તમે જો આહારમાં ધ્યાન રાખતા હો એમ છતાં સતત અમ્લપિત્ત રહેતું હોય તો એ સમજવું જરૂરી છે કે આ સમસ્યા માત્ર પાચનની નહીં, માનસિક તાણની પણ છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારી ઉંમર ૪૬ વર્ષ છે. હાઇપર ઍસિડિટીથી હેરાન છું. જોકે આ ઍસિડિટી ખાવાને કારણે નથી થતી. મારું મગજ બહુ ફાસ્ટ ચાલે છે. દરેક ચીજમાં ઉતાવળપણું રહે છે. ઝડપથી કામ ન થાય તો વાતેવાતે માણસો પર ભડકી જાઉં છું. મને ક્યારેય પિત્તની ઊલટી નથી થઈ પણ છાતીમાં ચુંથારો બહુ થયા કરે. છેલ્લા ત્રણ વર્ષથી તો તળેલું કે તીખું ખાવાનું નથી ખાતો અને ચા-કૉફીને તો સૂંઘતોય નથી. ઍલોપથી, સાઇકિયાટ્રિસ્ટ બધાને બતાવી ચૂક્યો છું. સતત ઍન્ગ્ઝાયટી રહ્ના કરે છે. ક્યારેય બહાર જવાનું મન નથી થતું. ઍસિડિટીને લીધે ગૅસ અને બેચેની જેવું લાગે છે. મગજ અશાંત હોવાથી ઊંઘ પૂરતી નથી મળતી.
હાઇપર ઍસિડિટીને આયુર્વેદિક પરિભાષામાં ‘અમ્લપિત્ત’ કહેવાય છે. મોટા ભાગે આ રોગ પાચનશક્તિ નબળી હોવાને કારણે થાય છે. તમે જો આહારમાં ધ્યાન રાખતા હો એમ છતાં સતત અમ્લપિત્ત રહેતું હોય તો એ સમજવું જરૂરી છે કે આ સમસ્યા માત્ર પાચનની નહીં, માનસિક તાણની પણ છે. આ રોગમાં શરીર અને મન બન્ને જવાબદાર હોય છે. ચિંતા, શોક, ક્રોધ, મનની અશાંતિ આ બધાંથી હોજરી બગડે છે. ખરી રીતે તો આ દરદ સાઇકો-સૉમેટિક છે.
બને ત્યાં સુધી આહારથી જ આ રોગ મટાડવાનું જરૂરી છે. મગનું મોળું ઓસામણ, મગ-ભાત કે ખીચડી જેવો ખોરાક લેવો. ખાટા, ખારા, પિત્તને વધારનારા અને તળેલા પદાર્થો ન લેવા. ઠંડું ચિલ્ડ વૉટર ન લેવું. એકસામટું ખૂબબધું પાણી પણ ન પીવું.
એક વર્ષ જૂના ચોખાના મગ-ભાત, ખીચડી- કઢી, દૂધી કે સફેદ કોળું લેવું. નરણા કોઠે સફેદ કોળાનો એક ગ્લાસ જૂસ પી શકો તો ઉત્તમ.
મોટી હરડે ચૂર્ણ, કાળી દ્રાક્ષ, ખડીસાકર અને જેઠીમધ પ૦-૫૦ ગ્રામ લઈ ઍમાં પ્રવાળ પિષ્ટી રપ ગ્રામ લઈને બરાબર પીસીને નાની બોર જેવડી ગોળી બનાવવી. આ ગોળી દિવસમાં ત્રણ-ચાર વાર ખાવી.
ખોરાકમાં ગાયના ઘીનો વિશેષ સમાવેશ કરવો. દાળ-ભાત-ખીચડીમાં પણ ઉપરથી રેડવું.
પેટ સાફ રાખવું. કબજિયાત ન થવા દેવી. આ માટે ત્રિફળા ચૂર્ણ એક ચમચી (પ ગ્રામ) રાત્રે સૂતાં પહેલાં ગરમ પાણી સાથે લેવું.
યોગ અને મેડિટેશન દ્વારા સ્વભાવની ચંચળતાને શાંત કરવાના પ્રયાસો કરવા.

