે તો તકલીફ થવાની શક્યતા ઘણી વધી જાય છે. માટે એ ખૂબ જ જરૂરી છે કે પહેલેથી આ બાબતે સતર્કતા રાખવી. ખાસ કરીને પ્રેગ્નન્સી પ્લાન કરતા હો ત્યારે પ્લાનિંગમાં પહેલું સ્થાન સ્ત્રીએ પોતાના વજનને આપવું. આદર્શ વજન આવી જાય અને મેટાબૉલિક સિસ્ટમ વ્યવસ્થિત થઈ જાય પછી પ્રેગ્નન્સી આવે તો એ પ્રેગ્નન્સી હેલ્ધી હોવાની શક્યતા ઘણી વધારે છે. આમ જો તમે બાળક વિશે વિચારતા હો તો માનસિક રીતે જ નહીં, શારીરિક રીતે પણ સજ્જ થાઓ એ જરૂરી છે.

